અત્રોલી-જયપુર ઘરાણા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયકીનો એક પ્રકાર. આ ઘરાણાના સ્થાપક અલ્લાદિયાખાં હતા. એમના ખાનદાનમાં ચારસો વર્ષથી અનેક ઉચ્ચ કોટીના ગાયકો થઈ ગયા. એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું અત્રોલી હતું, પણ કેટલીક પેઢીથી એમના પૂર્વજો જયપુર રાજ્યમાં આવેલી ઉણિયારા નામની એક જાગીરમાં વસ્યા હતા, તે કારણે એમણે પ્રવર્તાવેલી ગાયકી અત્રોલી-જયપુર ઘરાણાને નામે ઓળખાઈ.
કુટુંબીઓ પાસેથી સંગીતની તાલીમ મેળવ્યા બાદ અલ્લાદિયાખાંએ જયપુરમાં કવ્વાલ બચ્ચે ઘરાણાના પ્રખર સંગીતકાર મુબારકઅલીખાંનું સંગીત વારંવાર સાંભળ્યું. તે ગાયકની પેચદાર તથા અટપટી તાનોનું બારીકાઈથી શ્રવણ તથા અન્વેષણ કર્યું અને તેમાંની કેટલીક ખૂબીઓ એમણે પોતાના સંગીતમાં સમાવી લીધી. પછી પોતાની ધ્રુપદ શૈલીની ગાયકીને તિલાંજલિ આપીને અલ્લાદિયાખાંએ ખ્યાલની શૈલી અપનાવી લીધી.
અલ્લાદિયાખાંના પુત્ર મંજીખાં તથા શિષ્યા કેસરબાઈ કેરકર પણ મોટાં કલાકાર હતાં. તેમની બીજી એક શિષ્યા મોગુબાઈ કુરડીકર તથા તેની પુત્રી કિશોરી આમોણકર ઉચ્ચ કક્ષાની ગાયિકાઓ છે. આ ઘરાણાનાં બીજાં કલાકારોમાં લક્ષ્મીબાઈ જાધવ મોખરે હતાં. સુપ્રસિદ્ધ ગાયક મલ્લિકાર્જુન મનસૂર પણ આ ઘરાણાના સર્વશ્રેષ્ઠ કલાકાર હતા.
અત્રોલી-જયપુર ઘરાણામાં સ્વર તથા લયને સરખું મહત્વ અપાય છે. બંદિશો મોટેભાગે મધ્ય લયની હોય છે. દ્રુત લયની બંદિશો જવલ્લે જ ગવાય છે. રાગના સર્વાંગી વિસ્તારને બદલે તાનોને વધુ મહત્વ અપાય છે. તાનોની ફિરત સુંદર તથા પેચદાર હોય છે. સાવની બિહાગ, ખોખર બિલાવલ, ભૂપનટ, નટકામોદ, રાયસાકાનડા વગેરે પુષ્કળ અપ્રચલિત રાગોમાં આ ઘરાણું ખૂબ જ સમૃદ્ધ છે.
બટુક દીવાનજી