અગરવાલા, જ્યોતિપ્રસાદ (જ. 17 જૂન 1903 તેઝપુર, અસમ ; અ. 17 જાન્યુઆરી 1951 તેઝપુર, અસમ) : આસામના રાષ્ટ્રભક્ત કવિ અને સ્વાતંત્ર્યસેનાની. ‘હિંદ છોડો’ આંદોલન વખતે ભૂગર્ભમાં રહીને કામ કરેલું. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના એમનાં અનેક ગીતોમાં મુખરિત થયેલી છે. તેમનાં લખાણોમાં જ્વલંત દેશપ્રેમ અને વર્ગવિહીન સમાજરચના માટેની ઝુંબેશ જોવા મળે છે. એમનાં કાવ્યોમાં મોટો ભાગ ગીતોનો છે. ગીતોની સ્વરલિપિ પણ એમણે પોતે બાંધેલી છે. તેમાં અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજીને અનોખી મીઠાશ આણી છે. લયમાધુર્યને કારણે તેમનાં ગીતો હૃદયસ્પર્શી બન્યાં છે. તેમનાં ગીતો સ્વાતંત્ર્યયુદ્ધ વખતે શૌર્યોત્તેજક નીવડ્યાં હતાં. ગીતોની આ વિશિષ્ટતાને કારણે તેમનાં કાવ્યોને જ્યોતિસંગીત નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે. એમણે ચાર નાટકો લખેલાં છે. ‘શ્રોણિતકુંવરી’ (1925) નાટકમાં ઉષા–અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે; રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે, જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. બીજાં બે નાટકો ‘લભિતા’ અને ‘રૂપાલિમ’ તેમના મરણ બાદ પ્રસિદ્ધ થયેલાં છે. ‘લભિતા’માં દ્વિતીય મહાયુદ્ધ અને બેંતાળીસની ક્રાન્તિએ અસમિયા પ્રજાજીવનમાં આણેલા આમૂલ પરિવર્તનની વાત, એક ગ્રામકન્યાના પાત્રને કેન્દ્રમાં રાખીને કરેલી છે. તેમણે ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. તેમના કાકા અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચંદ્રકુમાર અગરવાલાની સાહિત્યદૃષ્ટિએ ઉચ્ચ કોટિની ગણાયેલી જીવનકથા પણ તેમણે લખી છે.
પ્રીતિ બરુઆ