અગ્નિશમન
(Fire Fighting)
આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection).
શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ વગેરેને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ પદાર્થોનો મોટા પ્રમાણમાં સંગ્રહ, જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરતાં કારખાનાંઓ, હવાઈ મથકો વગેરેને આગ લાગવાનાં શક્ય સ્થળો ગણી શકાય.
જ્વાળા, આગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. દહનશીલ પદાર્થોનું ગરમીથી વિઘટન થતાં મુક્ત મૂલકો (free radicals) ઉત્પન્ન થાય છે, તે જ્વાળાને ઝડપી લઈને આગને ફેલાવે છે.
વધુ દબાણવાળા ઑક્સિજનનું વાતાવરણ, પ્રવાહી હવા, પ્રવાહી ઑક્સિજન વગેરેની હાજરીમાં આગની ભયાનકતા વધે છે. વળી ઑક્સિજનને બદલે હાઇડ્રોજન પૅરોક્સાઇડ, ફ્લોરિન, ક્લોરિન વગેરેના વાતાવરણમાં પણ આગ શક્ય બને છે.
આગના પ્રકાર : દહનશીલ પદાર્થોની પ્રકૃતિને લક્ષમાં રાખીને આંતરરાષ્ટ્રીય ધોરણે નીચે મુજબનું વર્ગીકરણ પ્રચલિત છે.
A વર્ગની આગમાં કાગળ, લાકડું, કાપડ તથા સામાન્ય સળગી ઊઠે તેવા મુખ્યત્વે સેલ્યુલોઝિક પદાર્થો હોય છે. આ માટે પાણી તથા પાણી ફેંકતા અગ્નિશામકો ઉપયોગી છે.
B વર્ગની આગમાં જ્વલનશીલ પ્રવાહીઓ જેવાં કે ગૅસોલીન, તેલ, તૈલરંગો અને ડામર જેવા પદાર્થો હોય છે. ગૅસોલીન અને તેલ જેવા પદાર્થો પાણી કરતાં હલકા હોઈ પાણીની ઉપર તરતા રહીને સળગ્યા કરે છે. ફીણ (foam), કાર્બનડાયૉક્સાઇડ, શુષ્ક પાઉડર અને હેલોન આ દૃષ્ટિએ ઉપયોગી છે.
C વર્ગની આગમાં વાયુસ્વરૂપના પદાર્થો (રાંધણગૅસ, ઍસેટિલીન વગેરે) હોય છે. આ આગમાં વાતાવરણમાં બળતા વાયુનું પ્રમાણ ઘટાડી નાખવું જરૂરી છે. આ માટે વાયુસ્વરૂપનું બળતણ આગના સ્થાન સુધી ન જાય તે માટે તેનો પુરવઠો અટકાવવો જોઈએ. વાયુ ભરેલી ટાંકીઓને પાણીનો છંટકાવ સતત કરતા રહીને ઠંડી રાખવી જોઈએ. કાર્બનડાયૉક્સાઇડ, શુષ્ક રાસાયણિક પાઉડર તથા હેલોન આ માટે ઉપયોગી છે.
D વર્ગની આગમાં સળગતી ધાતુઓ જેવી કે મૅગ્નેશિયમ, ઍલ્યુમિનિયમ, જસત, પોટૅશિયમ, સોડિયમ વગેરે સંકળાયેલી હોય છે. કાર્બનડાયૉક્સાઇડ અને પાણી આ પ્રકારની આગમાં ધાતુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. આથી ખાસ પ્રકારના શુષ્ક પાઉડર (ગ્રૅફાઇટ + કાર્બનિક ફૉસ્ફેટ, ઍસ્બેસ્ટોસ પાઉડર, શંખજીરું, યૂટેક્ટિક ટર્નરી ક્લોરાઇડ) વપરાય છે.
