અગરવાલા, ચંદ્રકુમાર (જ. 28 નવેમ્બર 1867 કલંગપુર જિ. શોણિતપુર, આસામ ; અ. 2 માર્ચ 1938 ગુવાહાટી, આસામ) : અસમિયા કવિ અને સાહિત્યકાર. વતન આસામના શોણિતપુર જિલ્લાનું કલંગપુર ગામ. દાદા નવરંગ અગરવાલા રાજસ્થાનમાંથી આસામમાં આવી વસેલા. પિતા હરિવિલાસ સાહિત્યરસિક હતા. એમણે આસામના સંત શંકરદેવની અસમિયા હસ્તપ્રતો પ્રકાશિત કરેલી. ચંદ્રકુમારે લક્ષ્મીનાથ બેઝબરુઆ અને હેમચંદ્ર ગોસ્વામીની સાથે ‘જોનાકી’ નામનું માસિક 1889માં શરૂ કરેલું, જેનાથી આસામી સાહિત્યમાં આનંદલક્ષી સાહિત્યની શરૂઆત થયેલી ગણાય છે. ‘પ્રતિમા’ અને ‘બીનબરાગી’ એમના કાવ્યસંગ્રહો છે. એમની કવિતામાં સૌંદર્યપ્રેમ, જીવનનો આનંદ અને દૃઢ આશાવાદ જોવા મળે છે. સ્વભાવની રંગદર્શિતાએ એમને લોકસાહિત્ય તરફ વાળ્યા હતા. એમનાં ત્રણ કાવ્યો ‘જલકુંવરી’, ‘વનકુંવરી’ અને ‘તેજીમાતા’માં રહસ્ય અને દિવ્ય સૌંદર્યનું નિરૂપણ થયું છે. એમની કવિતામાં વ્યાપક માનવતા અને માનવની એકતાનો સૂર સંભળાય છે. ‘બીનબરાગી’ નામની દીર્ઘ કવિતામાં એમણે પ્રણયનું માહાત્મ્ય ગાયું છે. અસમિયા સાહિત્યના વિકાસ માટે એમણે ખૂબ પરિશ્રમ કરેલો. એમણે ગુવાહાટીમાં એક છાપખાનું કાઢ્યું હતું અને ‘અસમિયા’ નામનું સાપ્તાહિક ત્યાંથી પ્રગટ કરેલું, જે થોડા સમય પછી દૈનિક બન્યું હતું.
પ્રીતિ બરુઆ