અગ્નિશમન

(Fire Fighting)

આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection).

શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, વિકાસની સાથે સાથે દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વધુ વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ, વગેરેને લીધે આગ લાગવાની શક્યતા અનેકગણી વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ પદાર્થોનો મોટા પ્રમાણમાં સંગ્રહ, મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરતાં કારખાનાંઓ, હવાઈમથકો વગેરેને આગ લાગવાનાં શક્ય સ્થળો ગણી શકાય. એક અભ્યાસ મુજબ યુ.એસ.માં દર 40 મિનિટે એક વ્યક્તિ આગથી મૃત્યુ પામે છે, જ્યારે એનાથી દસ ગણી વ્યક્તિઓ આગથી દાઝે છે અને ઘવાય છે. દાઝવાથી મૃત્યુના બનાવો સામાન્ય રીતે રહેઠાણનાં ઘરોમાં થતા હોય છે. આ જ દેશમાં વિવિધ પ્રકારના 25 હજાર આગના બનાવોનો વિગતવાર અભ્યાસ કરતાં આગનાં કારણો નીચે પ્રમાણે તારવવામાં આવ્યાં છે : વીજળી 23%, ધૂમ્રપાન 18%, યાંત્રિક ઘર્ષણ 10%, અતિ તપ્ત પદાર્થો 8%, ગરમ સપાટી (બૉઇલર, ભઠ્ઠી, દીવા વગેરે) 7%, બર્નરની જ્વાલા 7%, દહનના તણખા 5%, સ્વત:દહન 4%, ધાતુકર્તન અને સંધાન (cutting and welding) 4%. વિશેષ કારણોમાં પડોશની આગ, યાંત્રિક તથા સ્થિરવિદ્યુત તણખા (આકાશી વીજળી સહિત) અને રાસાયણિક પ્રક્રિયા છે. આમ વિકસિત સમાજમાં આગ લાગવાની શક્યતા વધુ હોઈ તેનો સંકેત જલદીથી મળે તે અનિવાર્ય બન્યું છે. વળી આગનું જોખમ સીમિત કરવા માટે બાંધકામની ડિઝાઇનમાં યોગ્ય ફેરફારો કરવાનું તથા તેમાં વપરાતો માલસામાન બને તેટલો અગ્નિરોધક હોય તે જરૂરી છે. આ ઉપરાંત આગનિવારણ અંગે જે કોઈ નિયમો અસ્તિત્વમાં આવે તેનું યોગ્ય પાલન બહુમાળી મકાનોમાં, જાહેર મકાનોમાં તથા કારખાનાંઓમાં થાય છે કે નહિ તે અંગેની તકેદારી અને તપાસ માટેની જોગવાઈ અત્યંત આવશ્યક બની છે.

દહન માટે ત્રણ ઘટકો જરૂરી છે : ગરમી, ઑક્સિજન અને દહનશીલ પદાર્થ (બળતણ). આ ત્રણ ઘટકો સાથે હોય તો જ આગ ચાલુ રહે છે. આમાંથી એક ઘટક દૂર થતાં આગ અટકી જાય છે. જ્વાલા, આગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. દહનશીલ પદાર્થોનું ગરમીથી વિઘટન થતાં મુક્ત મૂલકો (free radicals) ઉત્પન્ન થાય છે, તે જ્વાલાને ઝડપી લઈને આગને ફેલાવે છે. જ્યોતના નિર્માણમાં મુક્ત મૂલકો વચ્ચેની સાંકળ-પ્રક્રિયા (chain reaction) અગત્યનો ભાગ ભજવે છે. તેથી તેને દહન માટેનું ચોથું પરિબળ ગણવામાં આવે છે. આ સાંકળ-પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકાય તો આગની ઝાળને આગળ વધતી અટકાવી શકાય છે. આમ આગના ત્રિકોણને બદલે આગના ચતુષ્ફલક- (tetrahedron)નો વિચાર વધુ વૈજ્ઞાનિક છે તેમ માનવામાં આવે છે. આગ બુઝાવવા માટેનો વ્યૂહ ઘડવામાં ચતુષ્ફલકને સિદ્ધાંત નજર સમક્ષ રખાય છે. ગરમી, ઑક્સિજન, બળતણ અને સાંકળ-પ્રક્રિયા એમ ચાર ઘટકમાંથી એક્ધો દૂર કરીને આગને કાબૂમાં લઈ શકાય.

વધુ દબાણવાળા ઑક્સિજનનું વાતાવરણ, પ્રવાહી હવા, પ્રવાહી ઑક્સિજન વગેરેની હાજરીમાં આગની ભયાનકતા વધે છે. વળી ઑક્સિજનને બદલે હાઇડ્રોજન પેરૉક્સાઇડ, ફ્લોરીન, ક્લૉરીન વગેરેના વાતાવરણમાં પણ આગ શક્ય બને છે.

આગના પ્રકાર : દહનશીલ પદાર્થોની પ્રકૃતિને લક્ષમાં રાખીને આંતરરાષ્ટ્રીય ધોરણે નીચે મુજબનું વર્ગીકરણ પ્રચલિત છે.

A વર્ગની આગમાં કાગળ, લાકડું, કાપડ તથા સામાન્ય સળગી ઊઠે તેવા મુખ્યત્વે સેલ્યુલોઝિક પદાર્થો હોય છે. આ વર્ગની આગ સામાન્ય રીતે મોટાભાગની ઘટનાઓમાં જોવા મળે છે. દહનને ચાલુ રાખી ન શકાય તેટલું ઠારવાથી આ પ્રકારની આગ બુઝાવી શકાય છે. આ માટે પાણી તથા પાણી ફેંકતા અગ્નિશામકો ઉપયોગી છે.

આગના કેટલાક નોંધાયેલ જગજાહેર બનાવો નીચે મુજબ છે :

વિશ્વની ભીષણ આગ દુર્ઘટનાઓ
(આમાં ખાણ, વિસ્ફોટક, યુદ્ધ અને એ પ્રકારની દુર્ઘટનાઓનો સમાવેશ કર્યો નથી)

