અગ્નિ એશિયાઈ કળા
અગ્નિ એશિયાના દેશોમાં વિકસેલી કળાઓ. અગ્નિ એશિયાના પ્રદેશોમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, લાઓસ, કંપુચિયા (કંબોડિયા), વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે, આમાં ફિલિપાઇન્સ તેના ઇતિહાસને કારણે અલગ ગણી શકાય. ખ્રિસ્તી યુગની શરૂઆતની સદીઓથી આ દેશો સાથે ભારતના લોકો વેપારથી સંકળાયેલા હતા. અને ભારતીય સંસ્કૃતિ અને કલા આ દેશોની સંસ્કૃતિ અને કલા કરતાં વધુ સમૃદ્ધ હતી. પરિણામે ભારતીય સંસ્કૃતિ અને કલાનો આ દેશો પર ખૂબ ઊંડો પ્રભાવ પડેલો છે. તે દેશોની સ્થાનિક પરંપરા અને ખ્યાલોનો પ્રથમ સ્તર ગણીએ તો હિંદુ-બૌદ્ધ સંસ્કૃતિ આ દેશોનો બીજો સ્તર છે. અગ્નિ એશિયાના લોકોમાં નવીન સર્જકતાનો અભાવ હતો અને તેથી તેમણે તે ભારત પાસેથી પ્રાપ્ત કરી હતી. કલા વગેરે બાબતોમાં તેઓ સર્જક કરતાં વધુ અંશે સ્વીકારક હતા.
કાંસાનાં નળા-નગારાં ઢાળવાની કલા આ લોકોમાં અતિ પ્રાચીન છે. મ્યાનમારના કારેન લોકો આ કલામાં સદીઓ સુધી નિપુણ હતા. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મના દેવતાઓને આ લોકોએ અપનાવ્યા હતા; તેમને મહાભારત, રામાયણ અને ભારતીય પુરાણોની વાતોમાં રસ હતો. કંબોડિયા અને જાવાના દરબારોમાં સંસ્કૃત નાટકો અને હિંદુ નૃત્યો સાથે સ્થાનિક પરંપરામિશ્રિત સંગીત-નાટક-નૃત્યો ભજવાતાં હતાં. રાજાઓ કલાના આશ્રયદાતા હતા.
ભારતે મ્યાનમારને પહેલાં હિંદુ ધર્મ અને પછી બૌદ્ધ ધર્મ આપ્યો, પરંતુ ત્યાં બૌદ્ધ ધર્મે ઊંડાં મૂળ નાખ્યાં. મ્યાનમારમાં 84 % લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. તે પેગોડાબૌદ્ધ મંદિરોનો દેશ કહેવાય છે. માંડલેથી 120 માઈલ દક્ષિણે આવેલું પ્રાચીન પાગાન 40 લાખ પેગોડાનું નગર કહેવાય છે. તેનું પુરાણું નામ અરિદમનપુર હતું. મ્યાનમારમાં દરેક નગર કે ગામ બૌદ્ધ મંદિર પેગોડાની આસપાસ વસેલું છે. રંગૂનનું શ્વેદગોન પેગોડા અઢી હજાર વર્ષ અગાઉનું અને સૌથી મોટું છે. આ પેગોડા 8.2 મીટર ઊંચાઈથી શરૂ કરીને દરેક રાજાએ વધુ ઊંચું કરતાં હાલ 99.4 મીટર ઊંચું છે. જમીન પરનો તેનો પરિઘ 432.8 મીટર છે. તેની ચારે બાજુ 64 નાના પેગોડા છે. અને ચાર દિશામાં ચાર મોટા પેગોડા છે. ચારે ખૂણે સિંહદ્વાર છે. તેમાં લાકડાનું કોતરકામ અત્યંત સુંદર છે. તેમાંનો એક ઘંટ 1841માં રાજા થરવકીએ ભેટ ધરેલો તે 140 ટન વજનનો અને 2.6 મીટર ઊંચો છે. આ શ્વેદગોન પેગોડામાં ભગવાન બુદ્ધના પવિત્ર કેશની લટ સચવાયેલી છે. રંગૂનની વચમાં આવેલો સૂલે પેગોડા 2250 વર્ષ પૂર્વે મોન વંશના રાજાઓએ બંધાવ્યો હતો. એ 35.7 મીટર ઊંચો છે. પાગાનમાં આનંદ પેગોડા સૌથી સુંદર છે. તે ભારતીય મંદિર જેવો છે, અને એમાં ગૌતમ બુદ્ધના જીવનપ્રસંગો અને જાતકકથાઓ પથ્થરોમાં કંડારેલ છે, તથા ભગવાન બુદ્ધની ચાર સોનેરી પ્રતિમાઓ છે. 1144માં રાજા કથાનસિદ્ધે બંધાવેલ થાત બિંદુ પેગોડા 64 મીટર ઊંચો અને પાંચ માળનો છે. શ્વેદગોન પેગોડાના ત્રણ દરવાજા પર હિંદુ દેવતાઓની મૂર્તિઓ છે. વિશ્વમાં સૌથી વિશાળ ભગવાન બુદ્ધની સૂતેલી મૂર્તિ રંગૂનથી 80 કિમી. દૂર પીગુનગરમાં છે તે 54.7 મીટર લાંબી છે અને ખભા આગળ 15.2 મીટર જાડી પહોળી છે.