આગની પરખ (detection of fire) : આગ લાગ્યાની જાણ માટે વિવિધ પ્રકારનાં ઉપકરણો ઉપયોગમાં લેવાય છે. ધુમાડો પારખવા માટે જે ઉપકરણો (smoke detectors) ગોઠવેલાં હોય તે દહનમાં પેદા થતા દૃશ્ય કે અદૃશ્ય કણો પ્રત્યે સંવેદનશીલ (sensitive) હોય છે. તે આયનીકરણ કે પ્રકાશિકી ઉપર આધારિત હોય છે. કેટલાંક ઉપકરણો ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અથવા શ્યવિકિરણ (radiation) પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઊંચું તાપમાન અથવા તાપમાનના વધારાની ઝડપ તરફ સંવેદનશીલ હોય તેવાં ઉષ્મા-પરખકો (heat detectors) પણ વપરાય છે. દહનશીલ વાયુને પારખવા માટેનાં ઉપકરણો જ્યાં આવા વાયુઓ ભેગા થવાની શક્યતા હોય ત્યાં મૂકવામાં આવે છે. આગ બુઝાવવાની સ્વયંસંચાલિત વ્યવસ્થાનો ઉપયોગ પણ ભયસંકેત આપવા કરી શકાય. પાણી છાંટવાનાં સાધનો(sprinklers)માંથી પાણીનો પ્રવાહ ચાલુ થતાં ભયસંકેત માટેની સ્વિચ ચાલુ થઈ જાય છે.
સરળતાથી હેરફેર કરી શકાય તેવાં અગ્નિશામકો (portable fire extinguishers) : પાણી કે રેતી ભરેલી ડોલને સાદામાં સાદું અગ્નિશામક ગણી શકાય. આગની શક્યતા જ્યાં જ્યાં હોય ત્યાં આ સાધનો રાખવામાં આવે છે; આ અંગેના વિનિર્દેશો (specifications) ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે આગના પ્રકારને લક્ષમાં લઈને નક્કી કર્યા છે અને તેમને માનક નંબરો (IS numbers) આપવામાં આવ્યા છે. અગ્નિશામકની પસંદગી આ સંસ્થાની ભલામણ અનુસાર થાય છે.
.
ફીણ(foam)શામક : આ શામકમાં બે પાત્ર (containers) હોય છે. બહારના પાત્રમાં સોડિયમ બાયકાર્બોનેટ અને ફોમ સ્થાયીકારક(stabiliser)નું દ્રાવણ હોય છે, જ્યારે અંદરના પાત્રમાં ઍલ્યુમિનિયમ સલ્ફેટનું દ્રાવણ હોય છે. પ્લન્જરને ફેરવીને ખાંચામાં મૂકીને હલાવવાથી બંને પ્રવાહીઓ મિશ્ર થાય છે, ફીણયુક્ત પાણીની ધાર દબાણપૂર્વક બહાર આવે છે. બળતા પ્રવાહીની ટાંકીની અંદરની બાજુએ અથવા ટાંકીને અડીને આવેલી ઊભી સપાટી પર ધાર મારવામાં આવે તો ફીણ બનતું જાય છે અને સળગતા પ્રવાહીની સપાટી ઉપર તે ફેલાઈ જાય છે. પાણીની ધાર સળગતા પ્રવાહીની સપાટી ઉપર સીધી મારવામાં આવે તો ફીણ પ્રવાહીની અંદર ધકેલાઈને નકામું જાય છે. વળી આમ કરતાં પ્રવાહી બહાર આવીને આગ ફેલાવી શકે છે એટલે પ્રવાહી પર ફીણની સીધી ધાર મારવામાં આવતી નથી.
શુષ્ક પાઉડર અગ્નિશામક : વિવિધ ક્ષમતા (capacity) ધરાવતા મળતા અગ્નિશામકમાં સોડિયમ બાયકાર્બોનેટ જેવા પદાર્થો શુષ્ક પાઉડર રૂપે ભરેલા હોય છે. સાથે સાથે દબાણ તળે ભરેલ કાર્બનડાયૉક્સાઇડની કાર્ટિજ મૂકેલી હોય છે. શામકનો ઉપરનો નોબ દબાવવાથી કાર્ટ્રિજનું સીલ તૂટી જાય છે અને મુક્ત થયેલ કાર્બનડાયૉક્સાઇડ શુષ્ક પાઉડરને 1.5 મીટરથી 2.5 મીટર દૂર ફેંકી શકે છે. આ પાઉડર આગના મૂળમાં પડે અને આગના સમગ્ર ક્ષેત્રને આવરી લેવાય તે રીતે શામકને ફેરવવું જરૂરી હોય છે.