વર્ષ સ્થળ હાનિ
1212 લંડન સેતુ, બ્રિટન 3,000 મરણ
1666 લંડન, બ્રિટન રૂ. 20 કરોડ
1812 મૉસ્કો, રશિયા 30,800 ઘર
1837 સૂરત, ભારત 9,373 ઘર
1845 ગ્વાંગચૂ (કૅન્ટન), ચીન 1,760 મરણ
1863 દેવળ, સાન્તિયાગો, ચિલી 2,500 મરણ
1870 કૉન્સ્ટૅન્ટિનોપલ, તુર્કી 900 મરણ
1871 શિકાગો, યુ.એસ. રૂ. 200 કરોડ
1871 પેશ્તિગોવન, યુ.એસ. 2,682 મરણ
1877 અમદાવાદ, ભારત
1881 વિયેના, ઑસ્ટ્રિયા 850 મરણ
1892 ન્યૂ ફાઉન્ડલૅન્ડ, કૅનેડા 600 મરણ
1894 હિંકલે વન, યુ.એસ. 480 મરણ
1900 હોબૉકન, યુ.એસ. 326 મરણ
1903 શિકાગો, યુ.એસ. 602 મરણ
1917 હેલિફૅક્સ, કૅનેડા 1,500 મરણ
1918 કલોકે વન, યુ.એસ. 800 મરણ
1921 રસાયણ કારખાનું, જર્મની 261 મરણ
1923 ક્વાન્તો, જાપાન 60,000 મરણ
1942 કોલસા ખાણ, ચીન 1,572 મરણ
1944 મુંબઈ, ભારત (ફૉર્ટ સ્ટિકાઇન આગબોટ) રૂ. 30 કરોડ
1949 ચુંગકિંગ, ચીન 1,700 મરણ
1956 કેલી, કોલંબિયા 1,200 મરણ
1956 ખટારામાં આગ, કોલંબિયા 1,100 મરણ
1975 ચાસનાલા, ભારત 500 મરણ
1976 ઉત્તર પ્રદેશ, ઇટાલી 200 મરણ
1979 કારખાનું, રશિયા 300 મરણ
1982 પેટ્રોલટાંકી ગાડી, અફઘાનિસ્તાન 1,100 મરણ
1984 પેટ્રોલટાંકી, મેક્સિકો 400 મરણ
1986 ચેર્નોબિલ પરમાણુભઠ્ઠી, યુક્રેન
(પાછલાં વર્ષોમાં કિરણદાહથી 20થી 60 હજારનાં મરણનું અનુમાન)
31 મરણ
1989 ઉફાઆશા, વાયુપ્રણાલી, રશિયા  650 મરણ
1989 ઇરાક 700 મરણ
1993 રમકડાંનું કારખાનું, બેંગલોર, ભારત 200 મરણ
1994 રમકડાંનું કારખાનું, બેંગકોક, થાઈ દેશ  213 મરણ
1994 દુરન્કા, ઇજિપ્ત 500 મરણ
1994 નાટ્યગૃહ, કારામે, ચીન 300 મરણ
1995 પાસલપુડી તેલકૂવો, આંધ્રપ્રદેશ, ભારત 62 દિવસે આગ ઓલવાઈ
1995 બાલશિબિર, દાબવાલી મંડી, ભારત 400 મરણ
1997 હાજી શિબિર, મીના, સાઉદી અરેબિયા 400 મરણ
1998 અરવિંદ મિલ, અમદાવાદ, ભારત રૂ. 35 કરોડ
1998 ઇંધન ટાંકીઓ, આસામ, ભારત રૂ. 20 કરોડ
1998 ઇંધન નળ, દક્ષિણ નાઇજિરિયા 500 મરણ
1999 શારકામ, અરબી સાગર, ભારત કરોડો રૂપિયા

B વર્ગની આગમાં જ્વલનશીલ પ્રવાહીઓ જેવા કે ગૅસોલીન, તેલ, તૈલરંગો અને ડામર જેવા પદાર્થો સંકળાયેલા હોય છે. ગૅસોલીન અને તેલ જેવા પદાર્થો પાણી કરતાં હલકા હોઈ પાણીની ઉપર તરતા રહીને સળગ્યા કરે છે. વળી આ જ્વલનશીલ પદાર્થો પાણીના મારાને કારણે વહેવા માંડતાં આગ વધુ ફેલાય છે. આ કારણોને લીધે પાણીનો ઉપયોગ (ઉચ્ચ ગતિવાળા પાણીના છંટકાવના અપવાદ સિવાય) આ પ્રકારની આગમાં યોગ્ય નથી. આ માટે ઑક્સિજનનો પુરવઠો કાપી નાખે અને જ્યોતમાંથી સાંકળ-પ્રક્રિયા અટકાવી દે તેવા પદાર્થો ઉપયોગી હોય છે. ફીણ (foam), કાર્બન ડાયૉક્સાઇડ, શુષ્ક પાઉડર અને હેલૉન આ દ્રષ્ટિએ ઉપયોગી છે. (આલ્કોહૉલ જેવા જલદ્રાવ્ય પદાર્થ માટે ફીણ ઉપયોગી નથી.)

C વર્ગની આગમાં વાયુસ્વરૂપના પદાર્થો (રાંધણગૅસ, ઍસેટિલીન વગેરે) સંડોવાયેલા હોય છે. આ પ્રકારની આગમાં વાતાવરણમાં બળતા વાયુનું પ્રમાણ ઘટાડી નાખવું જરૂરી બને છે. આ માટે વાયુસ્વરૂપનું બળતણ આગના સ્થાન સુધી ન જાય તે માટે તેનો પુરવઠો અટકાવવો જોઈએ અને વાયુભરેલી ટાંકીઓને પાણીનો છંટકાવ સતત કરતા રહીને ઠંડી રાખવી જોઈએ. કાર્બન ડાયૉક્સાઇડ, શુષ્ક રાસાયણિક પાઉડર તથા હેલૉન આ માટે ઉપયોગી છે.

D વર્ગની આગમાં સળગતી ધાતુઓ જેવી કે મૅગ્નેશિયમ, ઍલ્યુમિનિયમ, જસત, પોટૅશિયમ, સોડિયમ અને ન્યૂક્લિયર યુગની નવીન ધાતુઓ સંકળાયેલી હોય છે. કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી આ પ્રકારની આગ માટે નકામાં છે; કારણ કે તેઓ ધાતુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. ખાસ પ્રકારના શુષ્ક પાઉડર (ગ્રૅફાઇટ + કાર્બનિક ફૉસ્ફેટ, ઍસ્બેસ્ટૉસ પાઉડર, શંખજીરું, યૂટેક્ટિક ટર્નરી ક્લૉરાઇડ) વપરાય છે.

આગની વીમાયોજના સૌપ્રથમ ઇંગ્લૅન્ડમાં 1690 પછી અસ્તિત્વમાં આવી. આગનો વીમો લેનાર સંસ્થાએ આગશમન અંગેનું શિક્ષણ સૌપ્રથમ શરૂ કર્યું હતું.

અગ્નિરોધન : આગ લાગવાનાં કારણોને દૂર કરવા માટે લીધેલાં પગલાંને આગરોધન કહેવાય. આગનાં કારણો માનવીકૃત તેમજ કુદરતી હોઈ શકે. જંગલના દવ જેવી કુદરતી આગ (સ્વયંસ્ફુરિત દહનspontaneous combustionસિવાયની) સામે સફળ આગરોધન શક્ય નથી. પણ એની સામે આગથી રક્ષણ કરવા (protection) માટેનાં પગલાં લઈ શકાય છે. જ્યારે માનવીકૃત આગમાં રોધનાત્મક અને રક્ષણાત્મક બંને પ્રકારનાં પગલાં યોજી શકાય છે. યુ.એસ.ના એક અહેવાલમાં નોંધાયેલું છે કે આગના બનાવોમાંથી 25 ટકા જેટલા બનાવો ઇરાદાપૂર્વક લગાડેલ આગને કારણે બનતા હોય છે.

