અદિયમાન : તામિલનાડુના તડહર નામના રાજ્યનો રાજા. તમિળના સંઘકાળના સાત દાનવીર રાજાઓમાં એની ગણના થાય છે. એની વીરતા તથા દાનશીલતાનું વર્ણન અવ્વૈયાર, ભરણર, પેરુશિત્તિનાર, નલ્લુર, નત્તતાર વગેરે સંઘકાલીન કવિઓએ કર્યું છે અને તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. એની દાનશીલતાનું નિરૂપણ કરતાં અવ્વૈયાર કહે છે કે અદિયમાન પુરસ્કાર લેતાં અત્યંત ક્ષોભ પામતો અને વિલંબ કરતો, પણ દાન આપવામાં ક્ષણનો પણ વિલંબ કરતો નહિ. સંઘકાલીન કવિઓએ એનાં દેહસૌંદર્ય, પરાક્રમ, શૌર્ય, યુદ્ધકૌશલ તથા એની ચતુરંગિણી સેનાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એ કલાકારોનું ઘણું સન્માન કરતો. પ્રસિદ્ધ તમિળ કવયિત્રી અવ્વૈયારને તેણે પોતાના દરબારમાં રાજકવયિત્રીનું આદરપૂર્ણ સ્થાન આપ્યું હતું. અદિયમાને અવ્વૈયારનું મૃત્યુ થતાં એક અત્યંત કરુણ પદ રચ્યું છે. એની પર તમિળમાં અનેક કાવ્યો, નાટક, વાર્તાઓ, નિબંધો વગેરે લખાયાં છે. એમાં સૌથી વધારે પ્રસિદ્ધ અને લોકપ્રિય કાવ્ય ગોવિન્દને રચેલું ‘કોંડૈ મન્નર પુનવલ’ છે.
કે. એ. જમના