થાઇલૅન્ડ દેશ 1948 પહેલાં સિયામ નામે ઓળખાતો. તે ભારતીય સંસ્કૃતિથી ઓતપ્રોત છે. ત્યાંના રાજાઓની વંશાવલિ રામ પ્રથમ, રામ દ્વિતીય, રામ તૃતીયથી શરૂ થાય છે. વર્તમાન રાજધાની બેંગકોકની પહેલાં સુખોદય અને અયુધિયા(અયોધ્યા)માં હતી. રાજા રામ પ્રથમે 28 વર્ષ રાજ કર્યું અને શાહી મહેલ તથા બૌદ્ધ મંદિરો બંધાવ્યાં. રામ બીજાના સમયમાં થાઈ કલાએ અનેક સોપાનો સર કર્યાં. બેંગકોકની મેનામ નદીને કિનારે અઢીસો પગથિયાંવાળા અરુણ મંદિરની બહાર બે રાક્ષસી મૂર્તિઓ દ્વારપાલ તરીકે છે. મંદિરમાં ત્રણ માથાંવાળા ઐરાવત હાથી પર ઇન્દ્રદેવ બિરાજે છે. સફેદ ઘોડા પર ચંદ્રદેવ છે. બેંગકોકમાં 300 વાટ–બૌદ્ધ મંદિરો છે, તેમાં સાત વધુ પ્રખ્યાત છે. વાટ સુથાનમાં બુદ્ધ ભગવાનની ભવ્ય મૂર્તિ છે. વાટ રાજપ્રદીયમાં ખ્મેર શૈલીના ઘુમ્મટોની ઉત્કૃષ્ટ કલા છે. વાટ ફ્રોકિયોમાં બુદ્ધ ભગવાનની ભારતમાં બનેલી નીલમની મૂર્તિ છે અને પ્રવેશદ્વાર પર માણસથી બમણા કદના યક્ષ દ્વારપાલો છે. બહાર દીવાલો પર ગરુડ, ગાય, કિન્નરીઓ અને રામાયણનાં દૃશ્યો ચિત્રોમાં આલેખેલાં છે.
અયુધિયા પ્રાચીન રાજધાનીમાં વાટ કુળનું છંગ નામનું અત્યંત પ્રાચીન મંદિર છે. તેમાં બુદ્ધ ભગવાનની ખૂબ ઊંચી પ્રતિમા છે. તેના રામ ઉદ્યાનમાં એક વિશાળ ખંડમાં વિષ્ણુ અને લક્ષ્મીજીનું ચિત્ર છે. બૌદ્ધ મંદિરોમાં પણ ગણેશ વગેરે હિંદુ દેવતાઓની મૂર્તિઓ હોય છે. લવપુરી (લોપુબરી) વિષ્ણુ ભગવાનની મૂર્તિવાળું મંદિર છે. ત્યાં હનુમાનનું પણ મંદિર છે. બેંગકોકની મોટી ઇરાવત હોટલની બહાર બ્રહ્માજીની મૂર્તિ સ્થાપેલી છે. સરકારના શિલ્પ અને કલા વિભાગના દ્વાર પર વિશ્વકર્માની મૂર્તિ રાખવામાં આવી છે.
