અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ

January, 2001

અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ (epididymo-orchitis) : શુક્રગ્રંથિ અને તેના ટોપનો ચેપ. શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિકોથળીમાં બે શુક્રગ્રંથિઓ (testes) તથા તેમનાં અધિશુક્રગ્રંથિ અને શુક્રવાહિની આવેલાં છે. દરેક શુક્રગ્રંથિ 5 સેમી. × 2.5 સેમી.ની, 10થી 15 ગ્રામ વજનની, અંડાકાર પિંડની હોય છે. દરેક શુક્રગ્રંથિની ઉપર ગૂંચળું વાળેલી નળી(શુક્રવાહિની)ની ટોપના રૂપમાં સાતડા જેવી (comma-shaped) અધિશુક્રગ્રંથિ આવેલી છે (જુઓ આકૃતિ). શુક્રગ્રંથિમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષોનું વહન શુક્રવાહિની વાટે થાય છે.

શુક્રગ્રંથિ અને અધિશુક્રગ્રંથિનાં સ્થાન દર્શાવતો નિતંબનો ઊભો છેદ

મૂત્રમાર્ગ દ્વારા અધિશુક્રગ્રંથિમાં અથવા લોહીમાર્ગે શુક્રગ્રંથિમાં ચેપ લાગે તો તે ચેપ સમય જતાં શુક્રગ્રંથિ અને તેના ટોપ બંનેમાં પ્રસરે છે. આ પરિસ્થિતિને અધિશુક્રગ્રંથિ-શુક્રગ્રંથિશોથ કહે છે. જુદા જુદા જીવાણુ (દા.ત., ક્ષય) કે વિષાણુ(દા.ત., લાપોટિયું, mumps)નો તેને ચેપ લાગે છે.

ઉગ્ર ચેપ(acute infection)ને કારણે શુક્રગ્રંથિમાં લબકારા મારતો દુખાવો થાય છે. દર્દીને થાક લાગે છે, તાવ આવે છે. શુક્રગ્રંથિનો સોજો આવે છે અને ઉપરની ચામડી લાલ થઈ જાય છે. પેશાબમાં પરુ તથા લોહી આવે છે અને બળતરા થાય છે. બંને બાજુ લાગેલા ચેપમાં વંધ્યત્વની શક્યતા રહે છે. સારવારની ધારી અસર ન થાય ત્યારે જીવપેશી-પરીક્ષણ (biopsy) કરવામાં આવે છે. દીર્ઘકાલી ચેપના દર્દીમાં સામાન્ય દુખાવો કે સ્પર્શવેદના(tenderness)યુક્ત નાની ગંડિકા તેનું ધ્યાન દોરે છે. જીવપેશી-પરીક્ષણ દ્વારા તથા પેશાબમાં ક્ષયકારી જીવાણુ હોય તો ક્ષયનું નિદાન કરાય છે.

ઉગ્ર ચેપના દર્દીઓને સંપૂર્ણ આરામ જરૂરી હોય છે. તેને માટે ઍન્ટિબાયૉટિક (પ્રતિજૈવ) ઔષધો આપવામાં આવે છે. શુક્રગ્રંથિકોષને આધાર મળી રહે તેવો પાટો બાંધવામાં આવે છે. પીડાનાશક દવા લેવાથી દુખાવો ઓછો કરી શકાય છે. પરુ હોય તો શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે. ક્ષયના દર્દીએ ક્ષયની પૂરી ઔષધચિકિત્સા કરાવવી પડે છે, જે 6થી 12 મહિના સુધી ચાલે છે.

અમરીશ જ. પરીખ