અટલ બ્રિજ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલો પદયાત્રી બ્રિજ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ બ્રિજનું નામ અટલ બ્રિજ રાખ્યું હતું. 984 ફૂટ લાંબા અને 33થી 46 ફૂટ પહોળા આ બ્રિજને અટલ વૉક-વે બ્રિજ પણ કહેવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અટલ બ્રિજનું બાંધકામ 2018માં શરૂ થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિજને 27મી ઑગસ્ટ 2022ના રોજ ખુલ્લો મૂક્યો હતો. પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે તેમાંથી પ્રેરિત થઈને બ્રિજની ડિઝાઇન પતંગ જેવી બનાવવામાં આવી છે. સાબરમતી નદી પર આવેલા સરદાર બ્રિજ અને એલિસબ્રિજની વચ્ચે અટલ વૉક-વે બ્રિજ આવેલો છે. બ્રિજની ડિઝાઇન મુંબઈ- સ્થિત સ્તૂપ કન્સલટન્ટ લિમિટેડે તૈયાર કરી હતી અને બાંધકામ પી ઍન્ડ આર ઇન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડે કર્યું છે.
બ્રિજમાં પ્રવેશ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મુલાકાતી એક વખતની ટિકિટ લઈને વધુમાં વધુ બ્રિજ ઉપર 30 મિનિટ પસાર કરી શકે છે. રમતગમતનાં સાધનો, ખાણી-પીણીની ચીજવસ્તુઓ, પાલતુ સજીવોને અટલ બ્રિજમાં સાથે લઈ જવાની મનાઈ છે. અટલ બ્રિજ દૂરથી માછલીના આકારનો દેખાય છે. અંદર પતંગની ડિઝાઇન મુલાકાતીઓને અમદાવાદના વિખ્યાત પતંગ મહોત્સવની યાદ અપાવે છે. અટલ વૉક-વે બ્રિજ પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન સાથે અને પૂર્વ કાંઠે કળા-સાંસ્કૃતિક સેન્ટર સાથે જોડાય છે.
હર્ષ મેસવાણિયા