અગથિયો : દ્વિદળી વર્ગના ફૅબેસી કુળમાં આવેલા પૅપિલિયોનોઇડી ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesbania grandiflora (L.) Pers. (સં. अगस्त्य, अगस्ति; હિં. अगस्ता, अगथिया; મ. અગસ્થા; બં. બક; અં. સૅસ્બેન.) છે. પાનરવો, કેસૂડો, ગ્લાયરીસીડીઆ તેનાં કુટુંબી વૃક્ષો. નરમ, પોચા, બટકણા, હલકા લાકડાવાળું વૃક્ષ. 8થી 10 મી. ઊંચાઈ. તેનું સંયુક્ત પર્ણ 15થી 30 જોડમાં પર્ણિકાઓ ધરાવે. પુષ્પોની કલગી (raceme) પર્ણના કક્ષમાં. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ફૂટતાં પુષ્પો આછાં, પીળાં અને આકર્ષક. શીંગ આછી, ચાર ખૂણાવાળી. ઘણાં બીજોપાંગવાળાં બીજ.
તેનું ઝાડ ઝડપથી ઊગે છે. ખાસ કરીને બગીચા તરીકે કેળવેલી ફળદ્રુપ જમીનની કિનારી પર ઊગે છે. ફૂલફળનો શાક તરીકે ઉપયોગ થાય છે. પાન ભાજી તરીકે આદિવાસીઓ વાપરે છે. ઢોરના ચારા તરીકે પણ ઉપયોગી છે. છાલના રેસામાંથી નાજુક દોરડીઓ બને છે. આયુર્વેદમાં રતાંધળાપણું અને ચોથિયા તાવમાં દવા તરીકે પણ ખાસ ઉપયોગ થાય છે. વૃક્ષની જિંદગી વધુમાં વધુ 8થી 10 વર્ષ. તે દરમિયાન બળતણ આપ્યા જ કરે. વરાહમિહિરે ભૂગર્ભજળ સંકેત આપતી વનસ્પતિ તરીકે અગથિયાનો ઉલ્લેખ કરેલો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળતી તેની પાંચ જાતિઓનાં પુષ્પોના સફેદ, લાલ, ઘેરા પીળા, કાળા સફેદ, આછા પીળા એમ વિવિધ રંગ હોય છે. ફાધર સાન્તાપાઉએ તેની કાંટા વિનાની જાત [S. cannabina (Retz) Pers.] સૌરાષ્ટ્રમાંથી શોધી. નીંદામણની જાત [S. bispinosa (Jacq), W. F. Wight.]; ડાંગ જિલ્લામાં S. javanica Miq નામની જાત પ્રચલિત છે. S. sesban (L.) Merr. એ જાત ક્વચિત જ વવાય છે.
શોભન વસાણી
મ. દી. વસાવડા
સરોજા કોલાપ્પન