અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર. વસ્તી 4,04,004 (2011). બાંગલા દેશની પૂર્વ સરહદ અગરતલાથી માત્ર 1 કિમી. દૂર છે. તે હાઓરા નદીના કિનારે 230 50´ 42´´ ઉત્તર અક્ષાંશ અને 910 22´ 55´´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તે રાજ્યનું સૌથી મોટું વહીવટી અને વ્યાપારી મથક છે. આસામના ગુઆહાટી અને કૉલકાતા સાથે તે વિમાની માર્ગે જોડાયેલું છે. 1875 પહેલાં અગરતલા વરસાદના મહિનાઓમાં, જળમાર્ગ ચાલુ હોય તે સિવાય દુનિયાના ભાગોથી વિખૂટું પડેલું રહેતું. 1959માં આસામના કલકાલીઘાટ અને અગરતલાને પાકા માર્ગથી જોડવામાં આવ્યાં. બાકીના ભારત સાથે તે આ એક જ માર્ગ–રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 થી જોડાયેલું છે. અગરતલાથી રાજ્યમાં સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરે ધરમનગર છે, જે આસામ સાથે રેલવેથી જોડાયેલું છે. 1901થી તે રાજ્યનું પાટનગર છે. 1871થી તે મ્યુનિસિપલ દરજ્જો ધરાવે છે. શહેરનો ઉજ્જયંત મહેલ દર્શનીય છે. ત્યાં ત્રિપુરા રાજ્યની વિધાનસભા બેસે છે.

હેમન્તકુમાર શાહ