અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ (classification of igneous rocks) : અગ્નિકૃત ખડકોના વર્ગીકરણનો વિષય ખડકવિદ્યાની એક અગત્યની સમસ્યા ગણાય છે. જુદા જુદા ખડકશાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્ગીકરણો સૂચવેલાં છે, પરંતુ તે પૈકીનું એક પણ સર્વમાન્ય બની શક્યું નથી; આ ખડકોના વર્ગીકરણ માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને કારણે પણ સર્વમાન્ય વર્ગીકરણ હજી સુધી ઉપલબ્ધ બન્યું નથી. અગ્નિકૃત ખડકોના વર્ગીકરણ માટે ખનિજીય તેમજ રાસાયણિક બંધારણ, કણરચના તેમજ ખડકોની પ્રાપ્તિસ્થિતિનો આધાર લેવામાં આવેલો છે; કેટલાંક વર્ગીકરણોમાં એક કરતાં વધુ ગુણલક્ષણોનો આધાર લેવાયો છે, જેને પરિણામે નીચેનાં વર્ગીકરણ અસ્તિત્વમાં આવ્યાં છે.
(1) ખનિજીય વર્ગીકરણ : અગ્નિકૃત ખડકોનું આ વર્ગીકરણ તેમનાં ખનિજીય લક્ષણોને આધારે થયેલું છે. અગ્નિકૃત ખડકોના અભ્યાસ માટે આ વર્ગીકરણ મહત્ત્વનું છે કારણ કે ખડકોમાં રહેલાં ખનિજોને ખૂબ જ સરળતાથી પારખી શકાય છે, તેમજ તેમનું પ્રમાણ ચોક્કસપણે અંદાજી શકાય છે. આ વર્ગીકરણ પ્રમાણે અગ્નિકૃત ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોને આવશ્યક, અનુષંગી અને પરિણામી, એ ત્રણ ખનિજ-પ્રકારોમાં વહેંચી નાખવામાં આવેલાં છે. વળી, અગ્નિકૃત ખડકોમાંનાં ખનિજો આછા રંગવાળાં (શુભ્રરંગી, felsic) તેમજ ઘેરા રંગવાળાં (શ્યામરંગી, mafic) એમ બે પ્રકારોમાં વહેંચાયેલાં હોય છે. આછા રંગવાળાં ખનિજો અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના અંતિમ તબક્કામાં ઉદ્ભવે છે અને ઓછી ઘનતાવાળાં હોય છે, જ્યારે ઘેરા રંગવાળાં ખનિજો ખડકની ઉત્પત્તિના પ્રારંભિક તબક્કામાં ઉદ્ભવે છે અને વધુ ઘનતાવાળાં હોય છે. અગ્નિકૃત ખડકોના બંધારણમાં રહેલાં, આ બે વર્ગનાં ખનિજોના પ્રમાણ પર આધારિત, એક ‘રંગ-વર્ગીકરણ’ પણ ઝિર્કેલ, રોઝેનબુશ, હાર્કર અને ઇડિંગ્સ દ્વારા સૂચવવામાં આવેલું છે, જેમાં અગ્નિકૃત ખડકોના શુભ્રરંગી અથવા આછા રંગવાળા, મધ્યમરંગી, શ્યામરંગી તેમજ અતિશ્યામરંગી અથવા ઘેરા રંગવાળા એમ ચાર પ્રકાર દર્શાવેલા છે.
(2) રાસાયણિક વર્ગીકરણ : અગ્નિકૃત ખડકોનું બીજું વર્ગીકરણ મુખ્યત્વે તેમના રાસાયણિક બંધારણના આધારે થયેલું છે : (ક) નૉર્મ અથવા C.I.P.W. વર્ગીકરણ, (ખ) શાન્ડનું વર્ગીકરણ અને (ગ) નિગ્લીનું વર્ગીકરણ.
(ક) નૉર્મ વર્ગીકરણ : નિયત રાસાયણિક બંધારણવાળા પ્રમાણભૂત ખનિજ-જૂથને નૉર્મ (જુઓ નૉર્મ) કહે છે. ક્રૉસ, ઇડિંગ્સ, પિર્સન અને વૉશિંગ્ટન નામના ચાર અમેરિકન ખડકવિદોએ આ વર્ગીકરણ સૂચવેલું છે જે સામાન્યત: તે વૈજ્ઞાનિકોના નામના પ્રથમ અક્ષરો પરથી C.I.P.W. વર્ગીકરણ તરીકે પણ જાણીતું છે. આ વર્ગીકરણ મુજબ અગ્નિકૃત ખડકોના રાસાયણિક બંધારણનો ‘નૉર્મ’ નામના પ્રમાણભૂત ખનિજ-જૂથમાં સમાવેશ કરેલો. આ પ્રકારની ગણતરીમાં અબરખ, ઍમ્ફિબોલ અને કેટલાંક પાયરૉક્સીન જેવાં જટિલ રાસાયણિક બંધારણવાળાં ખનિજોને બાકાત રાખવામાં આવે છે. નૉર્મ ખનિજ-જૂથના નીચે મુજબના પેટા વિભાગો છે.
