અચલગઢ તીર્થ : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુ-દેલવાડા તીર્થથી 4 કિમી. દૂર આવેલું પ્રાચીન તીર્થ. આ મંદિર અચલગઢની એક ટેકરી પર આવેલું છે. મંદિર ઘણું વિશાળ, મનોહર, બે માળવાળું શિખરબંધી અને મજબૂત કોટથી યુક્ત છે. તેમાં મુખ્ય સ્થાનમાં શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજી) દેરાસર છે. આ સ્થાનને અહીંના લોકો ‘નવંતા જોધ’ નામથી ઓળખાવે છે. શ્રી આદીશ્વર ભગવાનના પંચધાતુના પદ્માસનસ્થ પ્રતિમાજી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની સુવર્ણવર્ણની આશરે 1050 મીટર ઊંચી ધાતુની પદ્માસનસ્થ પ્રતિમા બિરાજમાન છે. વિશાળકાય પંચધાતુજીની પ્રતિમાજી 120 મણની છે. અહીં કુલ 18 પ્રતિમાજી છે, જેનું કુલ વજન અંદાજે 1444 મણ જેટલું છે. આ સિવાય અહીં બીજાં ત્રણ દેરાસર છે : (1) શ્રી આદીનાથ ભગવાન, (2) શ્રી શાંતિનાથ ભગવાન અને (3) શ્રી કુંથુનાથ ભગવાન. આ ચારેય મૂર્તિઓ ધાતુની છે. ત્રણ મૂર્તિઓ પર વિ. સં. 1566ના લેખો છે. બીજા માળમાં આ મૂર્તિઓ છે. આ મંદિરના બંને માળમાં ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ 25 મોટી જિન મૂર્તિઓ છે.

અચલગઢ તીર્થ
આબુ પર્વતના ઊંચામાં ઊંચા શિખર પર રાણા કુંભાએ વિ. સં. 1509માં બંધાવેલા આ કિલ્લામાં શ્રી અચલગઢ તીર્થ આવેલું છે. ચારે બાજુથી રમણીય પ્રકૃતિથી વીંટળાયેલું આ તીર્થ યાત્રાળુઓને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે.
કનુભાઈ શાહ