અગ્નિજિત માટી (fire clay) : કુદરતમાં મળી આવતી એક પ્રકારની માટી, જે ઊંચા તાપમાને પીગળીને કાચમય (glassy) ન બનતાં ગરમીનો પ્રતિકાર કરે છે. આવા પ્રકારની માટીમાં લોહદ્રવ્ય અને સોડિયમ/પોટૅશિયમના ક્ષારો ગેરહાજર હોય છે.
સામાન્યત: અગ્નિજિત માટી જળકૃત ઉત્પત્તિજન્ય હોય છે. તેમાં આલ્કલી દ્રવ્યો બિલકુલ હોતાં નથી; હોય તો નજીવા પ્રમાણમાં હોય છે; માત્ર એલ્યૂમિના(Al2O3)નું પ્રમાણ જ વધુ હોય છે. આ કારણે તેનું કાચમાં રૂપાંતર થઈ શકતું નથી. ઊંચા તાપમાનનો પ્રતિકાર કરી શકવાના તેના ગુણધર્મને કારણે તે અગ્નિરોધક (refractory) ગણાય છે. અગ્નિજિત માટી 15000 સે.થી 17000 સે. તાપમાને પણ ઓગળી જતી ન હોવાથી ધાતુક્રિયા માટેની ભઠ્ઠીઓની દીવાલો માટેની ઈંટો બનાવવામાં તે ઉપયોગમાં લેવાય છે.
આધુનિક અગ્નિરોધક દ્રવ્યોનું બંધારણ બહુધા અગ્નિજિત માટીનું હોય છે, તેમ છતાં આવાં દ્રવ્યો બિનપ્લાસ્ટિક અગ્નિરોધક ફ્લિન્ટમય માટી, મધ્યમ કક્ષાની અગ્નિરોધક પ્લાસ્ટિક માટી અને એલ્યૂમિનાના વધુ પ્રમાણવાળી માટીનાં બનેલાં હોય છે. તેમની ઉષ્ણતાપ્રતિકારક્ષમતા 15000 સે.થી 17000 સે. સુધીની હોય છે અને તેથી જ તે ભઠ્ઠીઓ, બૉઇલર વગેરે જેવાં સાધનોની અંદરની દીવાલો બનાવવામાં વપરાય છે.
મોટેભાગે કોલસાની ખાણોમાં કોલસાના થર નીચેનો અધ:સ્તર અગ્નિજિત માટીથી બનેલો હોય છે, જોકે તેમાં અપૂર્ણ સ્ફટિકમય કેઓલિનાઇટનું ખનિજસ્વરૂપ મેલોરાઇટ વધુ પ્રમાણમાં હોય છે. અગ્નિજિત માટી યુ.એસ.માં, મધ્યયુરોપમાં, જાપાનમાં તેમજ ઓછાવત્તા પ્રમાણમાં અન્ય દેશોમાં મળી આવે છે. ભારતમાં તે વધુ પ્રમાણમાં બિહારમાં મળે છે. ઉપરાંત મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામ, તમિળનાડુ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન તેમજ ગુજરાતમાં પણ મળે છે. બિહારમાં તે ઝરિયા તેમજ રાણીગંજનાં ક્ષેત્રોમાં કોલસાના થરોમાં આંતર-સ્તરો રૂપે રહેલી છે. અહીંનો કુલ જથ્થો 70 લાખ ટન હોવાનું અંદાજવામાં આવેલું છે. અગ્નિરોધક ઈંટોની બનાવટમાં ઉપયોગમાં લઈ શકાય એવી અગ્નિજિત માટી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રાજપુરા તેમજ બેલટિયા સ્થળોએ મળે છે, જેનો કુલ અંદાજી જથ્થો 1 લાખ ટન જેટલો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઝાલાવાડ જિલ્લામાં રાજપુર, તલાવડી, કંકાવટી અને અન્ય સ્થળોએ તેમજ કચ્છ જિલ્લામાં અંજાર, ભુજ, નખત્રાણા વગેરે સંખ્યાબંધ સ્થળોએ અગ્નિજિત માટીના જથ્થા મળી આવે છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા