અતિચરમાવસ્થા (polyclimax) (વનમાં) : અતિવિસ્તારથી વનપ્રદેશમાં પ્રભુત્વ સ્થાપતી વનસ્પતિની સંવૃદ્ધિ. વગડાઉ ઉજ્જડ સૂકી જગ્યામાં ઊગતી તૃણભૂમિ (grassland). મરુનિવાસી (xerophytes) વગેરે વિવિધ વનસ્પતિના સમાજો પૃથ્વી ઉપરનાં જુદાં જુદાં પર્યાવરણોથી કે આબોહવાથી ઉદભવે છે. આવા સમાજો તેમની આસપાસના જૈવ તથા અજૈવ કારકો સાથે સંવાદિતા સાધીને પોતાનું બંધારણ કે સાતત્ય જાળવીને વૃંદસર્જન કરે છે. આ ઘટનાને ચરમાવસ્થા (climax) કહે છે. આ ચરમાવસ્થા સતત વૃદ્ધિગત હોવાને કારણે ગતિશીલ (dynamic) હોય છે. અમુક અંશે બદલાતું રહેવા છતાં સમગ્રપણે જંગલ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. એકસરખી આબોહવા હેઠળના આખાયે વિસ્તારમાં ભૂતલ અને ભૂમીય ફેરફારો હોવા છતાં એક જ પ્રકારની ચરમાવસ્થા સ્થપાવી જોઈએ, એ માન્યતા સાચી નથી. કોઈ પણ વસવાટ, ગમે તેવી વિશિષ્ટતા ધરાવતો હોય છતાં પણ કાળક્રમે તે પ્રદેશના સામાન્ય પર્યાવરણ જેવો જ બનશે એવું પણ ન માની શકાય. ટૂંકમાં એક જ પ્રકારની આબોહવા હેઠળ, એક કરતાં વધુ પ્રકારની ચરમાવસ્થાનું સર્જન થઈ શકે. આ અતિચરમાવસ્થાની સંકલ્પના છે.
દરેક પ્રદેશને પોતાની પરિસ્થિતિ મુજબ ભિન્ન ભિન્ન સ્થાનિક પર્યાવરણો, ભૂમિ, ભૂતલ વગેરે જુદાં જુદાં હોય છે. 1971માં હેન્સન અને ચર્ચિલે ઉપર દર્શાવેલ અતિચરમ અવસ્થાએ પહોંચેલા વનસ્પતિ સમાજની ખાસિયતો નીચે મુજબ દર્શાવી છે :
(1) આવો સમાજ ઉત્પાદકતા, બંધારણ અને ઘટકો પરત્વે સ્થિર હોય છે. (2) દરેક વિભાગ પોતાનું સાતત્ય જાળવી રાખે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. (3) પ્રજાતિઓમાં ભિન્નતા, સમરૂપતા અને સ્થિરતા જળવાઈ રહે છે. (4) આવા સમાજની સીમાવર્તી વનસ્પતિઓમાં અદલાબદલી, ફેરફારો વગેરે થયાં કરે છે. પરિસ્થિતિકીય કારકોથી તે સમાજનું બંધારણ ઘડાય છે. પરંતુ તેના વિસ્તારથી તે ચરમાવસ્થાએ મૂળ વનસ્પતિ-પ્રજાતિ પોતાનું વર્ચસ્ કોઈ પણ સંજોગોમાં ઓછું થવા દેતી નથી. વનસ્પતિ-સમાજો વિશેનો આ સિદ્ધાંત અતિચરમાવસ્થા સિદ્ધાંત તરીકે ઓળખાય છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન