અધાતુઓ (nonmetals) : રાસાયણિક તત્વોના ધાતુ અને અધાતુ એ બે વિભાગોમાંનો એક. અધાતુ તત્વો ઘન હોય તો બરડ, ઓછી ઘનતાવાળા અને ઉષ્મા તથા વિદ્યુતનાં અવાહક (non-conductors) હોય છે. અધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં ઘણી ભિન્નતા માલૂમ પડે છે. ઑક્સિજન વાયુરૂપ છે, બ્રોમીન પ્રવાહીરૂપ છે જ્યારે આયોડીન ઘનરૂપ છે. પ્રવાહી કે ઘન અધાતુઓને સરળતાથી બહુ ઊંચા નહિ તેવા તાપમાને બાષ્પરૂપમાં ફેરવી શકાય છે. ધાતુઓની સરખામણીમાં અધાતુઓની સંખ્યા નાની છે. આમ છતાં પૃથ્વીના પોપડા(crust)નો મોટો ભાગ અધાતુઓ છે અને જીવંત સૃષ્ટિના અસ્તિત્વ અને વિકાસ માટે આ તત્વો અત્યંત જરૂરી છે. અધાતુઓના પરમાણુની બાહ્યકક્ષામાં ધાતુના પરમાણુઓની સરખામણીમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા મોટી હોય છે. રાસાયણિક રીતે અધાતુઓ ઊંચી વિદ્યુતઋણીયતા (electro-negativity) ધરાવે છે અને તેમનો આયનીકરણ પોટેન્શિયલ ઊંચો હોય છે. અધાતુઓ એસિડિક ઑક્સાઇડ આપે છે. તેમના પર મંદ ખનિજ ઍસિડની અસર થતી નથી. તે હાઇડ્રોજન સાથે સ્થાયી હાઇડ્રાઇડ બનાવે છે. ધાતુ અને અધાતુ વચ્ચેની ભેદરેખા ઘણી વાર બહુ સ્પષ્ટ હોતી નથી. આર્સેનિક, ઍન્ટિમની અને ટિન જેવાં તત્વો બંને વર્ગના ગુણધર્મો દર્શાવે છે.
રસિકલાલ કે. શાહ