અગત્યના વાયુઓ

January, 2023

અગત્યના વાયુઓ : નાઇટ્રોજન (N2)  હવામાં તે 78.06% રહેલો છે. આ નિષ્ક્રિય વાયુ છે. વાતાવરણમાં હોવાથી પ્રાણવાયુ (ઑક્સિજન)ની દાહક અસર ઓછી થાય છે. પ્રોટીનનિર્માણ માટે આ મહત્ત્વનું તત્ત્વ છે. તેમાંથી અનેક પ્રકારનાં રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. પ્રાણીઓને પ્રોટીનવાળા ખોરાકમાંથી જરૂરી નાઇટ્રોજન મળી રહે છે. શીતક તરીકે પણ તે ઉપયોગી વાયુ છે.

પ્રાણવાયુ (ઑક્સિજન : O2) : વાતાવરણમાં તેનું પ્રમાણ 20.96% છે. તે દહનક્રિયા માટે જરૂરી છે. સજીવસૃષ્ટિમાં પ્રાણીઓ અને વનસ્પતિઓના શ્વાસોચ્છ્વાસ માટે તે જરૂરી છે. તેના વગર જીવન શક્ય નથી. તે દહનપોષક છે.

અંગારવાયુ (કાર્બનડાયૉક્સાઇડ : CO2) : વાતાવરણમાં તેનું પ્રમાણ 0.04% જેટલું છે. તે હવા કરતાં સહેજ ભારે અને પાણીમાં દ્રાવ્ય છે. પદાર્થના દહનથી આ વાયુ ઉત્પન્ન થાય છે. આગ ઓલવવામાં આ વાયુ ઉપયોગી છે. ઠંડાં પીણાં બનાવવામાં આ વાયુનો ઉપયોગ થાય છે. આ વાયુ નીચા તાપામને ઘન સ્વરૂપમાં ફેરવાય છે. તે ‘સૂકો બરફ’ (dry ice) તરીકે ઓળખાય છે.

કાર્બનમોનોક્સાઇડ (CO) : આ ખરાબ વાસવાળો અને સળગે તેવો વાયુ છે. હવામાં સળગીને તેનાથી કાર્બનડાયૉક્સાઇડ બને છે. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ તથા લાકડાં, કોલસાં જેવા ઇંધણોનાં દહનથી આ વાયુ ઉત્પન્ન થાય છે. આ ખૂબ ઝેરી વાયુ છે.

ક્લોરિન (Cl2) : આ લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે. તેની ગંધ તીવ્ર અને ગૂંગળામણ કરનારી છે. આ અતિ સક્રિય વાયુ પાણીમાં દ્રાવ્ય છે. તે જંતુનાશક છે. પીવાના પાણીને જીવાણુમુક્ત કરવા માટે તેમાં ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે. તે તીવ્ર રંગહારક છે. બ્લિચિંગ પાઉડર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

હાઇડ્રોજન (H2) : સઘળાં તત્ત્વોમાં સૌથી ઓછું વજન ધરાવતું આ તત્ત્વ હવા કરતાં પણ હલકું છે. તે સળગી ઊઠે તેવો વાયુ છે. હવા સાથે ભળવાથી તે વિસ્ફોટ સાથે સળગે છે. વનસ્પતિ ઘી બનાવવામાં તે ઉપયોગી છે.

સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) : આ વાયુ ગળામાં બળતરા કરનારો તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. તે હવા કરતાં ભારે છે. તે પાણીમાં દ્રાવ્ય થઈ સલ્યુરસ ઍસિડ બનાવે છે. તે મંદ રંગહારક છે. સલ્યુરિક ઍસિડ જેવું ઉદ્યોગો માટે અગત્યનું રસાયણ બનાવવા માટે ઉપયોગી છે. વાતાવરણમાં તેની હાજરીથી ઍસિડ વર્ષાની સમસ્યા સર્જાય છે.

કિશોર પંડ્યા