અણુકદ (molar volume) : એક ગ્રામ અણુભાર (એક મોલ) પદાર્થે ઘન, પ્રવાહી કે વાયુરૂપમાં રોકેલું કદ. અણુભાર તથા વિશિષ્ટ કદના ગુણાકાર અથવા અણુભારને વિશિષ્ટ ઘનતા વડે ભાગતાં મળતા આંકડાને અણુકદ કહે છે. ઘણી વાર એક મોલ આદર્શ વાયુએ 0°સે. અને 1 વાતાવરણના દબાણે રોકેલ કદ માટે પણ ‘અણુકદ’ શબ્દ વપરાય છે.
તેમના ઉત્કલનબિંદુએ અને એક વાતાવરણે, કાર્બનિક પ્રવાહીઓનું અણુકદ તેમના બંધારણીય ઘટકોના કદતુલ્યાંકો(volume equivalents)ના સરવાળા જેટલું થાય છે. એટલે કે અણુકદ કાર્બનિક પ્રવાહીઓનો યોગાત્મક (additive) ગુણધર્મ છે. કાર્બનિક સંયોજનોમાં સમાનધર્મી શ્રેણીના બે નજીકના સભ્યો વચ્ચેના દરેક CH2 સમૂહ માટે અણુકદમાં 22.2 મિલી.નો તફાવત પડે છે. કેટલાક સમઘટક પદાર્થોનાં અણુકદ ઉત્કલનબિંદુએ સરખાં હોય છે. અણુકદ તાપમાનના ફેરફાર સાથે બદલાય છે. તેથી તે ઉત્કલનબિંદુએ મેળવવામાં આવે છે. કોપે આ બાબત 1855માં જણાવી હતી. અણુકદ અને પેરાકોર (P) વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે દર્શાવી શકાય.
જો સમાન સંજોગોમાં બે પ્રવાહીઓના પેરાકોર સરખા પૃષ્ઠતાણે સરખાવવામાં આવે તો તેઓના પેરાકોરનો ગુણોત્તર તેમના અણુકદના ગુણોત્તરના સમપ્રમાણમાં થશે.
ઉત્કલનબિંદુએ તત્ત્વોનાં અણુકદ અને સમૂહનાં અણુકદ લ બેસે 1912માં ગણતરીથી મેળવ્યાં. આના ઉપરથી સ્પષ્ટ થઈ શકેલું કે અણુકદ મુખ્યત્વે યોગશીલ અને કંઈક અંશે બંધારણીય ગુણધર્મ છે. અણુકદ ઉપરથી ઉત્કલનબિંદુએ ઘનતા મેળવી શકાય છે.
મહેન્દ્ર શાહ