સેલિક ખનિજો : ક્વાર્ટ્ઝ, નેફેલિન, ઑર્થોક્લેઝ, લ્યુસાઇટ, આલ્બાઇટ, કોરંડમ, એનોર્થાઇટ, ઝિર્કોન, હેલાઇટ વગેરે.
ફેમિક ખનિજો : ઓલિવિન, એપેટાઇટ, હાઇપરસ્થીન, મૅગ્નેટાઇટ, એન્સ્ટેટાઇટ, હેમેટાઇટ, ડાયોપ્સાઇડ, ક્રોમાઇટ, પાયરાઇટ, એક્માઇટ, રુટાઇલ, કૅલ્સાઇટ વગેરે. આ પ્રમાણે સેલિક / ફેમિક ગુણોત્તર મુજબ વર્ગીકૃત કરેલ અગ્નિકૃત ખડકોનાં નૉર્મ ભાગ્યે જ વાસ્તવિક ખનિજબંધારણ (mode) સાથે સામ્ય દર્શાવતાં હોય છે.
(ખ) શાન્ડનું વર્ગીકરણ : શાન્ડ નામના ખડકવિદે સૂચવેલું રાસાયણિક વર્ગીકરણ અગ્નિકૃત ખડકોની સિલિકા સંતૃપ્તિ, ઍલ્યૂમિના, સોડા, પૉટાશ અને લાઇમ વચ્ચેનો ગુણોત્તર, કણરચના, આછા અને ઘેરા રંગનાં ખનિજોનો ગુણોત્તર, ઑર્થોક્લેઝ અને આલ્બાઇટ-ઍનોર્થાઇટ વચ્ચેનો ગુણોત્તર જેવી બાબતોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલું છે. આ ઉપરાંત આ વર્ગીકરણમાં સામાન્ય અગ્નિકૃત ખડકોનાં લક્ષણો દર્શાવતી સરળ સંજ્ઞાઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
(ગ) નિગ્લીનું વર્ગીકરણ : આ એક એવા પ્રકારનું રાસાયણિક વર્ગીકરણ છે, જેમાં અગ્નિકૃત ખડકોના રાસાયણિક બંધારણનો ખાસ પ્રકારની ગણતરીમાં ઉપયોગ કરવામાં આવે છે.
(3) કણરચના-પ્રાપ્તિસ્થિતિ વર્ગીકરણ : અગ્નિકૃત ખડકો તેમની ઉત્પત્તિના સંજોગો પ્રમાણે જુદી જુદી કણરચનાઓવાળા તેમજ વિવિધ પ્રાપ્તિસ્થિતિવાળા હોય છે. ઉત્પત્તિનાં સ્થાન અને સંજોગોને આધારે તેમને અંત:કૃત, ભૂમધ્યકૃત અને બહિર્ભૂત કે જ્વાળામુખી એ મુજબના ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરેલ છે. આ ઉપરાંત હેચ, વેલ્સ અને વેલ્સ નામના ખડકવિદોએ રાસાયણિક તેમજ ખનિજીય મિશ્ર પ્રકારનાં લક્ષણોને આધારે પણ અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ કરેલું છે. આ વર્ગીકરણમાં અગ્નિકૃત ખડકોને સિલિકા સંતૃપ્તિ પ્રમાણે એસિડિક, સબ-એસિડિક, બેઝિક અને અલ્ટ્રાબેઝિક એ મુજબના ચાર આડા વિભાગોમાં વર્ગીકૃત કરેલા છે. અગ્નિકૃત ખડકોના બંધારણમાં રહેલા ફેલ્સ્પારના પ્રમાણ પર આધારિત ત્રણ ઊભા વિભાગો પણ પાડેલા છે. કણરચના, સિલિકા, આલ્કલી ફેલ્સ્પાર તથા પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારનાં પ્રમાણ પર આધારિત આ વર્ગીકરણની મદદથી સામાન્ય પ્રકારના અગ્નિકૃત ખડકોની પરખ ઘણી સરળ બની જાય છે. આ વર્ગીકરણ કોઠાઓ દ્વારા રજૂ કરાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે