અગ્નિપરીક્ષા : અસમિયા નાટ્યકૃતિ. દંડીનાથ કલિતા(1890–1950)નું આ નાટક વ્યંગાત્મક છે. નાટકની પાર્શ્વભૂમિ રામાયણના સમયની છે. એમણે એમાં રામાયણનાં લગભગ બધાં જ મુખ્ય પાત્રો તથા પ્રસંગો લઈને નાટ્યોચિત ગૂંથણી કરી છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ‘ભટ્ટિકાવ્યમ્’ અને કૃત્તિવાસના રામાયણનો આધાર લઈને તેમણે કેટલાંક દૃશ્યોનું નિર્માણ કર્યું છે. પાત્રચિત્રણ અભિનયક્ષમ દૃશ્યોની યોજનામાં એમની કુશળતા સ્પષ્ટ દેખાય છે. અને એમણે નાટકમાં સંસ્કૃત નાટ્યરીતિના પ્રવેશકવિષ્કંભકની પણ યોજના કરી છે. એમાં મુખ્ય પ્રસંગ રામે રાવણવધ પછી અગ્નિપરીક્ષા લીધી તે છે. રામના સીતા પ્રત્યેના વર્તન માટે રામ ઉપર પ્રહાર કરેલા છે અને સીતાની કરુણતાને સારી રીતે ઉપસાવી છે. ‘અગ્નિપરીક્ષા’ અસમિયા નાટ્યસાહિત્યની એક ઓજસ્વી કૃતિ તરીકે આદર પામેલી છે.
પ્રીતિ બરુઆ