બહુમાળી ઇમારતો તથા જાહેર વપરાશનાં મકાનોની ડિઝાઇન એવી હોવી જોઈએ કે આગ લાગતાં તેમાંની વ્યક્તિઓને બહુ ઝડપથી બહાર લઈ જવાય અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ સરળતાથી અંદર આવીને આગશમન માટેનાં સાધનોને આગના સ્થળની શક્ય તેટલી નજીક લઈ આવી શકે. આ માટે કટોકટીના સમયે ઉપયોગમાં લઈ શકાય તેવી રોજના વપરાશ ઉપરાંતની સીડી(fire escape stairs)ની કાયમી વ્યવસ્થા હોવી જોઈએ. મકાનની અંદરનાં લિફ્ટ આગના સમયે સલામત નથી હોતાં. લિફ્ટવેલ ચીમની-અસર (stack effect) પેદા કરે છે. આમાં ગરમ હવા લિફ્ટવેલ મારફત ઉપર થઈને બહાર આવતાં નીચેથી તાજી હવાનો ધસારો થતાં ગરમી તથા આગ સરળતાથી ફેલાય છે. આવી જ રીતે મોટી ઇમારતોમાં જડેલાં સર્વિસડક્ટ્સ દાદર, વાતાનુકૂલન માટેનાં ડક્ટ્સ વગેરે ધુમાડો અને ગરમ હવા ફેલાવે છે. આ માટે લિફ્ટ, દાદરના દરવાજા વગેરે આપોઆપ બંધ થઈ જાય તેવી વ્યવસ્થા જરૂરી છે. ધુમાડો ફેલાતો અટકાવવા માટે વાતાનુકૂલન ડક્ટ્સમાં ફાયર ડૅમ્પર્સ હોય છે તે આગ લાગતાં ડક્ટમાં અંતરાય ઊભો કરીને ગરમ હવા કે ધુમાડાને ફેલાતો અટકાવે છે. આ ઉપરાંત બ્લોઅર મારફત લિફ્ટવેલ, દાદર વગેરેમાં ધન (+) દબાણ જાળવી રાખવાથી ધુમાડાને અંદર દાખલ થતો અટકાવી શકાય છે. કટોકટી વખતે ઉપયોગમાં લઈ શકાય તેવો, મકાનના અંદરના ભાગમાં અગ્નિરોધી અને દરેક માળે બંધ કરી શકાય તેવા દરવાજાવાળો દાદર જરૂરી છે. આગથી દાઝવાને કારણે મરે તે કરતાં વધુ સંખ્યામાં ભયના માર્યા માણસો ધસારો કરતાં કચડાઈને અને ધુમાડાથી ગૂંગળાઈને મરે છે. મકાનનું બાંધકામ એવું હોવું જોઈએ કે ગરમીની અસરથી તે કડડભૂસ બેસી ન જાય. મકાન બેસી જાય તો મોટી હોનારત સર્જાય છે. મકાનમાં વપરાયેલ લાકડું અગ્નિરોધી રસાયણો વડે સંસેચિત (impregnated) કરેલું હોવું જરૂરી છે. તેના ઉપર પ્લાસ્ટર બૉર્ડ અથવા અગ્નિરોધી પેઇન્ટ લગાડીને તેને વધુ સલામત બનાવી શકાય. જાહેર મકાનોમાં વપરાતા પડદા અગ્નિરોધી ઉપચાર કરેલ કાપડના અથવા કાચ-કાપડના હોવા જોઈએ. અગ્નિરોધનનો અર્થ સરળતાથી જ્યોત ન પકડે તેવો ઉપચાર છે. આની પાછળનો આશય આગ લાગે ત્યારે માણસોને ખસેડી શકાય અને ફાયર બ્રિગેડ આવી શકે ત્યાં સુધીનો સમય મેળવવાનો હોય છે. આ ઉપરાંત રહેવાસીઓ તથા આગશમનનું કામ કરનાર વ્યક્તિઓ પૂરી શિસ્તથી વર્તે તે જરૂરી બને છે. મકાનનાં રહેવાસી બધાં જ બચાવી લેવાયાં છે તેની ખાતરી માટે રહેવાસીઓ અંગેની પૂરી માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. વળી મકાનની બાંધણી એવી હોવી જોઈએ કે આગ લાગેલા ભાગને બીજા ભાગથી અલગ કરી શકાય, જેથી આગ ફેલાય નહિ એટલે કે મકાન ઘણા વિભાગો(compartments)નું બનેલું હોવું જોઈએ, અને દહનશીલ પદાર્થોનું ભારણ પણ એક જગ્યાએ ન થવું જોઈએ. આ ઉપરાંત આગની ચેતવણી મળે અને આગ બુઝાવવાનું પૉર્ટેબલ અને સ્વયંસંચાલિત સાધનો મારફત શક્ય બને તે માટે આ અંગેનાં જરૂરી ઉપકરણો મકાનના અવિભક્ત અંગ તરીકે સરળતાથી ઉપલબ્ધ હોવાં જોઈએ. પાણીના પુરવઠાની પૂરતી વ્યવસ્થા પણ અત્યંત જરૂરી ગણાય. આ ઉપરાંત જાહેર મકાનો તથા બહુમાળી ઇમારત પાસે આગશમનની તાલીમ પામેલા કર્મચારીઓ હોય તે જરૂરી ગણાય. વળી આગના બધા બનાવોની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, જેથી તેમાંથી મળેલી માહિતી ભવિષ્યમાં આગરોધનમાં ઉપયોગી થાય. આગરોધન અંગે લોકજાગૃતિ કેળવાય તો લોકોને કટોકટીમાં વધુ જવાબદારીપૂર્વક વર્તવાની ટેવ પડે.

આગની પરખ (detection of fire) : આગથી સુરક્ષા (protection) પ્રાપ્ત થાય તે માટેની સુયોજિત વ્યવસ્થામાં આગ લાગ્યાની જાણકારી ઘણી અગત્યની છે. જેટલી વહેલી આગની ચેતવણી મળે તેટલું જાનમાલનું નુકસાન ઓછું થાય છે. આ કારણથી આગ લાગ્યાની જાણ માટે વિવિધ પ્રકારનાં ઉપકરણો ઉપયોગમાં લેવાય છે. તેની મારફત સંબંધિત વ્યક્તિઓને કે ખાતાને ભયનો સંકેત તુરત જ મળી જાય તથા મકાન, વખારો કે કારખાનાંઓમાં ગોઠવેલ આગશમનનાં સ્વયંસંચાલિત ઉપકરણો (fire fighting equipments) ચાલુ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આગ દેખાય કે તુરત ઘંટ વગાડવો કે સાયરન વગાડવું એ ભયનો સંકેત આપવાની જૂની અને જાણીતી પદ્ધતિ છે. ધુમાડો પારખવા માટે જે ઉપકરણો (smoke detectors) ગોઠવેલાં હોય તે દહનમાં પેદા થતા ર્દશ્ય કે અર્દશ્ય કણો પ્રત્યે સંવેદનશીલ (sensitive) હોય છે. તે આયનીકરણ કે પ્રકાશિકી ઉપર આધારિત હોય છે. કેટલાંક ઉપકરણો ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અથવા દ્રશ્ય વિકિરણ (radiation) પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઊંચું તાપમાન અથવા તાપમાનના વધારાની ઝડપ તરફ સંવેદનશીલ હોય તેવાં ઉષ્મા-પરખકો (heat detectors) પણ વપરાય છે. દહનશીલ વાયુને પારખવા માટેનાં ઉપકરણો જ્યાં આવા વાયુઓ ભેગા થવાની શક્યતા હોય ત્યાં મૂકવામાં આવે છે. આગ-પરખનાં આવાં સાધનો અમુક અમુક અંતરે ગોઠવેલાં હોય છે. આગ બુઝાવવાની સ્વયંસંચાલિત વ્યવસ્થાનો ઉપયોગ પણ ભયસંકેત આપવા કરી શકાય. પાણી છાંટવાનાં સાધનો-(sprinklers)માંથી પાણીનો પ્રવાહ ચાલુ થતાં ભયસંકેત માટેની સ્વિચ ચાલુ થઈ જાય છે.