લાઓસને કોઈકે ભગવાન રામચંદ્રના પુત્ર લવના રાજ્ય તરીકે ઓળખાવ્યું છે. લાઓસ કલાપ્રેમી દેશ છે. તેરમી સદીમાં લાઓસ કંબોડિયાના શાસન તળે ઇંડો–ખ્મેર સંસ્કૃતિનો ભાગ હતું. કાષ્ઠ-કોતરણીમાં લુઆંગ પ્રબંગનાં મકાનો, દ્વારો, બારસાખો વગેરે ખૂબ કલાત્મક છે. સેનક્ષંગના રાજા સિત્ત તિરથે (સિદ્ધ કે શ્રેષ્ઠ તીર્થ) 1563માં બંધાવેલ હો ફૂકૈયો સ્થાપત્યનો ચમત્કાર ગણાતું. વાટ સિસકેતુનું બાંધકામ 1818માં રાજા અનૌવોંગે શરૂ કરાવ્યું. તે 1824માં પૂરું થયું. પાટનગરનું આ સૌથી સુંદર અને મહત્ત્વનું મંદિર છે. સરકારનો સોગંદવિધિ અહીં થાય છે. રાજા સિ સત્તતિરતે (શ્રી સત્યતીર્થે) 1500–1510ના ગાળામાં બંધાવેલ વાટ ઓંગતુ તેનાં કોતરેલાં બારીબારણાં વગેરે માટે પ્રખ્યાત છે. તેમાં રામાયણના પ્રસંગો કાષ્ઠમાં કંડારાયા છે. રાજ્યપાલ ફગ્ન (પ્રજ્ઞ) ચૈતા બૌકીએ 1550માં તેજમાતાનું વાટ ફયા મંદિર બંધાવ્યું હતું. વિધાનસભા અને સરકારી મહેલ વચ્ચે હુતાત્મા સ્મારકની દીવાલો પર લાઓસના રાજ્યના ભવ્ય ભૂતકાળને લેખતી તેમજ પ્રજા અને પશુઓની ચિત્રાવલી છે. થાત (તાર્દ) લુઆંગ પૂર્વમાં વિએન ત્યેનથી ત્રણ કિમી. દૂર આવેલું લાઓ સ્થાપત્યકલાનો અદ્ભુત નમૂનો છે. 1566માં તે રાજા સત્તતિરતે બંધાવેલું યાત્રાનું મોટું ધામ છે. તે 68 મીટર પહોળું અને 45 મીટર ઊંચું છે. લાઓસના રાજાના નિવાસના નગરનું લુઆંગ પ્રબાંગ (પ્રભાંગ) નામ બુદ્ધ ભગવાનની સુવર્ણ પ્રતિમા પ્રબંગ પરથી પડ્યું છે. શુદ્ધ લાઓ શૈલીના સ્થાપત્યના નમૂના રૂપે વાટ ફ્યંગતૌંગ, વાટમે, વાટ વિ સૌન (વિષ્ણુ), વાટ તદ લુઆંગ અને વાટ સંઘ લોકનાં પાંચ મંદિરોનો અજોડ સમૂહ લુઆંગ પ્રબાંગમાં આવેલો છે.
ખ્મેર પ્રજાસત્તાક હાલ કંબોડિયા કંપુચિયાના નામે ઓળખાય છે. અગિયારમી સદીમાં રાજા સૂર્યવર્મન પ્રથમે (1002થી 1052) અંગકોર થોમમાં રાજમહેલ બંધાવ્યો. સૂર્યવર્મન બીજાએ (1113થી 1150) આખા એશિયા ખંડમાં અજોડ અંગકોર વાટ (મંદિર) બંધાવ્યું. આ મંદિર 1555 × 1372 મીટરના ક્ષેત્રફળમાં વિસ્તરેલું છે અને તેની ઊંચાઈ 65 મીટર છે. એની ચારે બાજુ 180 મી.ની ખાઈ છે. અંગકોર 880થી 1225 સુધી ખ્મેર શાસનની રાજધાની હતું. તે પછી તે સદીઓ સુધી જંગલોમાં લુપ્ત થઈ ગયું. ફ્રેંચ શાસન દરમિયાન 1863 પછી ફ્રેંચ પુરાતત્ત્વવિદોએ આ સ્થળ શોધીને તેનું પુનર્નિર્માણ કરાવ્યું. અંગકોર વાટ મંદિર અગાશીઓના નીચેથી ઊંચે જતાં નાના બનતા ત્રણ માળ અને પાંચ મિનારા ધરાવે છે.
