અડોની (Adoni) : આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાનું મહત્વનું શહેર.
ભૌગોલિક સ્થાન – આબોહવા : આ શહેર 15 37´ ઉ. અ. અને 77 16´પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રની સપાટીથી 435 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર 38.16 ચો.કિમી. જેટલો છે. વસ્તીની દૃષ્ટિએ આંધ્રપ્રદેશમાં તેનો ક્રમ 13મો છે.
અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. ઉનાળામાં તાપમાન 31 સે.થી 45 સે. જ્યારે શિયાળાનું તાપમાન 21 સે.થી 29 સે. રહે છે. વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસમાં અનુભવાય છે. સમુદ્રથી આંતરિયાળ ભાગમાં આવેલું હોવાથી વરસાદ સરેરાશ 400 મિમી. જેટલો પડે છે. અડોનીના ડુંગરાળ પ્રદેશમાં ખવાણની પ્રક્રિયા થતી રહે છે.
અર્થતંત્ર : અહીંની જમીન કાળી અને અને રાતી છે. વરસાદ અને હંગામી નદીને કારણે ખેતીકીય પ્રવૃત્તિ વિકસી છે. મુખ્યત્વે કપાસ, મગફળી, ડાંગરની ખેતી તેમજ શાકભાજી-ફળોની ખેતી લેવાય છે. કપાસને કારણે જીનિંગ મિલો અને મગફળી પીલવાની મિલો આવેલી છે. સુતરાઉ કાપડઉદ્યોગ અને ગાલીચા બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
ચૂનાના ખડકોને કારણે સિમેન્ટઉદ્યોગ વિકસ્યો છે. આ ઉપરાંત અહીં બિનલોહ ધાતુ મળે છે. જેમાં તાંબું, જસત, સીસું, અયસ્ક મળતાં હોવાથી ખાણઉદ્યોગ પણ વિકસ્યો છે. કેટલાંક સ્થળેથી હીરા પણ મેળવાય છે. પરિણામે આ શહેર આંધ્રપ્રદેશનું મહત્વનું વ્યાપારિક મથક છે.
પરિવહન–વસ્તી : આ શહેરને આંધ્રપ્રદેશ રોડ પરિવહનની બસોની સેવા ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 167 અહીંથી પસાર થાય છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગોનું મુખ્ય કેન્દ્ર છે. આ શહેરમાં બ્રિટિશરોના સમયથી (1870) રેલવેનો લાભ મળ્યો છે. આ રેલવે જંકશન દક્ષિણ-મધ્ય રેલવે વિભાગમાં આવે છે. આ જંકશનને સોલાપુર–ગુંટકલ રેલવે અને બૅંગાલુરુ–મુંબઈ અને ચેન્નાઈ–મુંબઈ રેલમાર્ગનો લાભ મળે છે.
આ શહેરમાં સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ખાનગી શાળાઓ આવેલી છે તેમજ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જેમાં અડોની આર્ટ્સ અને સાયન્સ કૉલેજ, સાંઈ ડિગ્રી કૉલેજ, ડૉ. જ્યોતિરમૈયી ડિગ્રી કૉલેજ તેમજ ભીમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી અને સાયન્સ અને એન્જિનિયરિંગ કૉલેજ પણ આવેલી છે.
2011 મુજબ આ શહેર અને બૃહદ શહેરની વસ્તી અનુક્રમે 1,66,344 અને 1,84,625 જેટલી છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 68 % છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 છે. મુખ્ય ભાષા તેલુગુ છે. આ સિવાય કન્નડ અને ઉર્દૂ ભાષા પણ બોલાય છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તીઓની વસ્તી અનુક્રમે 52 %, 43 % અને 2 % છે. આ સિવાય શીખ અને બૌદ્ધિક લોકો પણ વસે છે.
ઇતિહાસ : આ શહેરની સ્થાપના ઈ. સ. પૂર્વે 1200માં ચંદ્રસેન રાજાએ કરી હતી. 14મીથી 16મી સદી દરમિયાન વિજયનગરના રાજાઓનું આધિપત્ય હતું. અહીંના કિલ્લા ઉપર બીજાપુર અને ગોલકોન્ડાના મુસ્લિમ રાજા આદિલ શાહે પ્રભુત્વ સ્થાપ્યું હતું. 1690માં ઔંરગઝેબે પોતાની હકૂમત સ્થાપી હતી. ઈ. સ. 1749માં બ્રિટિશરોએ તેને હસ્તગત કર્યું. 1877માં ત્રીજું ઍંગ્લો-મરાઠા યુદ્ધનું રણક્ષેત્ર બન્યું હતું. 1842માં અડોની કોલેરાગ્રસ્ત બન્યું હતું. 1867માં બેલ્લારીએ મ્યુનિસિપાલિટીની સ્થાપના કરી. 1872 અને 1878માં અડોનીની આસપાસ દુષ્કાળને કારણે તત્કાલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી મૃત્યું પામી હતી. 1953માં ભાષાના મુદ્દે અડોની શહેરને આંધ્રપ્રદેશમાં સમાવાયું. અડોનીનો કિલ્લો જોવાલાયક છે. આ સિવાય શ્રી રામ મંડલા કોન્ડા અને શ્રી રેણુકા વેલમ્મા મંદિર અને શાહી મસ્જિદની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે.
નીતિન કોઠારી
હેમન્તકુમાર શાહ