કાર્બનડાયૉક્સાઇડ અગ્નિશામક : આ શામકમાં કાર્બનડાયૉક્સાઇડ દાબીને ભરેલો હોવાથી તે પ્રવાહી રૂપે નળાકાર પાત્ર(cylinder)માં હોય છે. સિલિન્ડરનો વાલ્વ ખોલતાં કાર્બનડાયૉક્સાઇડ રબર પાઇપ મારફત જોશપૂર્વક બહાર આવે છે.
આગ બુઝાવવાની સ્થિર સાધનવ્યવસ્થા (fixed installation) : આગનિયંત્રણ માટે તુરત જ ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાથમિક ઉપયોગનાં સાધનો હેરવી-ફેરવી શકાય તેવાં હોય છે. જે સાધનો મકાનના કે કારખાનાના અભિન્ન ભાગ જેવાં હોય તે સ્થિર સાધનો છે. આના બે પ્રકાર છે : (1) પાણીનો ઉપયોગ કરતાં સાધનો, (2) પાણી સિવાયનાં અગ્નિશામક માધ્યમોનો ઉપયોગ કરતાં સાધનો.
1. પાણીનો ઉપયોગ કરતાં સાધનો :
(1) સ્વયંસંચાલિત છંટકાવ કરનાર ઉપકરણો (automatic sprinklers) : મકાનના દરેક માળની છત પર પાઇપ હોય છે, આમાં અમુક અંતરે સીલ કરેલા નળ બેસાડેલા હોય છે. મર્યાદાથી વધુ તાપમાન થતાં સીલ પીગળીને અથવા અંદરનું પ્રવાહી ગરમ થતાં નળી ફાટી જતાં ફુવારા જેવો પાણીનો છંટકાવ ચાલુ થાય છે.
(2) જળપ્લાવકો (drenchers) : મકાનની બહારના ભાગ ઉપર આ સાધન ગોઠવાયેલું હોય છે, જેના વડે છતની બહારની બારીના તથા બહારની દીવાલોના ભાગો ઉપર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવે છે.
(3) પાણી છંટકાવ પદ્ધતિ (water spray system) :
(ક) પ્રક્ષેપણ (projector) પદ્ધતિ: આ પદ્ધતિ મુખ્યત્વે ભારે તેલ તથા જ્વલનશીલ પ્રવાહીની આગ બુઝાવવા માટે વપરાય છે. ફુવારાના સ્વરૂપમાં પાણીનાં નાનાં ટીપાં ઝડપી ગતિએ છૂટે છે અને તેલ ઉપર પડતાં તેલ-પાણીનું ઇમલ્શન બનાવે છે જેથી આગ બુઝાઈ જાય છે. બળતું તેલ ઠંડું પણ પડે છે તેથી ઓછી બાષ્પ બને છે. પાણીનાં ટીપાં જ્વાળામાંથી પસાર થતાં તેની વરાળ બનતાં તેલને મળતા ઑક્સિજનનો પુરવઠો ઓછો થાય છે.
(ખ) સંરક્ષણાત્મક (protector) પદ્ધતિ : આ પદ્ધતિ પ્લાન્ટ અને સાધનસામગ્રીને ધડાકા સામે રક્ષણ આપવા વપરાય છે. આગનો સંકેત મળતાં આ સાધન ચાલુ થઈ જાય છે અને મધ્યમ ગતિએ છોડાયેલાં પાણીનાં ટીપાં ટાંકીઓ, ફૅક્ટરીનું અંદરનું માળખું અને સાધનોને ઠંડાં પાડે છે અને જ્વલનશીલ પ્રવાહીના સળગી ઊઠવાને નિયંત્રણમાં રાખે છે તેમજ સ્ફોટક વાયુઓને મંદ કરીને કારખાનાને રક્ષણ આપે છે.