તેની અટારીઓ વગેરે ભરચક શિલ્પોથી કંડારેલી છે. અંગકોર વાટ વિષ્ણુનું મહામંદિર છે. દુનિયાની એક મહાન અજાયબી સમું આ મંદિર છે. બાન્ટેનું શ્રી લક્ષ્મીનું ભવન અંગકોરથી ઉત્તર પશ્ચિમે જંગલમાં 25થી 32 કિમી. દૂર આવેલું છે. 1914ના જાન્યુઆરીમાં લેફ્ટેનન્ટ મરેકે તે શોધ્યું. અંગકોર વાટ વિષ્ણુનું મહામંદિર તેની પૌરુષી ભવ્યતા, વિરાટતા, શક્તિસામર્થ્ય અને તેજસ્વિતાનો પ્રભાવ પાડે છે, ત્યારે લક્ષ્મી ભુવન નમણી, નાજુક, સૌમ્ય નારીનાં લાલિત્ય અને લાવણ્યથી ચિત્તને પ્રસન્ન કરે છે.
લાલ રેતાળ પથ્થરમાં કંડારેલાં તેનાં ભરચક મૃદુ શિલ્પો અંગકોર વાટના શિલ્પ કરતાં વધુ ચડિયાતાં છે. પ્રવિહાર સૌથી વધુ નોંધપાત્ર અને રંગદર્શી ખ્મેર સ્મારક છે.
બેયોનનું મંદિર અંગકોર થોમ–બીજા નગરની મધ્યમાં આવેલું બારમી સદીનું સ્થાપત્ય છે. તેને ‘રહસ્યમય મંદિર’ કહેવામાં આવે છે. આ મંદિરના બાહ્ય ભાગ પર બ્રહ્મા અને શિવનાં વિશાળ મુખો દરેક દિશામાં નજર નાખે છે. ‘પોર્તે નોર્દ’ના રસ્તે બંને બાજુ આશરે 6.5 મીટર ઊંચી એક બાજુ દેવોની અને બીજી બાજુ દાનવોની મૂર્તિઓ છે. બેયોનની વાયવ્યે બાપુઓન મંદિર 459 × 131 મીટરનું ક્ષેત્રફળ ધરાવતું, ત્રણ અગાશીવાળું, 49 મીટર ઊંચું હતું. તેના ગર્ભગૃહે શિવલિંગ હતું.
તેના ગોપુરમ્ પર અસંખ્ય પૌરાણિક પ્રસંગો પ્રલંબ શિલ્પમાં અંકિત થયેલ છે. કંસ, કાલીયમર્દન કરતા બાલકૃષ્ણ, ભીષ્મ પિતામહની બાણશૈય્યા, અશોકવાટિકામાં સીતાજીને મળતા હનુમાન વગેરેનાં શિલ્પો તેમાં છે. ગજમંડપ-હાથીની અગાશી 15.2 મીટર પહોળી અને 365.7 મીટર લાંબી છે. તેની દીવાલો પર હાથીઓનાં ઝુંડ હારબંધ કંડારેલાં છે. ગજમંડપ પાછળ રાજમંડપ 609.6 મીટર લાંબો અને 243.8 મીટર પહોળો છે.
ઇન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિનું પ્રાધાન્ય જોવા મળે છે. ત્યાંના બાલી ટાપુમાં હિંદુઓની વસ્તી છે. 20 લાખ ઉપરાંત ઇન્ડોનેશિયન હિંદુઓ શૈવ ધર્મ પાળે છે. તેમની મલય ભાષામાં સંસ્કૃતનું પ્રમાણ સારું છે. શૈલેન્દ્ર વંશના રાજાઓના સમયમાં ઇન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિ ફૂલીફાલી. પ્રાચીન જાવા(જવદ્વીપ)ના સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓનો યશ શૈલેન્દ્ર વંશના રાજાઓને ઘટે છે. પ્રવનન પ્રદેશનાં દેવાલયોમાં મહત્ત્વનું સ્થાન શિવાલયોનું છે. લાટા જોગરંગનાં મુખ્ય ત્રણ દેવાલયોમાં વચમાં શિવનું, ઉત્તરે વિષ્ણુનું અને દક્ષિણે બ્રહ્માનું મંદિર છે. ત્યાંની પ્રાચીન મૂર્તિઓમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપો છે. ઇન્ડોનેશિયામાં બુદ્ધને શિવના નાના ભાઈ ગણવામાં આવ્યા છે. બાલી ટાપુનાં દેવાલયોમાં શિવ અને બુદ્ધની ઉપાસના સાથે સાથે થાય છે.
