અધિન્યાસ (assignment) : કોઈક અસ્કામત યા મિલકત યા હક્કમાંના હિતાધિકારની અન્ય કોઈક વ્યક્તિને અવેજી કે બિનઅવેજી સોંપણી કરવાની પ્રક્રિયા. એ અંગેના દસ્તાવેજી લખાણને પણ એસાઇનમેન્ટ અગર અધિન્યાસખત કહે છે. અધિન્યાસ લખી આપનાર વ્યક્તિને એસાઇનર અગર સ્વત્વદાતા કહે છે; અધિન્યાસ પ્રાપ્ત કરનારને ઍસાઇની અગર સ્વત્વગ્રહિતા કહે છે.

અદાલત દ્વારા અધિન્યાસને કરાર રૂપે સ્વીકારવામાં આવેલ હોવાથી તેમાં યથાર્થ કરાર સંબંધી તમામ ધારાકીય જરૂરિયાતો સંતોષાયેલી હોવી જોઈએ.

થોડાક અપવાદોને (ઉદાહરણ તરીકે સરકારી કર્મચારીઓનાં પગારભથ્થાં કે પેન્શન) બાદ કરતાં લગભગ તમામ પ્રકારની અસ્કામતો–મિલકતો અધિન્યાસને પાત્ર છે. મિલકતો ગીરો આપી શકાય છે, ગીરો રાખેલ મિલકતોનું આડગીરો થઈ શકે છે, હૂંડી, વચનપત્ર કે ચેકનુ, એન્ડૉર્સમેન્ટ કરીને, અધિન્યાસ થઈ શકે છે.

કરજદારની જાણ અને સંમતિથી તેની પાસેથી લેણાં નીકળતાં નાણાં અધિન્યાસ કરી શકાય છે. કરજ ચૂકવવાના ઉદ્દેશથી કરજદારે લેણદારના હિતાર્થે લખી આપેલ અધિન્યાસ કરજદારની અસ્કામતોના ટ્રસ્ટનું સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ લેણદારોનાં લેણાંની વસૂલાતને ડુબાડવા યા વિલંબમાં નાખવા યા નિષ્ફળ બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલ અધિન્યાસ રદબાતલ ગણાય છે. બૅન્કખાતાની જમાબાકી રકમનું અધિન્યાસ થઈ શકે. જો કોઈક બૅન્કને તેના કોઈક ગ્રાહકે તેના બૅન્કખાતાની જમાબાકી રકમનું અધિન્યાસ કોઈક અન્ય વ્યક્તિને કરી આપેલું હોય અને એ અંગેની જાણ બૅન્કને કરવામાં આવેલી હોય તો ત્યારપછી તે બૅન્કખાતાની જમાબાકી રકમ ઉપર ગ્રાહકનો કોઈ અધિકાર રહેતો નથી.

જીવનવીમા-પૉલિસીધારક પૉલિસીમાંનું તેનું હિત અધિન્યાસ દ્વારા અન્ય વ્યક્તિને પ્રદાન કરી શકે. જીવનવીમા-પૉલિસીનું અધિન્યાસ લેખિત સ્વરૂપમાં અપાય છે. તેનું લખાણ પૉલિસીમાં કે જરૂરી રકમના રેવન્યૂ સ્ટૅમ્પવાળા અલગ કાગળ ઉપર કરવામાં આવે છે અને તે પૉલિસીધારકની કે તેના યોગ્ય અધિકૃત પ્રતિનિધિની તેમજ એક સાક્ષીની સહી સાથે થયેલું હોય છે. પત્નીના હિતાર્થે લેવામાં આવેલી જીવનવીમા-પૉલિસીના અધિન્યાસખતમાં પત્ની પણ સાથે જોડાયેલી હોય છે. જીવનવીમા નિગમની કચેરીને એ અધિન્યાસની જાણ કરવામાં આવે છે. જરૂરી નોંધણીશુલ્ક લઈને જીવનવીમા નિગમ તેની નોંધણી કરે છે. જીવનવીમા નિગમને અધિન્યાસની જાણ કરવામાં આવ્યાની તારીખથી પૉલિસીના લાભ પ્રાપ્ત કરવા પાત્ર વ્યક્તિ તરીકે એસાઇનીની પણ ગણના થાય છે, એટલે એસાઇનીની પણ સંમતિ મેળવ્યા વગર એસાઇનમેન્ટમાં ફેરફાર કરી શકાતા નથી.

જીવનવીમા-પૉલિસીમાં નૉમિનેશન (નિયુક્તિ) એસાઇનમેન્ટ નથી. નૉમિનીની (નિયુક્ત થયેલ વ્યક્તિની) હયાતીમાં પણ તેની પૂર્વસંમતિ મેળવ્યા વગર નૉમિનેશનમાં ફેરફાર કરી શકાય છે. પૉલિસીહોલ્ડરનું અવસાન થયા બાદ જ નૉમિનેશન અમલી બને છે.

ધીરુભાઈ વેલવન