અદિતિ : એક વૈદિક દેવતા. યાસ્કે એને દેવોની બલવતી માતા કહી છે. એ વિશ્વની પણ માતા છે. એ આકાશને ટેકો આપે છે અને પૃથ્વીને ધારણ કરે છે. ઋગ્વેદમાં એનું સ્વરૂપ સ્પષ્ટ નથી. એનો દક્ષની કન્યા તરીકે પણ ઉલ્લેખ થયો છે અને દક્ષનો તેના પિતા તરીકે ઉલ્લેખ થયો છે (ઋ. 10 : 72 : 4). એના આઠ પુત્રોનાં નામ છે – મિત્ર, વરુણ, ધાતા, અર્યમા, અંશ, ભગ, વિવસ્વાન અને આદિત્ય.

એને ફક્ત સાત પુત્રો જ જોઈતા હતા. તેથી આઠમી વાર એણે ગર્ભ ફોડ્યો. સાત પુત્રોને લઈ એ દેવો પાસે ગઈ, અને આઠમાને આકાશમાંથી ફેંકી દીધો (ઋ. 10 : 72 : 8). પરંતુ ફોડેલો ગર્ભ, પાછો સચેતન બનાવી એને પોષવો પડ્યો. તે માર્તંડ નામે પ્રસિદ્ધ થયો. એ રીતે એના આઠ પુત્રો એટલે આઠ વસુઓ.

તૈત્તિરીય સંહિતામાં એને વિષ્ણુપત્ની કહી છે (7: 5 : 14). ઋગ્વેદમાં અદિતિ વિશે એક પણ સંપૂર્ણ સૂક્ત નથી. એનો દેવી તરીકે ઉલ્લેખ થયો હોવાથી પ્રાત:કાળ, મધ્યાહન અને સંધ્યાકાળે તેનું આહવાન કરવાનું કહ્યું છે. વાજસનેયી સંહિતામાં (21 : 5) એને સ્તોત્યોની મહાન માતા, ઋતની અધિષ્ઠાત્રી, પરાક્રમી, રક્ષા કરનારી તથા માર્ગદર્શિકા કહી છે. ઋગ્વેદમાં (7-82) ઉષાને અદિતિનું મુખ કહી છે. ઋગ્વેદ તથા વાજસનેયી સંહિતામાં તેને गौ: કહીને સંબોધી છે. ધાર્મિક સંસ્કારોમાં જે ગાયની જરૂર પડે છે તેને સામાન્યત: અદિતિ કહે છે.

જયાનંદ દવે