મધ્ય જાવાના લારા-જોંગરોંગનાં મંદિરોમાં અને પૂર્વ જાવાનાં પનતરત મંદિરોમાં રામાયણના પ્રસંગો શિલ્પીઓએ કંડાર્યા છે. ઇન્ડોનેશિયાનાં પ્રાચીન સ્મારક ધાર્મિક છે. ત્યાં દેવાલયને ચંડી કહે છે. પ્રવેશદ્વાર પર કાલ-મકર શિલ્પાકૃતિ હોય છે અને ટોચના વચલા ભાગમાં કાલ-કરાલનું મુખ હોય છે. લારા-જોંગરોંગના ચોકના વંડાની આસપાસ દેરીઓની ત્રણ પંક્તિ છે. કુલ 156 દેરીઓ છે. શિવાલયની અંદરની બાજુમાં રામાયણની કથાના પ્રસંગોની 42 શિલ્પપંક્તિ છે.
ઈ. 750–880ના મધ્યકાળ દરમિયાન પ્રવનન અને કેદુ પ્રદેશમાં બૌદ્ધ ધર્મનાં અનેક ભવ્ય દેવાલયો બંધાયાં. ચંડી કલસન (778), ચંડી સરી (800) અને ચંડી સેવુ (925) મુખ્ય છે. ચંડી સેવુ જાવાનું બીજા ક્રમે મોટું દેવસ્થાન છે. એના મુખ્ય દેવાલયની આસપાસ 232 દેવાલયો છે. ચંડી સજીવનની પીઠિકાના વચલા ભાગ પર પંચતંત્ર, જાતકકથા અને તંત્રકથાનાં દૃશ્યો છે. બૌદ્ધ ધર્મનાં સર્વોત્તમ દેવાલયો કેદુ પ્રદેશમાં ચંડી મેંદૂત અને ચંડી પવન છે.
સુવર્ણદ્વીપ ઇન્ડોનેશિયાની જગવિખ્યાત સ્થાપત્ય-શિલ્પકૃતિ બોરોબુદુર છે. બોરોબુદુરનો અર્થ બહુ બુદ્ધ થાય છે. તે જાવામાં આઠમી સદીમાં બંધાયેલું. તેમાં 700 ઉપરાંત પ્રતિમાઓ છે. મૂળ દેવાલય નવ મજલાનું છે. આઠ નીચે ઊતરતી અગાશીઓ પાંચ સ્તરોમાં છે અને એક બીજી સાથે સીડીઓથી જોડાઈ છે. એનું ક્ષેત્રફળ 109.7 મીટર × 109.7 મીટર જેટલું વિસ્તૃત અને ઊંચાઈ 35.4 મીટરની છે. દૂરથી તે કાચબા જેવું બેઠા ઘાટનું દેખાય છે. સૌથી ઉપરના મજલાનું ક્ષેત્રફળ 27.4 મીટર × 27.4 મીટરનું છે. નીચલી ચાર વેદિકાઓની દહેરીમાં ચારે બાજુએ ચાર ધ્યાની બોધિ-સત્ત્વોની મૂર્તિઓ છે. (1) પૂર્વમાં અક્ષૌભ્ય, (2) દક્ષિણમાં રત્નસંભવ, (3) પશ્ચિમમાં અમિતાભ અને (4) ઉત્તરમાં અમોદા સિદ્ધ. સૌથી ઉપલી વેદિકાની દહેરીમાં ચારે બાજુ પાંચમા ધ્યાની બુદ્ધ વૈશેયનની મૂર્તિ છે. સાતમા મજલામાં 32 સ્તૂપ, આઠમામાં 24 અને નવમામાં 16 સ્તૂપ છે. દરેક સ્તૂપના ખંડની અંદર ધ્યાની બુદ્ધ છઠ્ઠા-વજ્રસત્ત્વની મૂર્તિ છે. યાત્રાળુ અટારીઓમાં ચડતી વખતે પોતે જાણે પાતાળ કે પાપલોકમાંથી સનાતન સત્યના માર્ગે ચઢતો હોય એમ અનુભવે છે. બોરોબુદુર ડચ પુરાતત્ત્વવિદોએ 1907–1911માં ખોદી કાઢ્યું હતું. બોરોબુદુર પછી જાદી સરી અગિયારમી સદીનું અત્યંત વિશિષ્ટ સ્થાપત્ય છે.