આગની ચેતવણી આપતું સાધન (ધૂમ્ર-પરખક) : ક. સામાન્ય સ્થિતિ; ખ. આગ લાગતાં ધુમાડો ઉપકરણમાં દાખલ થતાં વિચલિત પ્રકાશ વિદ્યુત-કોષમાં દાખલ થાય છે અને ચેતવણી(alarm)તંત્ર ચાલુ થાય છે.

સરળતાથી હેરફેર કરી શકાય તેવાં અગ્નિશામકો (portable fire extinguishers) : પાણી કે રેતી ભરેલી ડોલને સાદામાં સાદું અગ્નિશામક ગણી શકાય. પૉર્ટેબલ અગ્નિશામકો આગની શરૂઆતના તબક્કામાં ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાથમિક મદદનાં સાધનો છે. આગની શક્યતા જ્યાં જ્યાં હોય ત્યાં આ સાધનો રાખવામાં આવે છે; આ અંગેના વિનિર્દેશો (specifications) ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે આગના પ્રકારને લક્ષમાં લઈને નક્કી કર્યા છે અને તેમને માનક નંબરો (IS numbers) આપવામાં આવ્યા છે. અગ્નિશામકની પસંદગી આ સંસ્થાની ભલામણ અનુસાર થાય છે.

આગની ચેતવણી આપતું સાધન (ઉષ્મા-પરખક) : ક. આગ લાગતાં પહેલાં દ્વિધાતુ (bi-metal) પટ્ટી; ખ. આગ લાગતાં ગરમીથી દ્વિધાતુ પટ્ટી વળી જતાં પરિપથ પૂર્ણ થતાં ઘંટ વાગે છે.

આગના વર્ગ આગ બુઝાવવાનું માધ્યમ માનક નંબરો
A સોડા-ઍસિડ IS 934–1976
B ફોમ IS 933–1976
કાર્બન ડાયૉક્સાઇડ IS 2878–1976
શુષ્ક પાઉડર IS 2171–1976
4308–1976
હેલૉન (CBrF3) IS 11108–1984
IS 11070–1984
C કાર્બન ડાયૉક્સાઇડ IS 2878–1976
શુષ્ક પાઉડર IS 2171–1976
IS 4308–1982
હેલૉન IS 11108–1984
IS 11070–1984
D ખાસ પ્રકારના IS 2171–1976
શુષ્ક પાઉડર IS 4861–1968

પૉર્ટેબલ અગ્નિશામકોનો ઉપયોગ કરવાની પદ્ધતિ સંબંધિત વ્યક્તિઓએ શીખી લેવી જોઈએ. જ્યાં એક કરતાં વધુ પ્રકારનાં અગ્નિશામકો રાખવામાં આવ્યાં હોય ત્યાં કયા પ્રકારની આગમાં કયા પ્રકારનાં અગ્નિશામકો યોગ્ય છે તે નક્કી કરવાનું હોય છે. તે વાપરવાની રીત અંગે વ્યવસ્થિત તાલીમ અપાય છે. આગ બુઝાવવા માટે અગ્નિશમન માધ્યમ આગ સુધી અડચણ વગર સરળતાથી પહોંચી શકે અને સાથે સાથે જરૂર જણાય ત્યારે સલામતીપૂર્વક તરત જ સ્થાન છોડી આગથી દૂર પણ જઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવાય છે. મકાનની અંદર દરવાજા નજીક અને ખુલ્લામાં પવનની દિશામાં ઊભા રહેવાથી અને અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે નીચા નમી જવાથી ધુમાડા અને ગરમીની અસર ઓછી થાય છે અને આગ તરફ ઓછી તકલીફે જઈ પણ શકાય છે. પછી આગ સંપૂર્ણ રીતે બુઝાઈ ગઈ છે કે કેમ તેની ખાતરી કરાય છે. સ્થાનિક ફાયરબ્રિગેડને તુરત જ જાણ કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં અગ્નિશમન માટે જાણ કરવા સારુ નં. 101 ઉપર ટેલિફોન કરાય છે. પૉર્ટેબલ અગ્નિશામકોનો ઉપયોગ સલામતીભર્યો હોય ત્યારે જ કરવો હિતાવહ છે. આગ કાબૂ બહાર જતી જણાય તો તેનો ઉપયોગ હિતાવહ નથી.

પૉર્ટેબલ અગ્નિશામકોમાં મુખ્ય ચાર ભાગ હોય છે : (1) પાત્ર, (2) કાર્ય કરનાર પદાર્થ, (3) દબાણ પેદા કરવાની યોજના (રાસાયણિક પ્રક્રિયા મારફત અથવા યાંત્રિક રીતે), (4) હોઝ અથવા નૉઝલ.

સોડા-ઍસિડ અગ્નિશામક : આ અગ્નિશામકમાં પ્લન્જરને જમીન પર પછાડવાથી કાચની શીશી તૂટી જાય છે અને તેમાંનો સલ્ફ્યુરિક ઍસિડ સોડાના દ્રાવણમાં ભળતાં રાસાયણિક પ્રક્રિયાના કારણે કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પેદા થાય છે, જે પાણીને ધાર (jet) રૂપે દબાણથી બહાર ધકેલે છે. ઓછામાં ઓછું 60 સેકંડ સુધી લઘુતમ 6 મીટર દૂર પાણીની ધાર સતત ચાલવી જોઈએ. પાણીની ધાર આગના સમગ્ર વિસ્તારના પાયા પર પડે તેવી રીતે અગ્નિશામકને ફેરવવું જોઈએ. આ અગ્નિશામકમાંનો કાર્બન ડાયૉક્સાઇડ આગ બુઝાવવામાં વપરાતો નથી. ફક્ત દબાણ ઉત્પન્ન કરવા માટે જ તે ઉપયોગી છે.

ફીણ(foam)શામક : આ શામકમાં બે પાત્ર (containers) હોય છે. બહારના પાત્રમાં સોડિયમ બાયકાર્બોનેટ અને ફોમ સ્થાયીકારક(stabiliser)નું દ્રાવણ હોય છે, જ્યારે અંદરના પાત્રમાં ઍલ્યુમિનિયમ સલ્ફેટનું દ્રાવણ હોય છે. પ્લન્જરને ફેરવીને ખાંચામાં મૂકીને હલાવવાથી બંને પ્રવાહીઓ મિશ્ર થાય છે, અને ફીણયુક્ત પાણીની ધાર દબાણપૂર્વક બહાર આવે છે. કમસેકમ 30 સેકંડ સુધી 6 મીટર જેટલા અંતરે ધાર પહોંચવી જોઈએ. બળતા પ્રવાહીની ટાંકીની અંદરની બાજુએ અથવા ટાંકીને અડીને આવેલી ઊભી સપાટી પર ધાર મારવામાં આવે તો ફીણ બનતું જાય છે અને સળગતા પ્રવાહીની સપાટી ઉપર તે ફેલાઈ જાય છે. પાણીની ધાર સળગતા પ્રવાહીની સપાટી ઉપર સીધી મારવામાં આવે તો ફીણ પ્રવાહીની અંદર ધકેલાઈને નકામું જાય છે. વળી આમ કરતાં પ્રવાહી બહાર આવીને આગ ફેલાવી શકે છે એટલે પ્રવાહી પર ફીણની સીધી ધાર મારવામાં આવતી નથી.