(4) ઊર્ધ્વ નળીઓ (rising mains) : આ નળીઓ બે પ્રકારની હોય છે : (ક) શુષ્ક નળી (dry riser), (ખ) જલપૂર્ણ નળી (wet riser). બંને પ્રકારની પદ્ધતિઓમાં જુદા જુદા માળે પાણીના આઉટલેટ રાખેલા હોય છે, જેનો વાલ્વ, ચક્કરને વામાવર્ત (anticlock-wise) ફેરવવાથી ખૂલે છે. તેની સાથે હોસપાઇપ જોડી શકાય છે. મકાનની અંદર દરેક માળે પાણીનો હોસપાઇપ લઈ જઈ શકાતો નથી હોતો. એટલે આવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે છે.
(ક) શુષ્ક નળી : આ જુદા જુદા માળમાંથી પસાર થતી ઊભી પાઇપ છે. દરેક માળે હોસપાઇપ જોડવા માટેના વાલ્વ હોય છે, જેમાં સામાન્ય સંજોગોમાં પાણી હોતું નથી. આ પાઇપને પાણીપુરવઠા સાથે જોડેલી હોતી નથી. પણ જરૂર પડ્યે ફાયરબ્રિગેડના પમ્પ સાથે તેને જોડી શકાય છે. જેથી તે ઊભા હોસપાઇપની ગરજ સારે છે,
(ખ) જલપૂર્ણ નળી : દરેક માળમાંથી પસાર થતી આ ઊભી નળીને હંમેશાં પાણીથી ભરેલી રાખવામાં આવે છે. હાઇડ્રન્ટ આઉટલેટ (અથવા લેન્ડિંગ વાલ્વ) ખોલતાં પાણી મળી રહે છે. મકાનની ઊંચાઈ વધુ હોય તો ઊંચામાં ઊંચા આઉટલેટ પર લઘુતમ 3.2 કિગ્રા./સેમી.2 દબાણથી મળી રહે માટે જરૂર પ્રમાણે માળ વચ્ચે બુસ્ટર પંપ મૂકવામાં આવે છે. અગાસી પરની ટાંકીમાંથી પણ પાણીનો પુરવઠો મેળવી શકાય છે.
(5) હોસ-રીલ-હોસ : રીલ પર રબર ટ્યૂબ (વ્યાસ 20થી 25 મિમી.) પાઇપ વીંટાળેલી હોય છે, જે ખોલવા તથા પ્રયોજવા માટે એક જ તાલીમ વિનાના માણસની જરૂર પડે છે. હોસ-રીલ પોલી ગોળ ફરતી ધરી ઉપર બેસાડેલું હોય છે. તેની મારફત પાણીનો પુરવઠો અપાય છે.
2. પાણી સિવાયનાં અગ્નિશામક માધ્યમનો ઉપયોગ કરતાં સાધનો :
(1) ફીણ સંસ્થાપન (foam installation) : આગ લાગવાની શક્યતા હોય તે ક્ષેત્રની બહાર ફીણ બનાવવા માટે પાણી તથા રસાયણો ‘ફોમ કોન્સેન્ટ્રેટ’ અલગ અલગ ટાંકીઓમાં રાખેલાં હોય છે. યાંત્રિક રીતે જરૂર પ્રમાણે પાણી તથા રસાયણો ભેગાં કરીને જ્વલનશીલ પ્રવાહી ઉપર છોડવામાં આવે છે.
