અજન્યુતા (Apogamy) : વાહકપેશીધારી વનસ્પતિઓના સામાન્ય જીવનચક્રમાં બે અવસ્થાઓ એકાંતરે ગોઠવાયેલી હોય છે : (1) દ્વિગુણિત (diploid) બીજાણુજનક (sporophyte) અને (2) એકગુણિત (haploid) જન્યુજનક (gametophyte). આ બંને અવસ્થાઓ તેમના જીવનચક્રમાં નિયમિતપણે એકાંતરણ કરે છે. આ એકાંતરણ બે મહત્ત્વની ક્રિયાઓ દ્વારા થાય છે : (1) ફલન (fertilization) અને (2) અર્ધીકરણ અથવા અર્ધસૂત્રીભાજન (meiosis). બીજાણુજનક અવસ્થા અર્ધીકરણ દ્વારા એકગુણિત બીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેમના અંકુરણથી જન્યુજનક અવસ્થા કે પૂર્વદેહ(prothallus)નું નિર્માણ થાય છે. જન્યુજનક અવસ્થા એકગુણિત જન્યુઓ (gametes) ઉત્પન્ન કરે છે. બે વિજાતીય જન્યુઓના ફલનથી દ્વિગુણિત યુગ્મનજ ઉદભવે છે; જેના વિકાસથી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. પરંતુ કેટલીક વાર આ રંગસૂત્રોની સંખ્યાનું એકાંતરણ બે ઘટનાઓને કારણે તૂટે છે : (1) અજન્યુતા (apogamy) અને (2) અબીજાણુતા (apospory).
અજન્યુતા : જન્યુજનક અવસ્થામાં લિંગી અંગો અને જન્યુઓનું નિર્માણ ન થતાં તેની પર સીધેસીધી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા બીજાણુજનકમાં જન્યુજનકમાં હોય તેટલાં રંગસૂત્રો (એકગુણિત) હોય છે. અજન્યુતા કુદરતી રીતે થાય છે અને પ્રાયોગિક સ્થિતિમાં પ્રેરી પણ શકાય છે. કુદરતી રીતે 20 જેટલી હંસરાજની પ્રજાતિઓ (genera) અને તેમની 50થી વધારે જાતિઓમાં અજન્યુતાની નોંધ લેવામાં આવી છે. કેટલીક હંસરાજની જાતિઓમાં અજન્યુતા કદાચ વનસ્પતિનું વંશાગત (inherited) લક્ષણ હોઈ શકે છે. કુદરતી અજન્યુતા Dryopteris, Pteris, Pellaea, Adiantum, Osmunda, Todea, Athyrium, Cheilanthes, Pteridium, Asplenium વગેરેમાં જોવા મળે છે. આમાં અંડકોષમાંથી સીધેસીધા ઉદભવતા બીજાણુજનકના કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હંસરાજની જાતિઓ સિવાય Lycopodium અને Equisetumની કેટલીક જાતિઓમાં અજન્યુતા પ્રેરવામાં આવી છે.
અજન્યુતાનાં કારણો : આ માટે કેટલીક સમજૂતીઓ આપવામાં આવી છે. Phyllitisના જન્યુજનકોને જલસીંચન ટાળતાં તેઓમાં બીજાણુજનકીય કલિકાઓ, મૂળ, બીજાણુધાનીઓ અને જલવાહિનીકીઓ(tracheids)નું નિર્માણ પ્રેરાયું હતું. જન્યુજનકોમાં ફલનની ક્રિયા અટકાવતાં અજન્યવી બીજાણુજનકનું સર્જન પ્રેરાય છે. દા.ત., Phegopteris. કેટલીક અન્ય પરિસ્થિતિઓમાં પણ અજન્યુતાનું પ્રેરણ થાય છે : (1) ચમકીલા પ્રકાશ અને ઊંચા તાપમાને સંવર્ધન; (2) ફૂગ અને લીલના આક્રમણ દ્વારા જન્યુજનકની જીવનક્ષમતામાં ઘટાડો કરીને; (3) પ્રતિકૂળ પોષણકીય સ્થિતિ હેઠળ ક્રિયાશીલ લિંગી અંગોનાં નિર્માણમાં નિષ્ફળતા; (4) અપસામાન્ય કોષકેન્દ્રીય સંરચના અને વર્તણૂકને કારણે સહજ (inherent) સુગાહિતા(susceptibility)ની પ્રકૃતિ; (5) જન્યુજનકની જીર્ણતા (ageing); (6) અગ્લુકોઝયુક્ત અગાર માધ્યમમાં સંવર્ધન; (7) કેટલીક હંસરાજની જાતિઓને 1% સુક્રોઝયુક્ત માધ્યમમાં ઉન્નત સ્થિતિમાં ઉગાડતા નળાકાર, અરીય સમમિત વાહક પેશી ધરાવતી રચનાઓ ઉત્પન્ન થઈ હતી. (8) Lycopodiumના જન્યુજનકને નાળિયેરનું પાણી અને સુક્રોઝ ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઉગાડતાં બીજાણુજનકીય કલિકાઓ ઉત્પન્ન થઈ હતી.