શુષ્ક પાઉડર અગ્નિશામક : વિવિધ ક્ષમતા (capacity) ધરાવતા મળતા અગ્નિશામકમાં સોડિયમ બાયકાર્બોનેટ જેવા પદાર્થો શુષ્ક પાઉડર રૂપે ભરેલા હોય છે. સાથે સાથે દબાણ તળે ભરેલ કાર્બન ડાયૉક્સાઇડની કાર્ટિજ મૂકેલી હોય છે. શામકનો ઉપરનો નૉબ દબાવવાથી કાર્ટ્રિજનું સીલ તૂટી જાય છે અને મુક્ત થયેલ કાર્બન ડાયૉક્સાઇડ શુષ્ક પાઉડરને 1.5 મીટરથી 2.5 મીટર દૂર ફેંકી શકે છે. શામકના નૉઝલ દ્વારા આ પાઉડર આગના મૂળમાં પડે અને આગના સમગ્ર ક્ષેત્રને આવરી લેવાય તે રીતે શામકને ફેરવવું જરૂરી હોય છે.

કાર્બન ડાયૉક્સાઇડ અગ્નિશામક : આ શામકમાં કાર્બન ડાયૉક્સાઇડ દાબીને ભરેલો હોવાથી તે પ્રવાહી રૂપે નળાકાર પાત્ર(cylinder)માં હોય છે. સિલિન્ડરનો વાલ્વ ખોલતાં કાર્બન ડાયૉક્સાઇડ રબર પાઇપ મારફત જોશપૂર્વક હૉર્નમાંથી બહાર આવે છે. આનો મારો આગના મૂળમાં રાખી આગના સમગ્ર ક્ષેત્રને આવરી લેવાય છે.

હેલૉન અગ્નિશામક : હેલૉન અગ્નિશામક કાર્બન ડાયૉક્સાઇડની જેમ દ્બાણ તળે પ્રવાહી રૂપે સિલિન્ડરમાં ભરેલો હોય છે. દબાણમુક્ત કરવાથી હેલૉન વાયુ રૂપે બહાર આવે છે. વાયુના આ પ્રવાહને નૉઝલ મારફત સળગતા પદાર્થના મૂળમાં રાખીને સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવે છે.

વિવિધ પ્રકારનાં પૉર્ટેબલ અગ્નિશામકો

આગ બુઝાવવાની સ્થિર સાધનવ્યવસ્થા (fixed installation) : ઉદ્યોગ-ધંધાના ઝડપી વિકાસ અને બહુમાળી મકાનોને કારણે આગનું જોખમ ઘણું વધી ગયું છે. પરિણામે આગનિયંત્રણ માટે તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનોની જરૂર ઊભી થઈ છે. આમાંનાં પ્રાથમિક ઉપયોગનાં સાધનો હેરવી-ફેરવી શકાય તેવાં હોય છે. જે સાધનો મકાનના કે કારખાનાના અભિન્ન ભાગ જેવાં હોય તે સ્થિર સાધનો છે. આના બે પ્રકાર છે : (1) પાણીનો ઉપયોગ કરતાં સાધનો, (2) પાણી સિવાયનાં અગ્નિશામક માધ્યમોનો ઉપયોગ કરતાં સાધનો.

  1. પાણીનો ઉપયોગ કરતાં સાધનો :

(1) સ્વયંસંચાલિત છંટકાવ કરનાર ઉપકરણો (automatic sprinklers) : મકાનના દરેક માળની છત પર પાઇપનું નેટવર્ક હોય છે, જે પાણીપુરવઠા સાથે જોડાયેલું હોય છે. આમાં અમુક અમુક અંતરે સીલ કરેલા નળ બેસાડેલા હોય છે. અમુક મર્યાદાથી વધુ તાપમાન થતાં સીલ પીગળીને અથવા અંદરનું પ્રવાહી ગરમ થતાં નળી ફાટી જતાં દૂર થાય છે અને ફુવારા જેવો પાણીનો છંટકાવ ચાલુ થાય છે. બે કે વધુ સ્પ્રિંકલરો એવી રીતે ગોઠવેલાં હોય છે કે એકબીજાના વિસ્તાર ઉપર છંટકાવ થતાં કોઈ વિસ્તાર કોરો ન રહી જાય.

(2) જળપ્લાવકો (drenchers) : મકાનની બહારના ભાગ ઉપર આ સાધન ગોઠવાયેલું હોય છે, જેના વડે છતની બહારના બારીના તથા બહારની દીવાલોના ભાગો ઉપર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવે છે. તેથી જોડેના મકાનની આગની અસર આ મકાન ઉપર થતી નથી. દીવાલોના બહારના ભાગ ઉપર પાણીનો જાણે પડદો રાખેલ હોય તેવી પરિસ્થિતિ બને છે અને વિકિરણ(radiation)થી આવતી ગરમી નિવારી શકાય છે.

(3) પાણી છંટકાવ પદ્ધતિ (water spray system) : આ પદ્ધતિ બે પ્રકારની હોય છે.

(ક) પ્રક્ષેપણ (projector) પદ્ધતિ : આ પદ્ધતિ મુખ્યત્વે ભારે તેલ તથા જ્વલનશીલ પ્રવાહીની આગ બુઝાવવા માટે વપરાય છે. આ પદ્ધતિમાં શંકુ આકારના ફુવારાના સ્વરૂપમાં પાણીનાં નાનાં ટીપાં ઝડપી ગતિએ છૂટે છે અને તેલ ઉપર પડતાં તેલ-પાણીનું ઇમલ્શન બનાવે છે જેથી આગ બુઝાઈ જાય છે. બળતું તેલ ઠંડું પણ પડે છે તેથી ઓછી બાષ્પ બને છે. વળી પાણીનાં ટીપાં જ્વાળામાંથી પસાર થતાં તેની વરાળ બનતાં તેલને મળતા ઑક્સિજનનો પુરવઠો ઓછો થાય છે.

(ખ) સંરક્ષણાત્મક (protector) પદ્ધતિ : આ પદ્ધતિ પ્લાન્ટ અને સાધનસામગ્રીને ધડાકા સામે રક્ષણ આપવા વપરાય છે. આગનો સંકેત મળતાં આ સાધન ચાલુ થઈ જાય છે અને મધ્યમ ગતિએ છોડાયેલાં પાણીનાં ટીપાં ટાંકીઓ, ફૅક્ટરીનું અંદરનું માળખું અને સાધનોને ઠંડાં પાડે છે અને જ્વલનશીલ પ્રવાહીના સળગી ઊઠવાને નિયંત્રણમાં રાખે છે તેમજ સ્ફોટક વાયુઓને મંદ કરીને કારખાનાને રક્ષણ આપે છે.

(4) ઊર્ધ્વ નળીઓ (rising mains) : આ નળીઓ બે પ્રકારની હોય છે : (ક) શુષ્ક નળી (dry riser), (ખ) જલપૂર્ણ નળી (wet riser). બંને પ્રકારની પદ્ધતિઓમાં જુદા જુદા માળે હાઇડ્રન્ટ આઉટલેટ રાખેલાં હોય છે, જેનો વાલ્વ, ચક્કરને વામાવર્ત (anticlock-wise) ફેરવવાથી ખૂલે છે. તેની સાથે હોસપાઇપ જોડી શકાય છે. મકાનની અંદર દરેક માળે પાણીનો હોસપાઇપ લઈ જઈ શકાતો નથી હોતો. એટલે આવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે છે.