વિયેટનામમાં ઉત્તરમાં ચોથીથી અગિયારમી સદી દરમિયાન અનેક શિલ્પ-સ્થાપત્યો રચાયાં. માયસન મંદિર રાજા ભદ્રવર્મને ચોથી સદીમાં બંધાવ્યું હતું. વિયેટનામમાં આમ શિલ્પકલા વિકાસ પામી છે. મધ્ય વિયેટનામમાં ડોંગકુઓંગમાં ક્વાંગનામમાં આ કલાના ઉત્કૃષ્ટ નમૂના ઉપલબ્ધ છે. ત્યાંની પરંપરાગત કલા પર – ખાસ કરીને ત્યાંના સ્થાપત્ય પર ચીની અને ભારતીય અસરો છે. બિન્હ–દિન્હમાં દક્ષિણે (અગિયારમીથી પંદરમી સદી) ભરચક સુશોભનવાળાં હિંદુ મંદિરો છે.
મલેશિયામાં કુલ વસ્તીના દશ ટકા ઉપરાંત ભારતીય અને પાકિસ્તાની લોકો વસે છે. ભારતીય સંસ્કૃતિ મલેશિયામાં એક હજાર વર્ષ પૂર્વે પ્રવેશી હતી. નવમીથી તેરમી સદી સુધી ત્યાં બૌદ્ધ ધર્મી શાસન હતું. પંદરમી સદીના રાજા પરમેશ્વરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. હાલ મલેશિયા મુસ્લિમ દેશ છે, છતાં ત્યાં ધર્મસહિષ્ણુતા ખૂબ છે અને હિંદુ બૌદ્ધ ધર્મોનાં દેવાલયો પણ છે.
સિંગાપુરના સાઉથ બ્રિજ રોડ પર શ્રી પારિ અમ્મનનું સૌથી જૂનું ખૂબ શણગારેલાં ગોપુરમવાળું હિંદુ મંદિર છે. ફિલિપાઇન્સ પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સુમાત્રાથી શ્રીવિજય સામ્રાજ્ય (800–1377) દ્વારા અને જાવાના મજપહિત સામ્રાજ્ય (1293–1478) દ્વારા આવ્યો. ભારતીય સંસ્કૃત ભાષાના શબ્દો અને કલાકારીગરીનું અનુકરણ ત્યાં થવા લાગ્યું. ફિલિપાઇન્સ પચરંગી પ્રજા, પચરંગી પોશાકો અને પચરંગી સંસ્કૃતિઓના મિશ્રણરૂપ છે.
શ્રીલંકાનો પણ અગ્નિ એશિયાઈ દેશોમાં સમાવેશ થાય. શ્રીલંકાની કલા અને ભારતીય કલા વચ્ચે ઘણો સંબંધ છે. દક્ષિણ ભારતની કલાનો પ્રભાવ શ્રીલંકાની કલા પર હોવા છતાં તેની કેટલીક વિશિષ્ટતાઓ પણ છે. સૌથી વધુ પ્રભાવશાળી શ્રીલંકાના સ્તૂપો છે. તેમાં સામાન્ય રીતે ત્રણ સ્તરી વર્તુળાકારનો પાયો હોય છે. તે ઈંટોના બનેલા હોય છે અને તેની પર પ્લાસ્ટર અથવા સફેદ રંગ લગાડેલો હોય છે. તેનું મહત્ત્વનું લક્ષણ તેના ઓટલા (વાહલકદાસ) હોય છે. પગથિયાથી માંડી ચારે બાજુ શિલ્પથી તેને સુશોભિત કરેલા હોય છે. શ્રીલંકાની જૂની રાજધાની અનુરાધાપુરમાં (પોલોન્નુરવમાં) આવેલી છે. તેમાંનું જેતવન ખંડેર હોવા છતાં સૌથી મોટો ઓટલો ધરાવે છે.
