અતિજલશીર્ષ (hydrocephalus) : અતિજલશીર્ષ એટલે માથામાં મોટા પ્રમાણમાં પ્રવાહી ભરાવું તે. મગજ(મસ્તિષ્ક, brain)ના અંદરના ભાગમાં પોલાણ હોય છે તેને નિલયતંત્ર (ventricular system) કહે છે. નિલયતંત્રમાં અને મગજની ફરતે બહાર આવેલા પ્રવાહીને મસ્તિષ્ક-મેરુરજ્જુ-તરલ (CSF) કહે છે. આ તરલનું પ્રમાણ અને દબાણ વધે ત્યારે નિલય પહોળાં થાય છે, તેથી માથું પણ મોટું થાય છે. ખોપરીનાં હાડકાં કઠણ હોવાથી પહોળાં થયેલાં નિલયતંત્ર અને ખોપરીનાં હાડકાં વચ્ચેના મગજ પર દબાણ આવે છે અને તેની કાર્યશીલતા ઘટે છે. આ રોગ ઘણુંખરું બાળકને થાય છે. તેને કારણે બાળકનો વિકાસ ઘટે છે. મસ્તિષ્ક-મેરુરજ્જુ-તરલ નિલયતંત્રની ધમનીમાંના લોહીમાંથી ઉત્પન્ન થાય છે. તે નિલયતંત્ર તથા મગજ અને કરોડરજ્જુની આસપાસ તાનિકા નીચેની જગ્યા(subarachnoid space)માં પરિભ્રમણ કરી ખોપરીમાંના શિરાવિવરો(venus sinuses)માંના લોહીમાં ભળી જાય છે.

આ રોગ થવાનાં ત્રણ કારણો છે : (અ) તરલ(પ્રવાહી)નું વધુ પડતું ઉત્પાદન, (બ) તરલના પરિભ્રમણ(circulation)માં અવરોધ અને (ક) તરલનું અપૂરતું, અનિયમિત શોષણ. અવરોધજન્ય અતિજલશીર્ષમાં તરલનું દબાણ વધે છે. જ્યારે તરલના અપૂરતા શોષણને કારણે થતા અતિજલશીર્ષમાં તેનું દબાણ વધતું નથી. સામાન્ય રીતે અવરોધજન્ય અતિજલશીર્ષનું પ્રમાણ સૌથી વધુ હોય છે. અવરોધજન્ય અતિજલશીર્ષનાં કારણો નીચે પ્રમાણે છે :

(1) જન્મજાત ખોપરીનાં હાડકાં કે ગરદન અથવા કમરના મણકાની ખોડ; (2) મૅનિન્જાઇટિસ (તાનિકાશોથ) અથવા મસ્તિષ્કશોથ (encephalitis); (3) મગજમાં થયેલી કૅન્સર, પરુ કે લોહીની ગાંઠ; (4) જન્મ સમયે માથામાં થયેલી ઈજાને કારણે ખોપરીના અંદરના ભાગમાં લોહી નીકળવું અને મગજને નુકસાન થવું તે.

આકૃતિ 1 : 1. મોટું મગજ (મસ્તિષ્ક), 2. નાનું મગજ (અનુમસ્તિષ્ક), 3. લંબમજ્જા, 4. કરોડરજ્જુ (મેરુરજ્જુ), 5. દૃઢતાનિકા (duramater), 6. મસ્તિષ્ક-મેરુરજ્જુ તરલ(CSF)ના પરિભ્રમણ માટેની અવજાલતાનિકા અવકાશ (subarachnoid space), 7. નિલય (ventricles) તંત્ર. (નોંધ : તીર CSFના ભ્રમણની દિશા સૂચવે છે.)

આ રોગને કારણે માથું મોટું થાય છે. જન્મજાત અતિજલશીર્ષમાં મોટા માથાને કારણે માતાને પ્રસવમાં તકલીફ પડે છે. સામાન્ય રીતે જન્મ પછી થોડા સમયે માથું મોટું થતું લાગે છે. જો માથું મોટું થવાનું એક વર્ષ સુધી ચાલે તો તેનું કારણ જન્મજાત ખોડ હોતી નથી. બાળકના સામાન્ય વિકાસથી થતો માથાના ઘેરાવાનો વધારો સારણીમાં દર્શાવ્યો છે.

