અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું સ્તન અતિવૃદ્ધિ પામે છે. લોહીના ઊંચા દબાણને કારણે હૃદય અને એક મૂત્રપિંડની નિષ્ફળતા (failure) કે અભાવમાં બીજો મૂત્રપિંડ વધેલી કાર્યમાંગને પહોંચી વળવા અતિવૃદ્ધિ પામીને તેની કામગીરી બજાવે છે. લોહીના પુરવઠાની મર્યાદા તથા પ્રોટીન-સંશ્લેષણ (synthesis) કે ભંજન થવાનો દર અતિવૃદ્ધિને મર્યાદિત કરે છે.

(અ) ચામડીમાં અતિવિકસન, (આ) મૂત્રાશયના નીચલા ભાગમાં ઊભો છેદ જેના વડે પુર:સ્થગ્રંથિનું અતિવિકસન અને મૂત્રાશયના સ્નાયુની અતિવૃદ્ધિ થયેલી જણાય છે, (ઇ) હૃદયનો આડછેદ જેમાં ક્ષેપકની અતિવૃદ્ધિ દર્શાવાઈ છે.

અતિવિકસન (hyperplasia) એ એક અલગ પ્રક્રિયા છે. તેમાં કોષની સંખ્યા વધે છે. આ બંને ક્રિયાઓ ક્યારેક કોઈ કારણસર સાથે પણ થાય છે. હૃદય અને મગજના કોષો વિભાજન દ્વારા સંખ્યા વધારી શકતા નથી, તેથી જરૂર પડ્યે તેઓ ફક્ત અતિવૃદ્ધિ કરે છે.

અનિતા ભાદુરી

શિલીન નં. શુક્લ