અગ્રભૂમિ (foreland) : જળ, ભૂમિ કે પર્વતીય વિસ્તારમાં ધસી ગયેલી ભૂમિજિહ્વા. ‘અગ્રભૂમિ’ પ્રવર્તનના જુદા જુદા પાંચ પ્રકાર જોવા મળે છે.
- સમુદ્રની અંદર સુધી ધસી ગયેલી ઊંચી ભૂશિર; ભૂમિનો પૃથક્ રીતે સમુદ્ર તરફ આગળ વધી પ્રવેશેલો ભાગ. આ પ્રકારનું ભૂમિસ્વરૂપ આકાર લે તે માટેના પ્રારંભિક તબક્કામાં સમુદ્રજળપ્રવિષ્ટ ભૂમિની ત્રણ બાજુઓ પર સમુદ્ર-મોજાંનો ધસારાનો સતત મારો થતો રહેતો હોય, જેમાં કિનારાના ભૂમિભાગો ઊર્ધ્વદિશામાં તૂટતા જઈને છેવટે ઊંચી ભેખડ જેવો આકાર તૈયાર થાય છે. આ રીતે સમુદ્રમાં ઊંચી ભૂમિ-જિહ્વા ધસી ગયેલી દેખાતી હોય એવા ભૂમિસ્વરૂપને અગ્રભૂમિ કહેવાય.
- જટિલ ગેડવાળી પર્વતરચનાઓને ત્રણ વિભાગમાં જુદી પાડી શકાય છે : (અ) કોઈ પણ પ્રકારની અસરોથી મુક્ત એવો ગેડીકરણરહિત ખડકસ્તરોનો બનેલો દૃઢ વિભાગ; (આ) ગેડીકરણની અસરોવાળો ખડકવિભાગ અને (ઇ) જેમાં ગેડીકરણ ઓછું થતું જઈ કે વિલુપ્ત થઈ જઈ સ્તરભંગમાં ફેરવાઈ જતું હોય એવો ખડકસ્તર વિભાગ : હારમાળાની એક બાજુ કે જ્યાં અતિગેડરચના એક તરફ ઢળેલી હોય એવા વિભાગને પણ અગ્રભૂમિ કહેવાય, જે ગેડીકરણવાળો વિભાગ હોય કે વિલુપ્ત પામતો જતો ગેડવિભાગ પણ હોય.
- ખંડીય સમતળ સપાટપ્રદેશ(platform)ના ભૂમિસ્વરૂપવાળો સ્થિર કે અવિચલિત ખંડપ્રદેશ જો છીછરા જળમાં પ્રવેશેલો હોય તો તેને પણ અગ્રભૂમિ તરીકે ઓળખાવાય.
- દાબનાં બળ સક્રિય થતાં ભૂસંનતિમય કણજમાવટનો વિસ્તાર પ્રતિકારક્ષમતાવાળા ખંડભૂમિભાગને ખસેડે ત્યારે રચાતા જિહ્વાગ્રભાગને પણ અગ્રભૂમિ કહેવાય.
- સંરચનાત્મક દૃષ્ટિએ અતિધસારો પામેલી ખડકસ્તરશ્રેણીનો અગ્રભાગ પણ અગ્રભૂમિ કહેવાય.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા