અગ્નિવેશ (ઈ. સ. પૂ. 1000થી 1500 આશરે) : આત્રેય ઋષિના શિષ્યોમાં અત્યંત બુદ્ધિમાન શિષ્ય તરીકે પ્રસિદ્ધ. તેને પ્રતાપે ગુરુશિષ્યના પ્રશ્ર્નોત્તર રૂપે ‘ચરકસંહિતા’નું નિર્માણ થયેલું છે. અગ્નિવેશે આત્રેય ઋષિનાં વ્યાખ્યાનોને એકત્ર કરીને ‘અગ્નિવેશતંત્ર’ની રચના કરેલી છે. મૂળ ‘અગ્નિવેશતંત્ર’ સંક્ષિપ્ત અને સૂત્રરૂપમાં હશે, તેનું ચરકે ભાષ્ય સાથે સંસ્કરણ કરેલું છે. ‘ચરકસંહિતા’ પછી ‘અગ્નિવેશતંત્ર’નું અસ્તિત્વ રહ્યું નથી. તેથી હાલમાં ‘અગ્નિવેશતંત્ર’ નામથી કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. અગ્નિવેશનું બીજું નામ ‘વહ્નિવેશ’ કે ‘ભૂતાશવેશ’ ‘ચરકસંહિતા’માં આવે છે. મહાભારતમાં અગ્નિવેશનો ઉલ્લેખ છે અને કહેવાયું છે કે અગ્નિવેશે ભારદ્વાજ ઋષિ પાસેથી આગ્નેયાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. અગ્નિવેશના સાથીઓ તરીકે જોડ અને પરાશર ઋષિનાં નામ આવે છે. ‘અગ્નિવેશતંત્ર’નાં કેટલાંક વચનો ‘ચરકસંહિતા’ના ટીકાકાર જજ્જટે ટાંક્યાં છે; પણ ઉપલબ્ધ ‘ચરકસંહિતા’માં તે મળતાં નથી. અગ્નિવેશના નામથી એક નાડીપરીક્ષાના ગ્રંથનો વડોદરા મધ્યસ્થ પુસ્તકાલયમાં હસ્તલિખિત પુસ્તકોની સૂચિમાં ઉલ્લેખ છે તેમજ ‘અંજલનિદાન’ નામનો ગ્રંથ પણ ઉલ્લેખિત છે. તેમ છતાં આ ગ્રંથો આત્રેય ઋષિના શિષ્ય અગ્નિવેશે જ લખ્યા છે તેવું પ્રમાણ ઉપલબ્ધ નથી. 11મી સદી સુધી ‘અગ્નિવેશતંત્ર’ ઉપલબ્ધ હતું.
હરિદાસ શ્રીધર કસ્તૂરે