(ક) શુષ્ક નળી : આ જુદા જુદા માળમાંથી પસાર થતી ઊભી પાઇપ છે. દરેક માળે હોસપાઇપ જોડવા માટેના વાલ્વ હોય છે, જેમાં સામાન્ય સંજોગોમાં પાણી હોતું નથી. આ પાઇપને પાણીપુરવઠા સાથે જોડેલી હોતી નથી. પણ જરૂર પડ્યે ફાયરબ્રિગેડના પમ્પ સાથે તેને જોડી શકાય છે. જેથી તે ઊભા હોસપાઇપની ગરજ સારે છે, પણ હોસપાઇપ કરતાં આ વ્યવસ્થામાં કેટલાક વિશિષ્ટ ફાયદા છે. આનાથી હોસપાઇપ ખોલવાનો પરિશ્રમ તથા કીમતી સમયનો બચાવ થાય છે. હોસપાઇપ ફાટવાથી થતું નુકસાન પણ અટકે છે. બાજુના મકાનને પણ ઉચ્ચતમ હાઇડ્રન્ટમાંથી પાણી આપી શકાય છે. રાઇઝરના ઉપરના ભાગમાં આવેલા વાલ્વને ખોલવાથી પાણી ભરાતાં ઉપર ચડતી હવાને બહાર કાઢી શકાય છે.

(ખ) જલપૂર્ણ નળી : દરેક માળમાંથી પસાર થતી આ ઊભી નળીને હંમેશાં પાણીથી ભરેલી રાખવામાં આવે છે. હાઇડ્રન્ટ આઉટલેટ (અથવા લૅન્ડિંગ વાલ્વ) ખોલતાં પાણી મળી રહે છે. મકાનની ઊંચાઈ વધુ હોય તો ઊંચામાં ઊંચા આઉટલેટ પર લઘુતમ 3.2 કિગ્રા./સેમી.2 દબાણથી મળી રહે માટે જરૂર પ્રમાણે માળ વચ્ચે બૂસ્ટર પંપ મૂકવામાં આવે છે. અગાસી પરની ટાંકીમાંથી પણ પાણીનો પુરવઠો મેળવી શકાય છે. આ સંજોગોમાં વેટ રાઇઝરને ‘ડાઉન કવર’ કહેવામાં આવે છે.

(5) હોસ-રીલ-હોસ : રીલ પર રબર ટ્યૂબ (વ્યાસ 20થી 25 મિમી.) પાઇપ વીંટાળેલી હોય છે, જે ખોલવા તથા પ્રયોજવા માટે એક જ તાલીમ વિનાના માણસની જરૂર પડે છે. હોસ-રીલ પોલી ગોળ ફરતી ધરી ઉપર બેસાડેલું હોય છે. તેની મારફત પાણીનો પુરવઠો અપાય છે.

  1. પાણી સિવાયનાં અગ્નિશામક માધ્યમનો ઉપયોગ કરતાં સાધનો :

(1) ફીણ સંસ્થાપન (foam installation) : આગ લાગવાની શક્યતા હોય તે ક્ષેત્રની બહાર ફીણ બનાવવા માટે પાણી તથા રસાયણો ‘ફોમ કૉન્સેન્ટ્રેટ’ અલગ અલગ ટાંકીઓમાં રાખેલાં હોય છે. યાંત્રિક રીતે જરૂર પ્રમાણે પાણી તથા રસાયણો ભેગાં કરીને ફીણને ફીણ રેડનાર અથવા ફીણ પ્રસરાવનારની મદદથી જ્વલનશીલ પ્રવાહી ઉપર છોડવામાં આવે છે.

(2) કાર્બન ડાયૉક્સાઇડ સંસ્થાપન (installation) : આમાં એક કરતાં વધુ સિલિન્ડરો દબાણ ખમી શકે તેવી પાઇપ સાથે જોડેલાં હોય છે. પાઇપલાઇન ઉપર અમુક અમુક અંતરે નૉઝલ લગાડેલાં હોય છે, જેમાંથી હાથ વડે કે સ્વયંસંચાલિત પદ્ધતિ વડે વાલ્વ ખોલતાં અવાજ સાથે કાર્બન ડાયૉક્સાઇડનો જોરદાર પ્રવાહ ફૂંકાય છે અને આગ કાબૂમાં આવે છે. સામાન્ય રીતે વીજળીનાં સાધનો અને કમ્પ્યૂટરો માટે તથા 250 ચોમી.થી ઓછા વિસ્તારના જ્વલનશીલ પ્રવાહી માટે આ પદ્ધતિ ઉપયોગી છે.

(3) બાષ્પ-પ્રવાહી સંસ્થાપન (vapourizing liquid installation) : આ વ્યવસ્થા બે પ્રકારની હોય છે. (ક) ટોટલ ફ્લડિંગ સિસ્ટમ : આમાં બંધ જગામાં (દા.ત., કમ્પ્યૂટર રૂમ, ઓવન, વખાર, વોલ્ટ્સ વગેરે) જરૂરી માત્રામાં હૅલૉન્સ છોડવામાં આવે છે. (ખ) સ્થાનીય વિનિયોગ વ્યવસ્થા (local application system) : જ્યાં જોખમ ખુલ્લામાં હોય ત્યાં આ વપરાય છે. દા.ત., ઊંડી ટાંકીઓ, તેલ ભરેલ ટ્રાન્સફૉર્મર વગેરે. સિસ્ટમ ચાલુ કરવામાં આવે છે ત્યારે હૅલૉન પ્રવાહી સિલિન્ડરમાંથી પાઇપલાઇન મારફત નૉઝલમાં આવે છે. પ્રવાહી વાયુરૂપમાં રૂપાંતરિત થતાં ભારે બાષ્પ આગના ક્ષેત્ર ઉપર છાઈ જાય છે અને જ્વાલાના ફેલાવાને અટકાવી દઈને તે આગને બુઝાવી દે છે. ખાસ કરીને સ્વયંસંચાલિત પદ્ધતિમાં હૅલૉન વપરાય છે. હૅલૉનના ઉપયોગથી માણસને નુકસાન ન થાય તે માટે ભયસૂચક વ્યવસ્થા ગોઠવાય છે અને જોખમી જગાએથી જરૂર પડ્યે જલદીથી બહાર આવી શકાય તે માટે યોગ્ય રસ્તા તથા બહાર ખૂલતા ને જાતે બંધ થતા દરવાજા હોય છે.

અગ્નિશમન-સિદ્ધાંત, કાર્યપદ્ધતિ અને સાધનો : અગાઉ જોઈ ગયા પ્રમાણે ગરમી, ઑક્સિજન, દહનશીલ પદાર્થ અને રાસાયણિક સાંકળ- પ્રક્રિયામાંથી કોઈ એક અથવા વધુ ઘટક દૂર કરવાથી અગ્નિશમન થઈ શકે છે.