(2) કાર્બનડાયૉક્સાઇડ સંસ્થાપન (installation) : આમાં એક કરતાં વધુ સિલિન્ડરો દબાણ ખમી શકે તેવી પાઇપ સાથે જોડેલાં હોય છે. પાઇપલાઇન ઉપર અમુક અમુક અંતરે નૉઝલ લગાડેલાં હોય છે, જેમાંથી વાલ્વ ખોલતાં અવાજ સાથે કાર્બનડાયૉક્સાઇડનો જોરદાર પ્રવાહ ફૂંકાય છે અને આગ કાબૂમાં આવે છે. સામાન્ય રીતે વીજળીનાં સાધનો અને કમ્પ્યૂટરો માટે તથા 250 ચોમી.થી ઓછા વિસ્તારના જ્વલનશીલ પ્રવાહી માટે આ પદ્ધતિ ઉપયોગી છે.
(3) બાષ્પ-પ્રવાહી સંસ્થાપન (vapourixing liquid installation) : આ વ્યવસ્થા બે પ્રકારની હોય છે. (ક) ટોટલ ફ્લડિંગ સિસ્ટમ : આમાં બંધ જગામાં (દા.ત., કમ્પ્યૂટર રૂમ, ઓવન, વખાર, વોલ્ટ્સ વગેરે) જરૂરી માત્રામાં હેલોન્સ છોડવામાં આવે છે. (ખ) સ્થાનીય વિનિયોગ વ્યવસ્થા (local application system) : જ્યાં જોખમ ખુલ્લામાં હોય ત્યાં આ વપરાય છે. દા.ત., ઊંડી ટાંકીઓ, તેલ ભરેલ ટ્રાન્સફૉર્મર વગેરે. સિસ્ટમ ચાલુ કરવામાં આવે છે ત્યારે હેલોન પ્રવાહી સિલિન્ડરમાંથી પાઇપલાઇન મારફત નૉઝલમાં આવે છે. પ્રવાહી વાયુરૂપમાં રૂપાંતરિત થતાં ભારે બાષ્પ આગના ક્ષેત્ર ઉપર છાઈ જાય છે અને જ્વાળાના ફેલાવાને અટકાવી દઈને તે આગને બુઝાવી દે છે. ખાસ કરીને સ્વયંસંચાલિત પદ્ધતિમાં હેલોન વપરાય છે. હેલોનના ઉપયોગથી માણસને નુકસાન ન થાય તે માટે ભયસૂચક વ્યવસ્થા ગોઠવાય છે.
અગ્નિશમન-સિદ્ધાંત, કાર્યપદ્ધતિ અને સાધનો : અગાઉ જોઈ ગયા પ્રમાણે ગરમી, ઑક્સિજન, દહનશીલ પદાર્થ અને રાસાયણિક સાંકળ-પ્રક્રિયામાંથી કોઈ એક અથવા વધુ ઘટક દૂર કરવાથી અગ્નિશમન થઈ શકે છે.
(1) ગરમી દૂર કરવી : આગમાંથી ગરમી બને તેટલી ઝડપથી દૂર કરવી જરૂરી હોય છે. આમ થતાં પદાર્થનું તાપમાન ઘટે છે અને ગરમી પેદા થવાનો દર પણ ઘટે છે. છેવટે પેદા થતી ગરમી કરતાં વધુ ગરમી દૂર થતાં આગ બુઝાઈ જાય છે. આગ ઉપર પાણીની ધાર (jet) અથવા ફુવારા(spray)નો ઉપયોગ આ સિદ્ધાંત અનુસાર થાય છે. વરાળ હવાના ઑક્સિજનને અટકાવતાં અગ્નિશમનમાં વધુ સહાય મળે છે. વીજળીનાં ઉપકરણો આગમાં સંડોવાયાં હોય ત્યારે પાણીનો ઉપયોગ જોખમકારક બને છે.
