અજિતપાલસિંગ (જ. 1 એપ્રિલ 1947, સંસારપુર, પંજાબ) : ભારતના સુપ્રસિદ્ધ હૉકી ખેલાડી. પિતા સંધુસિંગ, માતા ગુરુબચન. સ્નાતક થયા પછી કૉચિંગનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં ટોકિયો ઑલિમ્પિકમાં અને 1975માં કુઆલાલંપુરમાં યોજાયેલ વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતે હૉકી વિજેતાનું પ્રથમ પદક મેળવેલું. તેનો યશ તેના કૅપ્ટન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અજિતપાલસિંગને છે. તેમના વતન પંજાબના સંસારપુર ગામે, ભારતને દશ કરતાં પણ વધુ હૉકી ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ આપ્યા છે. અજિતપાલસિંગ જાલંધર તરફથી સ્કૂલમાં રમતા હતા ત્યારે જ સુંદર ખેલાડી તરીકે નામના પ્રાપ્ત કરેલી. પંજાબ યુનિવર્સિટી તરફથી ત્રણ વર્ષની યુનિવર્સિટીની ટુકડીના કૅપ્ટન તરીકે તેમજ અનેક કમ્બાઇન્ડ યુનિવર્સિટીની ટુકડીના કૅપ્ટન તરીકે પણ રમ્યા હતા.
19મે વર્ષે 1966માં પંજાબ તરફથી નૅશનલ હૉકી ચૅમ્પિયનશિપ રમ્યા ને સેન્ટર ખેલાડી તરીકે સુંદર રમ્યા, જેથી પંજાબ ચૅમ્પિયન થયું. પ્રથમ 1967માં જાપાન જતી ભારતની ટુકડીમાં સ્થાન પામ્યા હતા અને 1968માં મેક્સિકો ઑલિમ્પિકમાં ભારતના ઉત્તમ સેન્ટર હૉકી ખેલાડી તરીકે એમનું સ્થાન નિશ્ચિત થયું. 1972માં મ્યુનિકની ઑલિમ્પિક સ્પર્ધામાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 1976માં મોન્ટ્રિયલ ઑલિમ્પિક સ્પર્ધામાં તેઓ ભારતના કૅપ્ટન તરીકે હતા, તે વખતે ભારતને સાતમું સ્થાન મળેલું.
આ ઉપરાંત ભારત તરફથી બાર્સેલોનામાં 1971માં અને આમસ્ટર્ડામમાં 1974માં અનુક્રમે યોજાયેલ પ્રથમ વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપ અને બીજા વર્લ્ડકપમાં, 1974માં તહેરાનની એશિયાડ હૉકી સ્પર્ધામાં રમ્યા અને 1975માં કુઆલાલંપુરમાં ત્રીજી વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપમાં કૅપ્ટન તરીકે રમ્યા. 1970માં બેંગકોક એશિયાડમાં કૅપ્ટન તરીકે રમ્યા. 1972માં તેમને અર્જુન એવૉર્ડ એનાયત થયો. 1977માં હૉકીમાંથી નિવૃત્ત થયા પછી તેમણે એન.આઇ.એસ. કોચ તરીકે ભારતની જુનિયર તેમજ સીનિયર ટુકડીઓ તૈયાર કરવામાં સેવા આપી છે. 1992માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું હતું.
વાસુદેવ મહેતા