(1) ગરમી દૂર કરવી : બળવાથી પેદા થતી ગરમીના દર કરતાં જુદી જુદી વિધિઓ દ્વારા એ ગરમી દૂર કરવાનો દર વધુ હોય તો સળગવાનું ચાલુ રહી શકે નહિ. આથી આગમાંથી ગરમી બને તેટલી ઝડપથી દૂર કરવી જરૂરી હોય છે. આમ થતાં પદાર્થનું તાપમાન ઘટે છે અને ગરમી પેદા થવાનો દર પણ ઘટે છે. છેવટે પેદા થતી ગરમી કરતાં વધુ ગરમી દૂર થતાં આગ બુઝાઈ જાય છે. આગ ઉપર પાણીની ધાર (jet) અથવા ફુવારા(spray)નો ઉપયોગ આ સિદ્ધાંત અનુસાર થાય છે. સળગતા પદાર્થ ઉપર પાણી નાખતાં પાણીનું તાપમાન વધે છે અને તે વરાળમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયામાં ઘણી ગરમી, બાષ્પનની ગુપ્ત ગરમી (latent heat of evaporation), શોષાય છે, એટલે કે આગમાંથી એટલી ગરમી દૂર થાય છે. પાણી ફુવારા રૂપે વપરાતાં આ ફેરફાર વધુ ઝડપથી થતો હોઈ ગરમીનું શોષણ ઝડપથી થાય છે અને આગનું શમન થવા લાગે છે. પાણીને ધુમ્મસ (mist, fog) રૂપે વાપરવાથી તે આ દિશામાં વધુ ઉપયોગી થાય છે. વળી આ વરાળ હવાના ઑક્સિજનને અટકાવતાં અગ્નિશમનમાં વધુ સહાય મળે છે. જ્વાલા/ગરમીને કારણે કે મકાન જોખમકારક સ્થિતિમાં હોય અને આગના સ્થાનની નજીક જઈ શકાતું ન હોય ત્યારે પાણીની ધાર દબાણ તળે દૂર સુધી ફેંકી શકાતી હોવાથી આગ ઓલવવામાં વધુ સરળતા રહે છે. વીજળીનાં ઉપકરણો આગમાં સંડોવાયાં હોય ત્યારે પાણીનો ઉપયોગ જોખમકારક બને છે.

(2) ઑક્સિજન દૂર કરવો : બળતા પદાર્થની આજુબાજુના વાતાવરણમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ ઘટાડવામાં આવે તો આગ બુઝાઈ જાય. આ માટે બળતા પદાર્થને મળતી હવા રોકવી જરૂરી છે. રાસાયણિક બંધારણમાં ઑક્સિજન સમાયેલો હોય તેવા સેલ્યુલોઝ જેવા પદાર્થ માટે આ સિદ્ધાંત ઉપયોગી નથી. નાની આગ કે કપડાં સળગ્યાં હોય ત્યારે જાડી ચાદર કે ધાબળા વડે બુઝાવવી અથવા તો સળગતી ધાતુ ઉપર રેતી કે માટીનો ઉપયોગ કરવો તે આ સિદ્ધાંત અનુસાર છે.  બળતા પ્રવાહી ઉપર ફીણનો ઉપયોગ એ પણ આ સિદ્ધાંત અનુસાર  છે. ફીણ બળતા પ્રવાહી ઉપર ધાબળા જેવું પડ બનાવે છે, જેથી આગને હવા મળતી નથી. વળી જ્વલનશીલ પ્રવાહીનું જ્વલનશીલ બાષ્પમાં થતું રૂપાંતર પણ ફીણને કારણે અટકે છે. શુષ્ક કૅમિકલ પાઉડર(મુખ્યત્વે સોડિયમ બાયકાર્બોનેટ)ના સૂક્ષ્મકણો દબાણ સાથે બળતા પદાર્થ પર છોડવામાં આવે ત્યારે પણ શુષ્ક પાઉડરનું એક પડ બળતણ ઉપર જામતાં હવા ન મળવાથી આગ બુઝાય છે. આ ઉપરાંત સોડિયમ બાયકાર્બોનેટમાંથી નીકળતો કાર્બન ડાયૉક્સાઇડ વાયુ દહનરોધક છે. આ પાઉડર ગરમી શોષતાં બળતણનું તાપમાન ઘટે છે. કાર્બન ડાયૉક્સાઇડ અથવા નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં આગ ઉપર છોડતાં હવા નહિ મળવાને કારણે આગ બુઝાઈ જાય છે. જોકે આ પદ્ધતિ ખુલ્લી જગામાં બહુ ઉપયોગી નથી, કારણ કે નિષ્ક્રિય વાયુઓ ફેલાઈ જતાં આગ ફરીને ચાલુ થાય છે. વિદ્યુત સાધનો સંડોવાયાં હોય ત્યાં કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ વધુ સારાં પરિણામ આપે છે. સોડિયમ ડાયહાઇડ્રોજન ફૉસ્ફેટ પણ શુષ્ક પાઉડર તરીકે વપરાય છે. બળતણને વિસ્ફોટ (explosion) દ્વારા જ્વાલાથી અલગ કરવાની રીત પણ આ જ સિદ્ધાંત ઉપર આધારિત છે. મીણબત્તીને ફૂંક મારીને બુઝાવવાનું આ રીતનું સાદું ઉદાહરણ છે. ખનિજ તેલના કૂવાની આગને સ્ફોટક પદાર્થ દ્વારા ધડાકો કરીને આજુબાજુની તમામ જ્વાલા દૂર કરવામાં આવે છે.

(3) જ્વલનશીલ પદાર્થ દૂર કરવો (starvation of fire) : અગ્નિશમનની આ પદ્ધતિમાં ત્રણ રીતો છે : (ક) આગની નજીક રહેલા જ્વલનશીલ પદાર્થો દૂર કરવા, જેમ કે સળગતી ઑઇલ ટૅન્કરમાંથી તેલ નીચેથી કાઢી લેવું; જંગલની આગમાં પવનની દિશામાંના કેટલાક ભાગનાં ઝાડ/વનસ્પતિ દૂર કરવાં; આગને અટકાવવા મકાનની હારમાંથી પવનની દિશામાં એકાદ મકાનને તોડી પાડવું વગેરે. (ખ) બળતા પદાર્થની નજીકમાંથી આગને દૂર કરવી, જેમ કે ઘાસની ગંજીમાંથી સળગતું ઘાસ દૂર કરવું, અથવા ઘાસના કોઠારની છતમાંથી (છાપરામાંથી) સળગતો ભાગ દૂર કરવો. (ગ) સળગતા પદાર્થને નાના ભાગોમાં વિભાજિત કરવો અને નાની આગને આપમેળે બુઝાઈ જવા દેવી. અથવા બીજી રીતો દ્વારા આસાનીથી બુઝાઈ જાય તેમ કરવું. ઉદાહરણ તરીકે બળતા પ્રવાહીનું પાણી દ્વારા પાયસીકરણ અથવા ઘાસ / વનસ્પતિની આગમાં ફાયર બીટર્સ નામનાં સાધનોનો ઉપયોગ કરી ઘાસને છૂટું પાડવું વગેરે.

(4) જ્વાલામાં ચાલતી રાસાયણિક સાંકળ-પ્રક્રિયા અટકાવવી : જ્વાલા માટે જરૂરી રાસાયણિક સાંકળ-પ્રક્રિયામાં રાસાયણિક દખલ કરવાથી સાંકળ-પ્રક્રિયા અટકી જાય છે. આથી આગ આગળ વધી શકતી નથીફેલાતી નથી. હેલૉજનયુક્ત હાઇડ્રોકાર્બન ટૂંકમાં હેલૉન તરીકે ઓળખાય છે. હેલૉન 1301 બ્રોમોટ્રાયફ્લોરોમીથેન છે. આ, વાયુસ્વરૂપમાં રૂપાંતરિત થતું નીચા ઉત્કલનબિંદુવાળું પ્રવાહી છે. તેનું ગરમીથી વિઘટન થતાં મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે, જે સાંકળ-પ્રક્રિયા અટકાવીને જ્વાલાને બુઝાવીને આગના ફેલાવાને રોકે છે. હવામાં ફક્ત 3.3%ની હાજરીથી પણ બ્યૂટેનની આગને તે ઓલવી શકે છે. તે મોંઘું છે, પણ દશગણું વધુ અસરકારક હોય છે. મ્યુઝિયમ, લાઇબ્રેરી, વિમાનો વગેરેની આગમાં વપરાય છે. સાવધાનીથી વાપરવામાં આવે તો તે નુકસાનકારક નથી.