જુદી જુદી વય પ્રમાણે બાળકોમાં માથાના ઘેરાવાનો વિકાસ

ઉંમર (માસમાં) દર માસે વધારો માથાનો ઘેરાવો
0-3 માસ 1.50 સેમી. 35.60 સેમી.
3-6 માસ 1.00 સેમી. 38.60 સેમી.
6-9 માસ 0.60 સેમી. 40.06 સેમી.
9-12 માસ 0.40 સેમી. 41.80 સેમી.
12-18 માસ 0.25 સેમી. 43.05 સેમી.
18-24 માસ 0.13 સેમી. 44.10 સેમી.
24-36 માસ 0.60 સેમી. 45.10 સેમી.

માથું મોટું થવા ઉપરાંત પોચું અને બેડોળ પણ લાગે છે અને કપાળ અને માથા પરની નસો ઊપસેલી જણાય છે. ચહેરો નાનો લાગે છે અને બાળક ઊંચે જોઈ શકતું નથી. આંખોની કીકીઓ આથમતા સૂર્યની માફક પોપચાની ફાડમાં નીચેના ભાગમાં રહે છે. બાળકનો વિકાસ મંદ પડે છે અને તેથી નજર માંડવી, રમવું, હસવું, માથું ટટ્ટાર રાખવું, બેસવું વગેરે શીખતાં તેને વાર લાગે છે. કોઈક વાર આંચકી આવે છે, વારંવાર તપાસ કરવાથી તેમજ માથાનું માપ લેવાથી નિદાન સરળ બને છે.

આકૃતિ 2 : 1. મોટું થઈ ગયેલું માથું, 2. નીચે તરફ ઢળેલી કીકીઓ (ડૂબતા સૂર્ય જેવા દેખાવવાળી આંખો)

બાળકની શારીરિક તથા માનસિક તપાસ, જન્મજાત ખોડની નોંધ તથા આંખમાંના દૃષ્ટિપટલની તપાસ (fundus exmination) જરૂરી નિદાનલક્ષી તપાસ છે. દૃઢતાનિકા(dura mater)ની નીચેની જગ્યામાંથી લોહીની તપાસ, કમરમાંથી મેળવેલા મસ્તિષ્ક-મેરુરજ્જુ-તરલની તપાસ, ખોપરીની એક્સ-રે ચિત્રણની તપાસ, નિલયતંત્રમાં એક્સ-રે-રોધી દ્રવ્ય નાખીને નિલયચિત્રણ (ventriculography) કે હવા ભરીને વાતીય મસ્તિષ્કચિત્રણ (pneumoencephalography) અથવા સી.એ.ટી. સ્કૅન વડે સ્પષ્ટ નિદાન શક્ય બને છે.

મસ્તિષ્ક-મેરુરજ્જુતરલનું પ્રમાણ અને દબાણ ઘટાડવા માટે વિવિધ ઉપાયો યોજવામાં આવે છે; જેવા કે, કમર અને માથામાંથી છિદ્રણ દ્વારા વધારાનું પ્રવાહી કાઢી નાખવું, અતિસાંદ્રીય (hypertonic) ગ્લુકોઝ, સુક્રોઝ અથવા મેનિટોલ નસ વાટે આપવામાં આવે છે અથવા મોં દ્વારા ઔષધીય ગ્લિસરીન અથવા એસેટાઝોલામાઇડ આપવામાં આવે છે. સતત વધતા અતિજલશીર્ષમાં શસ્ત્રક્રિયા દ્વારા વાલ્વ કે વાલ્વ અને પંપવાળી સંયોગનળી (shunt) મૂકવામાં આવે છે. સંયોગનળી નિલયતંત્રને હૃદયના કર્ણક અથવા પેટમાંની પરિતનગુહા (peritoneal cavity) સાથે જોડે છે. જુદા જુદા પ્રકારના વાલ્વનાં નામ આ પ્રમાણે છે : (1) સ્પીટ્ઝ હોલ્ટર વાલ્વ (અમેરિકા); (2) પ્રો. ઉપાધ્યાય વાલ્વ (ભારત); (3) ડૉ. હકિમ વાલ્વ (અમેરિકા); (4) પ્યુડેન્સ-હેયરવાલ્વ (અમેરિકા) અને (5) એક્યુફલોરાંટ વાલ્વ (અમેરિકા). સારવાર-પ્રક્રિયાનું સામાન્યત: પરિણામ સંતોષકારક આવતું નથી. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ મંદ રહે છે અને તેનું આયુષ્ય ઘટે છે. (જુઓ : આંચકી, અપસ્માર)

મનુભાઈ વ્રજલાલ દુધિયા