પ્રાચીન ભારતમાં ચૈત્યગૃહ તરીકે ઓળખાતા નાના સ્તૂપો શ્રીલંકામાં ખૂબ લોકપ્રિય હતા. આનો ઉત્તમ નમૂનો બારમી સદીના પોલોન્નુરવમાં આવેલ ‘વાતદાગે’ છે. પરાક્રમબાહુ પ્રથમે બારમી સદીમાં પોલોન્નુરવમાં લકાતિલક બંધાવેલું. તે ખૂબ પ્રભાવશાળી છે. અનુરાધાપુરમાં દત્તગામિની (101–177) દ્વારા બંધાવેલું લોહપ્રાસાદ નવ માળનું હતું. અત્યારે તો ફક્ત તે માળોને ટેકો આપતા થાંભલા જ મોટા પ્રમાણમાં દેખાય છે. શ્રીગિરિયનગરનો કિલ્લો છઠ્ઠી સદીમાં બંધાયેલો.
મિહિનતલિમાંના કંટક ચૈત્યનો ઓટલો ઈ. સ. પૂર્વેની પ્રથમ સદીના ભારતના સાંચી અને અમરાવતીનાં શિલ્પોની શૈલી પર આધારિત છે. આંધ્ર દેશનાં બીજી અને ત્રીજી સદીનાં શિલ્પો ત્યાંની બુદ્ધપ્રતિમાઓ સાથે સંબંધ ધરાવે છે. અનુરાધાપુરના રુઅંતેલીમાં કેટલીક સુંદર પ્રતિમાઓ છે. અનુરાધાપુર પાસે ઈશ્રુમુનિમાં ખડકોમાં કંડારેલી ઉપસાવેલી શિલ્પકૃતિઓ અત્યંત સુંદર છે. તેમાં બેઠેલી બુદ્ધ ભગવાનની પ્રતિમા પાંચમી–છઠ્ઠી સદીના સારનાથની બુદ્ધપ્રતિમાની યાદ આપે છે. ઈશ્રુમુનિમાં આનંદમગ્ન મિથુન-દંપતીનું શિલ્પ સિંહાલી શિલ્પકળાનું પ્રતિનિધિત્વ કરે છે. સિંહાલી શિલ્પના ઉત્તમ નમૂના અનુરાધાપુરના રત્નપ્રાસાદમાં છે. સોપાનો પર નીચે હંસો, વૃષભ, હાથી, ઘોડા વગેરેનાં સુશોભનો છે. અવુકનમાં બુદ્ધ ભગવાનની 12.8 મીટર ઊંચી પ્રતિમા છે. ગલ વિહારમાં પણ બુદ્ધની મોટી પ્રતિમાઓ છે. પરિનિર્વાણ પામતાં ભગવાન બુદ્ધની 44.5 મીટર (146 ફૂટ) લાંબી પ્રતિમા પ્રસિદ્ધ છે. બુદ્ઘના મુખ પર સૌમ્ય ભાવ જણાય છે. બાજુમાં ઊભેલો એમનો પટ્ટ શિષ્ય આનંદ મૃત્યુ પામતા પોતાના ગુરુને ધીરગંભીર દૃષ્ટિથી જોઈ રહ્યો છે.
ચિત્રકલામાં અપ્સરાઓનાં સુંદર ચિત્રો સિગરિયાની ગુભામાં આલેખ્યા છે. તેમાં તે વાદળાંમાંથી બહાર આવતી હોય અને હાથથી પુષ્પોની વર્ષા કરતી હોય એમ દર્શાવ્યું છે. આ ચિત્રો છઠ્ઠી સદીનાં છે. બીજી ચિત્રાવલિ પોલોન્નુરવમાં આવેલ ત્રિવંક–પ્રતિમા-ગૃહની દીવાલો પર છે. આ ચિત્રો બારમી–તેરમી સદીનાં છે.
અગ્નિ એશિયાની કલામાં ચિત્રકલા કરતાં વાટ-મંદિર, પેગોડા વગેરેનાં સ્થાપત્યોનું અને તેમાંની શિલ્પકલાનું વધુ મહત્ત્વ છે. ચીન, જાપાન અને પશ્ચિમના દેશોનો પ્રભાવ હવે આ દેશો પર પણ પડવા લાગ્યો છે. પરિણામે નવા-નવા સ્વરૂપે કલા ખીલતી જાય છે.
કૃષ્ણવદન જેટલી