અજવાણી, લાલસિંઘ હઝારીસિંઘ (જ. 17 જુલાઈ, 1899, ખૈરપુર, સિંધ (પાકિસ્તાન); અ. 18 એપ્રિલ, 1967) : અર્વાચીન સિંધી ભાષાના વિદ્વાન વિવેચક તથા નિબંધકાર. સિંધીની સાથે અંગ્રેજી ભાષાનું ઊંડું જ્ઞાન. ભારતના વિભાજન પછી મુંબઈની નૅશનલ કૉલેજમાં આચાર્ય. તેમનાં અંગ્રેજીમાં રચેલાં પુસ્તકો ‘ઇમ્મૉર્ટલ ઇન્ડિયા’ અને ‘હિસ્ટરી ઑવ્ સિંધી લિટરેચર’ છે, તેમની ઊંડી અને સાફ સંશોધન અને વિવેચનદૃષ્ટિની શાખ પૂરે છે. ‘ઉમંગ’ અને ‘વિચાર’ નામના તેના નિબંધસંગ્રહો, ‘શૌર-જી-સૂખડી’ તથા ‘નઓં દૌર’ નામક કાવ્યસંકલનો તથા તેમણે લખેલી પ્રસ્તાવનાઓના સંગ્રહ ‘ઉછલ’નું સિંધી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સિંધી બોર્ડના બાર વરસ સુધી તેઓ આહ્વાહકપદે રહ્યા હતા. તેમણે લખેલા સિંધી સાહિત્યના ઇતિહાસનો દિલ્હીની સાહિત્ય અકાદમીએ અંગ્રેજી, ગુજરાતી તથા અન્ય ભાષાઓમાં અનુવાદ પણ કરાવીને પ્રસિદ્ધ કર્યો છે.
જયંત રેલવાણી