(2) ઑક્સિજન દૂર કરવો : બળતા પદાર્થની આજુબાજુના વાતાવરણમાં રહેલા ઑક્સિજનનું પ્રમાણ ઘટાડવામાં આવે તો આગ બુઝાઈ જાય. આ માટે બળતા પદાર્થને મળતી હવા રોકવી જરૂરી છે. રાસાયણિક બંધારણમાં ઑક્સિજન સમાયેલો હોય તેવા સેલ્યુલોઝ જેવા પદાર્થ માટે આ સિદ્ધાંત ઉપયોગી નથી. નાની આગ કે કપડાં સળગ્યાં હોય ત્યારે જાડી ચાદર કે ધાબળા વડે બુઝાવવી અથવા તો સળગતી ધાતુ ઉપર રેતી કે માટીનો ઉપયોગ કરવો તે આ સિદ્ધાંત અનુસાર છે. વિદ્યુત સાધનો સંડોવાયાં હોય ત્યાં કાર્બનડાયૉક્સાઇડનો ઉપયોગ વધુ સારાં પરિણામ આપે છે. સોડિયમ ડાયહાઇડ્રોજન ફૉસ્ફેટ પણ શુષ્ક પાઉડર તરીકે વપરાય છે.
(3) જ્વલનશીલ પદાર્થ દૂર કરવો (starvation of fire) : અગ્નિશમનની આ પદ્ધતિમાં ત્રણ રીતો છે : (ક) આગની નજીક રહેલા જ્વલનશીલ પદાર્થો દૂર કરવા, જેમ કે સળગતી ઑઇલ ટૅન્કરમાંથી તેલ નીચેથી કાઢી લેવું; જંગલની આગમાં પવનની દિશામાંના કેટલાક ભાગનાં ઝાડ/વનસ્પતિ દૂર કરવાં; આગને અટકાવવા મકાનની હારમાંથી પવનની દિશામાં એકાદ મકાનને તોડી પાડવું વગેરે. (ખ) બળતા પદાર્થની નજીકમાંથી આગને દૂર કરવી, જેમ કે ઘાસની ગંજીમાંથી સળગતું ઘાસ દૂર કરવું, અથવા ઘાસના કોઠારની છતમાંથી (છાપરામાંથી) સળગતો ભાગ દૂર કરવો. (ગ) સળગતા પદાર્થને નાના ભાગોમાં વિભાજિત કરવો અને નાની આગને આપમેળે બુઝાઈ જવા દેવી.
(4) જ્વાળામાં ચાલતી રાસાયણિક સાંકળ-પ્રક્રિયા અટકાવવી : જ્વાળા માટે જરૂરી રાસાયણિક સાંકળ-પ્રક્રિયામાં રાસાયણિક દખલ કરવાથી સાંકળ-પ્રક્રિયા અટકી જાય છે. આથી આગ આગળ વધી શકતી નથી, ફેલાતી નથી. હેલોજનયુક્ત હાઇડ્રોકાર્બન ટૂંકમાં હેલોન તરીકે ઓળખાય છે. હેલોન 1301 બ્રોમોટ્રાયફ્લોરોમીથેન છે. આ, વાયુસ્વરૂપમાં રૂપાંતરિત થતું નીચા ઉત્કલનબિંદુવાળું પ્રવાહી છે. તેનું ગરમીથી વિઘટન થતાં મુક્ત મૂલકો ઉત્પન્ન થાય છે, જે સાંકળ-પ્રક્રિયા અટકાવીને જ્વાળાને બુઝાવીને આગના ફેલાવાને રોકે છે. હવામાં ફક્ત 3.3 %ની હાજરીથી પણ બ્યૂટેનની આગને તે ઓલવી શકે છે. તે મોંઘું છે, પણ દશગણું વધુ અસરકારક હોય છે. સાવધાનીથી વાપરવામાં આવે તો તે નુકસાનકારક નથી.
અગ્નિશમનની કાર્યપદ્ધતિ અને સાધનો : (1) અગ્નિની અસર નહિ થયેલ મકાનોનો બચાવ.
(2) આગને સીમિત (confinement) કરીને ફેલાવો અટકાવવો. આગને ફેલાતી રોકવી તે ઘણું અગત્યનું છે.
(3) ગરમ હવા/ધુમાડાનો નિકાલ : આ ઘણું અગત્યનું છે, કારણ ગરમ હવાથી આગ ફેલાય છે અને ધુમાડાથી માણસો ગૂંગળાઈ જાય છે. વળી દૃશ્યતા (visibility) ઓછી થતાં માણસો મૂંઝાઈ જતા જલદીથી બહાર આવી શકતા નથી.
