અતિકાયતા, વિષમ (arcromegaly) : અસાધારણ વિકૃતિ દર્શાવતી શરીરવૃદ્ધિ. ખોપરીના પોલાણમાં મગજની નીચે આવેલી પીયૂષિકા (pituitary) ગ્રંથિના અગ્રસ્થખંડ(anterior lobe)માંથી વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) તૈયાર થાય છે, જે સમગ્ર શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. આ ગ્રંથિના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિને કારણે ઉપર દર્શાવેલ અંત:સ્રાવનું પ્રમાણ વધે છે. હાડકાંની વૃદ્ધિ પૂર્ણ થયા પછી જો આ અંત:સ્રાવનું પ્રમાણ વધે તો તેની અસર હેઠળ હાડકાં અને અન્ય પેશીઓની વિષમ વૃદ્ધિ થાય છે. આવી વિષમ વૃદ્ધિને કારણે શરીરમાં થતા ફેરફારને વિષમ અતિકાયતા કહે છે. પરંતુ જો આ વિકાર હાડકાંની કુદરતી વૃદ્ધિને સમયે થાય તો આખા શરીરની વૃદ્ધિ એકસરખી થાય છે અને તેને સમઅતિકાયતા (gigantism) કહે છે. આવો દર્દી અતિકાય (giant) બને છે. આ જ સમયમાં જો આ અંત:સ્રાવની ઊણપ સર્જાય તો તેમાંથી વામનતા (dwarfism) સર્જાય છે.
વિષમ અતિકાયતા જવલ્લે થાય છે અને તે ત્રીજા અને ચોથા દાયકાની વયનાં સ્ત્રીપુરુષોમાં સમાન રૂપે જોવા મળે છે. અતિસ્રાવતા (hypersecretion) બધાં જ અવયવો અને પેશીઓની વૃદ્ધિ કરે છે. હાડકાં અને કાસ્થિ(cartilage)ની અનિયમિત વૃદ્ધિને કારણે નીચલું જડબું, ગાલ નીચેનું હાડકું, પાંસળીઓ, હાંસડી તથા અન્ય હાડકાં મોટાં થાય છે તેથી દાઢીનાં હાડકાંનો ભાગ અગ્રસ્થ અસ્થિવિવર (frontal sinus), ચહેરાની લંબાઈ તથા છાતીની પહોળાઈ અને ઘેરાવો મોટાં થાય છે. ચહેરો બેડોળ થઈ જાય છે. હાથપગનાં હાડકાં ભારે અને જાડાં થાય છે અને ક્યારેક લાંબાં પણ થાય છે. નાક અને કાનનાં કાસ્થિ મોટાં થાય છે. કાસ્થિ, અસ્થિ અને બંધ(ligament)ની અનિયમિત વૃદ્ધિ સંધિશોથ (arthritis) સર્જે છે. આંગળાંનાં ટેરવાની, હોઠ અને જીભની તથા બધાં જ અવયવોની મૃદુ પેશીઓ વૃદ્ધિ પામે છે. ચામડી જાડી થાય છે, તેનો પરસેવો અને તૈલસ્રાવ (seborrhoea) વધે છે અને કેટલીક સ્ત્રીઓમાં પુરુષો જેવા વાળ ઊગે છે. તેને નરકેશિતા (hirsutism) કહે છે. ક્યારેક અન્ય અંત:સ્રાવી ગ્રંથિઓ પણ વૃદ્ધિ પામે છે. વ્યાપક અંત:સ્રાવી ગ્રંથિ નવવિકસન સંલક્ષણ1(MEN-1) કહે છે
રોગ ધીમે ધીમે વધતો હોઈ છેલ્લા બે દાયકાના દર્દીના લેવાયેલા ફોટા સરખાવવાથી કે વીંટી તથા બૂટ વારંવાર નાનાં પડી જતાં હોય તો આ રોગનો પ્રથમ ખ્યાલ આવી શકે છે. પરાગલ (parathyroid) ગ્રંથિનું કાર્ય વધવાથી અતિકૅલ્શિયમતા (hypercalcaemia) અને મૂત્રમાર્ગમાં પથરી થાય છે. સ્ત્રીઓના સ્તનમાંથી દૂધ જેવું પ્રવાહી આવે છે. તેને સ્તન્યસ્રાવ(galactorrhoea) કહે છે. અન્ય સ્તન્યસ્રાવવાળા દર્દીનો માસિક અટકાવ બંધ થાય છે અને જાતીય વૃત્તિ ઘટે છે. રુધિરદાબ વધે છે અને ક્યારેક મધુપ્રમેહ થાય છે. મોટી થયેલી પીયૂષિકા ગ્રંથિ દૃષ્ટિમાર્ગ પર દબાણ કરે છે અને તેથી દૃષ્ટિક્ષેત્ર નાનું થતું જાય છે. લોહીમાં વૃદ્ધિકારક અંત:સ્રાવનું પ્રમાણ માપવાથી વહેલું નિદાન થઈ શકે છે.
શસ્ત્રક્રિયા અથવા વિકિરણચિકિત્સા (radiotherapy) વડે પીયૂષિકા ગ્રંથિમાંના કોશોની ગાંઠનો નાશ કરી શકાય છે. સફળ ચિકિત્સા રોગની વૃદ્ધિ અટકાવે છે. આશરે 25 ટકા દર્દીઓમાં ઘણી આડઅસરોવાળી બ્રોમોક્રિપ્ટિન નામની દવા, ઉપયોગી નીવડવાનો સંભવ છે. (જુઓ અતિકૅલ્સિયમતા અને અંત:સ્રાવી ગ્રંથિતંત્ર)
હસમુખ ચીમનલાલ મહેતા