અજન્યુતાનું કોષવિજ્ઞાન : હંસરાજની દર 15 જાતિઓ પૈકી એક જાતિ અજન્યવી જીવનચક્ર ધરાવે છે. તેઓ બંને અવસ્થા દરમિયાન સમાન રંગસૂત્રો ધરાવે છે. એક સિદ્ધાંત મુજબ બીજાણુજનન (sporogenesis) અને ફલનની ક્રિયાઓનો લોપ થયો હોય છે. વનસ્પતિના બીજાણુજનકનાં પર્ણો ઉપરથી જન્યુજનક કલિકા સ્વરૂપે ઉત્પન્ન થઈ પૂર્ણપણે વિકસે છે. તે દ્વિગુણિત પેશીમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેનું બંધારણ દ્વિગુણિત હોય છે. આ દ્વિગુણિત જન્યુજનક લિંગી અંગો ધરાવતો નથી; પરંતુ તે કલિકા સ્વરૂપે બીજાણુજનક ઉત્પન્ન કરે છે; જે દ્વિગુણિત બીજાણુજનક તરીકે વિકસે છે. આમ, એક જ વનસ્પતિ ઉપર અજન્યુતા અને અબીજાણુતા એમ બંને ઘટનાઓ જોવા મળે છે. આ પ્રકારની પદ્ધતિ અસામાન્ય છે અને તેની Athyrium, Dryopteris અને Trichomanesની જાતિઓમાં નોંધ લેવાઈ છે. Pterisમાં આ સ્થિતિ પ્રેરવામાં આવી છે.
બીજા સિદ્ધાંત મુજબ હંસરાજની જાતિઓમાં અતિસામાન્ય છે; જેમાં બીજાણુમાતૃકોષોમાં દુહિતૃકોષકેન્દ્રોના સંયોગને કારણે રંગસૂત્રો બેવડાય છે અને બીજાણુમાતૃકોષોની સંખ્યા ઘટે છે. સામાન્યત: તનુબીજાણુધાનીય(Leptosporangiate)હંસરાજોમાં 16 દ્વિગુણિત બીજાણુમાતૃકોષો હોય છે; પરંતુ અજન્યવી હંસરાજમાં માત્ર 8 બીજાણુ માતૃકોષો હોય છે અને તેઓ ચતુર્ગુણિત (tetraploid) હોય છે. આ બીજાણુમાતૃકોષો અર્ધીકરણથી વિભાજાતાં 32 દ્વિગુણિત બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓના અંકુરણથી દ્વિગુણિત જન્યુજનક ઉત્પન્ન થાય છે. આ જન્યુજનક ઉપર સામાન્યત: લિંગીઓ ઉત્પન્ન થતાં નથી અને તેમાં ઉદ્ભવતી બીજાણુજનકીય કલિકાઓ દ્વારા દ્વિગુણિત બીજાણુજનક સર્જન થાય છે. તે Aspidium, Nephrodium, Polystichum, Adiartum વગેરેની જાતિઓમાં જોવા મળે છે.
મેહરાએ હિમાલયના પ્રદેશમાં અજન્યવી હંસરાજોના કોષજનીનીય (cytogenetical) બંધારણને આધારે તેમને પાંચ કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે : (1) દ્વિગુણિત અસંયોગીજનનિક : દા.ત., Dryopteris paleacea, Pteris cretica (2) ત્રિગુણિત અસંયોગીજનનિક : આ પ્રકારમાં 17 જેટલી જાતિઓનો સમાવેશ કરાયો છે. (3) ચતુર્ગુણિત અસંયોગીજનનિક : આ પ્રકારમાં ચાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. (4) પંચગુણિત અસંયોગીજનનિક : આ પ્રકારમાં ત્રણ જાતિઓ સમાવાઈ છે. (5) ષટ્ગુણિત અસંયોગીજનનિક : દા.ત., Adiantum hispidulum.
હંસરાજોમાં અજન્યવી જીવનચક્રોના કોષવિજ્ઞાનીય આધાર ઉપર થયેલાં સંશોધનો દ્વારા હંસરાજોમાં જાતિઉદ્ભવન (speciation) વિશે ઘણી માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત થયેલ પુરાવાઓ સૂચવે છે કે મોટા ભાગના અજન્યવી હંસરાજ સંકરણ અથવા જાલાકાર (reticulate) ઉત્ક્રાંતિ દ્વારા ઉત્પન્ન થયા છે.
બળદેવભાઈ પટેલ