(4) અગ્નિનું શમન : અગ્નિશમનનાં સાધનો સુવાહ્ય (portable), સ્થિર પ્રકારનાં અને ગતિશીલ પ્રકારનાં (mobile) હોય છે.
હાલમાં ફાયરબ્રિગેડ, ફાયર એન્જિન ઉપરાંત ઘણીબધી બીજી સામગ્રી પણ સાથે રાખે છે. પાણીની ટાંકીઓ, ફીણની ટાંકીઓ, પૉર્ટેબલ અગ્નિશામકો, નિસરણીઓ, સ્નોર્કેલ, પૉર્ટેબલ વિદ્યુત જનરેટર, સર્ચલાઇટ, હેલ્મેટ, કોટ, ગમબૂટ, કૃત્રિમ શ્વાસ લેવાનાં સાધનો, વધારાનો હોસપાઇપ, મકાન તોડીને દાખલ થવાનાં સાધનો (કુહાડી, કરવત, ઘણ વગેરે), માલમત્તાના ઉગાર(salvage)નાં સાધનો, પ્રાથમિક ઉપચારનાં સાધનો, અગ્નિરોધક કપડાં, ઍમ્બુલન્સ, વાયરલેસ વગેરે આધુનિક ફાયરબ્રિગેડની સાથે જ હોય છે. દરિયાની આગ બુઝાવવા માટે અગ્નિશામક વહાણો વપરાય છે.
અગ્નિશમન સેવા (fire brigade service) : દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા સામાન્ય કર્મચારીઓ માટે વિવિધ તાલીમના અભ્યાસક્રમો ચાલતા હોય છે. અધિકારી કક્ષાએ કેન્દ્રીય સરકારના ગૃહમંત્રાલય દ્વારા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા મહાવિદ્યાલય નાગપુર ખાતે ચાલે છે. છ માસના અભ્યાસક્રમ ધરાવતા સબ-ઑફિસર્સ કોર્સ, સ્ટેશન ઑફિસર્સ કોર્સ તથા ડિવિઝનલ ઑફિસર્સ કોર્સ ચાલે છે, જેમાં વિવિધ અગ્નિશમન સેવા દ્વારા પુરસ્કૃત (sponsored) કર્મચારીઓ પ્રવેશપાત્ર ગણાય છે. સબ-ઑફિસર્સ કોર્સ માટે લઘુતમ લાયકાત એસ.એસ.સી. પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત નાગપુર વિશ્વવિદ્યાલય સાથે સંકલિત થઈને આ મહાવિદ્યાલય બી.ઈ.(ફાયર ઇજનેરી)નો અભ્યાસક્રમ પણ ચલાવે છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓ માટે વિવિધ કામગીરી માટેના અભ્યાસક્રમો પણ ચાલે છે, જેમ કે બ્રીધિંગ એપરેટ્સ કોર્સ, સ્નોર્કેલ માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ, ઑટૉમોબાઇલ મેન્ટેનન્સ કોર્સ વગેરે.
ભારતમાં 14મી એપ્રિલ ‘અગ્નિશમન સેવાદિન’ તરીકે ઊજવાય છે. 1944ની 14મી એપ્રિલના દિને મુંબઈમાં વિક્ટોરિયા ડોકમાં યુદ્ધની સામગ્રીઓ ખાસ કરીને ટીએનટી વિસ્ફોટક વગેરે લઈને 7000 ટનનું વેપારી જહાજ ‘ફોર્ટ સ્ટીકાઇન’ લાંગરેલું. તેમાં થયેલ મહાવિસ્ફોટમાં આગ બુઝાવવાની અતિ જોખમી કામગીરી બજાવી રહેલા મુંબઈ ફાયરબ્રિગેડ સેવાના 66 વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એ અમર શહીદોની યાદમાં આ દિન ‘અગ્નિશમન સેવાદિન’ તરીકે ભારતભરમાં ઊજવાય છે.
પરેશ પ્ર. વ્યાસ