ઉપર જણાવેલી ચાર પદ્ધતિઓથી અગ્નિશમન થઈ શકે છે. જોકે ખરેખર આગ બુઝાવવાની કામગીરીમાં સામાન્ય રીતે એકથી વધુ પ્રકારની પદ્ધતિઓ કામે લગાડાય છે.

અગ્નિશમનની કાર્યપદ્ધતિ અને સાધનો : અગ્નિશમનની કાર્યપદ્ધતિને ટૂંકમાં ચાર મુદ્દાઓમાં રજૂ કરી શકાય :

(1) અગ્નિની અસર નહિ થયેલ મકાનોનો બચાવ.

(2) આગને સીમિત (confinement) કરીને ફેલાવો અટકાવવો. જે પદાર્થ બળ્યો હોય તે આગ બુઝાવીને બચાવવામાં આવે તોપણ તે સામાન્ય રીતે નકામો થઈ ગયો હોય છે. આથી આગને ફેલાતી રોકવી તે ઘણું અગત્યનું છે.

(3) ગરમ હવા/ધુમાડાનો નિકાલ : આ ઘણું અગત્યનું છે, કારણ ગરમ હવાથી આગ ફેલાય છે અને ધુમાડાથી માણસો ગૂંગળાઈ જાય છે. વળી શ્યતા (visibility) ઓછી થતાં માણસો મૂંઝાઈ જતાં જલદીથી બહાર આવી શકતાં નથી.

(4) અગ્નિનું શમન : અગ્નિશમનનાં સાધનો સુવાહ્ય (portable), સ્થિર પ્રકારનાં અને ગતિશીલ પ્રકારનાં (mobile) હોય છે. તેમાં પ્રથમ બે પ્રકારોનું વર્ણન ઉપર આવી ગયું છે. ત્રીજો પ્રકાર ગતિશીલ સાધનોનો છે. આ સાધનોમાં જાન બચાવવાનાં વિવિધ સાધનોનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક જમાનામાં બાલદીઓ ભરીને પાણી છાંટીને આગ બુઝાવવામાં આવતી. આ પછી આગના સ્થળથી દૂર રહીને પાણીનો મારો ચલાવી શકાય તે માટે પિચકારી અને હાથ-પંપ વપરાશમાં આવ્યાં. આ સાધનો વડે વધુ દૂરથી પાણી ફેંકી શકાતું નહિ અને આગની પાસે જવું અત્યંત જોખમી હોઈ આગ બુઝાવવાનું કાર્યક્ષમ રીતે થઈ શકતું નહિ. આ પરિસ્થિતિ લંડનની ઐતિહાસિક આગના સમય (1666) સુધી હતી. પાણીનો સતત પ્રવાહ મેળવવાનું 1675માં જ શક્ય બન્યું. ઓગણીસમી સદી સુધી અગ્નિશામક ગાડીને ઘોડા મારફત ખેંચવામાં આવતી અને પાણીના પંપ વરાળયંત્ર મારફત ચલાવવામાં આવતા. આવું એક ફાયર એન્જિન અમદાવાદ મ્યુનિસિપાલિટીએ 1895માં વસાવ્યું હતું. તે પછી પ્રત્યાગમી(reciprocating)ના બદલે વધુ કાર્યક્ષમ એવા અપકેન્દ્રી (centrifugal) પંપ વપરાશમાં આવ્યા. વરાળથી ચાલતું 10 હૉર્સ પાવરનું ફાયર એન્જિન ઇંગ્લૅન્ડમાં સૌપ્રથમ 1829માં જ્યૉર્જ બ્રેથવેઇટે બનાવ્યું, જે 27 મીટર સુધી પાણી ઉડાડી શકતું હતું. વરાળયંત્રોને બદલે અંતર્દહન યંત્રો ઓગણીસમી સદીના અંતભાગમાં વપરાશમાં આવ્યાં. આ જમાનાના ફાયર એન્જિનમાં બે યંત્રો વપરાશમાં હતાં. એક, એન્જિનને ચલાવવા માટે અને બીજું, પાણીના પંપને ચલાવવા માટે. બંને પ્રકારનાં કામ માટેના એક જ યંત્રવાળાં એન્જિનો વીસમી સદીની શરૂઆતમાં વપરાશમાં આવ્યાં. ઊંચાં મકાનો ઉપર પાણીનો મારો ચલાવવા તથા આગમાં ફસાઈ ગયેલી વ્યક્તિઓને બચાવવા માટે ઊંચી નિસરણીઓ ફાયરબ્રિગેડ માટે ઘણી જરૂરી હોય છે. 1837માં અબ્રાહમ વિવેલે સૌપ્રથમ પૉર્ટેબલ નિસરણી બનાવી. તે 20 મીટર ઊંચાઈની હતી અને એન્જિન ઉપર ચડાવી શકાતી. આધુનિક નિસરણીઓ દ્રવચાલિત (hydraulic) હોય છે અને તેને ટર્નટેબલ ઉપર ચડાવેલી હોઈ ગમે તે દિશામાં ગોઠવી શકાય છે, અને લગભગ 70 મીટરની ઊંચાઈ સુધી જઈ શકાય છે. દ્રવચાલિત પ્લૅટફૉર્મ ઉપર ઊભા રહીને ઊંચેથી પાણીનો મારો ચલાવી શકાય છે અથવા ફસાઈ ગયેલી વ્યક્તિઓને ખસેડી શકાય છે. આ સાધનને સ્નૉર્કેલ તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં ફાયરબ્રિગેડ, ફાયર એન્જિન ઉપરાંત ઘણીબધી બીજી સામગ્રી પણ સાથે રાખે છે. પાણીની ટાંકીઓ, ફીણની ટાંકીઓ, પૉર્ટેબલ અગ્નિશામકો, નિસરણીઓ, સ્નૉર્કેલ, પૉર્ટેબલ વિદ્યુત જનરેટર, સર્ચલાઇટ, હેલ્મેટ, કોટ, ગમબૂટ, કૃત્રિમ શ્વાસ લેવાનાં સાધનો, વધારાનો હોસપાઇપ, મકાન તોડીને દાખલ થવાનાં સાધનો (કુહાડી, કરવત, ઘણ વગેરે), માલમત્તાના ઉગાર(salvage)નાં સાધનો, પ્રાથમિક ઉપચારનાં સાધનો, અગ્નિરોધક કપડાં, ઍમ્બ્યુલન્સ, વાયરલેસ વગેરે આધુનિક ફાયરબ્રિગેડની સાથે જ હોય છે. દરિયાની આગ બુઝાવવા માટે અગ્નિશામક વહાણો વપરાય છે. આગશમનનું કાર્ય જોખમી છે. 1979માં યુ.એસ.માં આ કાર્યમાં 70 કર્મચારીઓનું મૃત્યુ થયું હતું અને 45,000 કર્મચારીઓને દાઝવાની અને બીજી ઈજાઓ થઈ હતી.

સ્નૉર્કેલ

પરેશ પ્ર. વ્યાસ