અદિના મસ્જિદ (ઈ. સ. 1364) : ચૌદમી સદીની મુસ્લિમ સ્થાપત્યકલાનો આકર્ષક નમૂનો. તે વખતની બંગાળની રાજધાની પાન્ડુઆમાં આ મસ્જિદ બંધાયેલી. 1576માં મુઘલ સામ્રાજ્યનો ઉદય થયો ત્યાં સુધીમાં બંગાળમાં મુસ્લિમ સામ્રાજ્ય ત્રણ તબક્કામાં આવેલું : ઈ. 1200થી 1340 ગૌર, 1340થી 1430 પાન્ડુઆ અને 1442થી 1576 સુધી પુન: ગૌર. અત્યારે આ રાજધાની હુગલી અને બર્દવાન જિલ્લાના નાના ગામડામાં ભગ્ન દશામાં છે. અદિના મસ્જિદનું સ્થાપત્ય પણ એવી જ જર્જરિત દશામાં છે. તેની મૂળ ભવ્યતાનો ખ્યાલ હાલ જોવા મળતા તેના અંશો પરથી આવે તેમ છે. આ ઇમારત ઈંટ અને પથ્થરની બનેલી છે. મસ્જિદનો મુખ્ય મનાતો ભાગ મેહરાબ વગેરે સાથે જર્જરિત હાલતમાં ખડો છે, જે મૂળ ઇમારતની ભવ્યતાનો નિર્દેશ કરે છે. તેનો ચૉક લગભગ 122 મીટર (400 ફૂટ) લાંબો અને 40 મીટર (130 ફૂટ) પહોળો – બધી બાજુએથી સુરક્ષિત બંધાયેલ છે. બહારની બાજુથી તેનો વિસ્તાર 154 મીટર (507 ફૂટ) લાંબો અને 85 મીટર (285 ફૂટ) પહોળો છે. આ બાબતમાં તેને દમાસ્કસની ભવ્ય મસ્જિદ સાથે સરખાવી શકાય.

અદિના મસ્જિદને ત્રણ તરફ દરવાજા હતા. તેની અંદર રાજવીઓ માટેની ખાસ મસ્જિદ પણ હતી, જેની રચના ખાસ ઉલ્લેખપાત્ર છે. કેમ કે, તેના આયોજનમાં બંગાળના સ્થાપત્યના ખાસ પ્રકારના સ્તંભો અને કમાનની રચના કરવામાં આવેલી, જે ભાગ્યે જ બીજે કોઈ સ્થળે જોવા મળે. આ સ્તંભો અત્યંત બેઠા ઘાટના પરંતુ ઘણા જ પહોળા અને કલાત્મક ભાતવાળા છે, જેને જોઈને તે હિન્દુ સ્થાપત્ય હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

મસ્જિદના અંદરના ભાગનું છાપરું રહ્યું નથી. અત્યારે અંદરનો ખંડ ખંડેરની હાલતમાં ઊભો છે. 21 મીટર લાંબો, 10 મીટર પહોળો અને લગભગ 15 મીટર ઊંચો તે ખંડ આજે પણ તેની કલાત્મક રચનાથી જોનારને પ્રભાવિત કરે તેમ છે. જર્જરિત આધારો પરથી અનુમાન કરી શકાય છે કે આ ખંડનું છાપરું પથ્થરના કમાનાકાર ધાબા (pointed vaults) વડે બાંધવામાં આવ્યું હશે અને આ જાતની બાંધકામપદ્ધતિ ભારતમાં લગભગ પહેલી વાર અખત્યાર થઈ હશે. તે માટે કદાચ બંગાળની આબોહવા મૂળભૂત કારણ હોઈ શકે. બંગાળમાં જોવા મળતાં ઢળતાં છાપરાં ત્યાંના વધુ વરસાદવાળા વિસ્તારો માટે અનિવાર્ય ગણાય.

આમ અનેક દૃષ્ટિએ મુઘલ સામ્રાજ્ય પહેલાંના મુસ્લિમ યુગના બંગાળના સ્થાપત્યનો આ અપ્રતિમ નમૂનો છે.

રવીન્દ્ર વસાવડા