અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે. આ ધરીરૂપ પાત્ર કંચનબાની આસપાસ જ રચનાનો ફટાટોપ રચાય છે. પછી એ કથા એક સ્ત્રીની રહીને પણ સમગ્ર સંસારની બની રહે છે; એમાં અનેક પાત્રો, પરિવેશો, ભૂભાગો ઉમેરાતાં કંચનબાનું પાત્ર પ્રતીકની કક્ષાએ પહોંચે છે.
હિન્દુસ્તાન–પાકિસ્તાન અલગ થતાં બે કોમની જે નાસભાગ શરૂ થઈ, એને કારણે માનવતાનું હનન કરનારી ઘટનાઓનો જે સિલસિલો ચાલ્યો અને એ કારણે સ્ત્રીઓને જે રીતે નર્કાગારમાં ધકેલાવું પડ્યું, જીવન સામે પ્રતિક્ષણે લડવું પડ્યું, એ સર્વનું અહીં વેદનાસભર નિરૂપણ છે. સૌરાષ્ટ્રના જસાપર ગામેથી કૃતિનો આરંભ થાય છે અને ક્રમશ: પછી તે કરાંચી, જસાપર, અમદાવાદ, કંપાલા તેમજ લંડન સુધી પહોંચી જસાપર ઉપર આવીને વિરામ પામે છે. કહો કે ઘરથી ઘર સુધીની આ કથામાં વચ્ચે સંઘર્ષોનો, વેદનાઓનો, શારી નાખે તેવા પ્રસંગોનો એક પટ વિસ્તરેલો છે. લેખિકાએ અહીં રચનાના નાનામાં નાના અંશની સાભિપ્રાયતા સિદ્ધ કરી આપી છે. માણસની ધારણા બહારનું, માણસ મૂળસોતો જ ઊખડી જાય એવું, અહીં કેટકેટલું બને છે ! રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનારી લલિતા સાથે પુત્રી જયા ભાગી જતાં સસરા દેવશંકર મગજ ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે. મેયરની પુત્રવધૂને ભરીભાદરી ‘દેવવિલા’ હવેલી તજવી પડે છે. હુલ્લડમાં પુત્ર ગૌતમ હોમાઈ જાય છે. પતિથી વિખૂટા પડવાનું નસીબે આવી પડે છે. માનસિક સમતુલા ગુમાવી દેનાર દેવશંકર સ્ટીમરમાં ભારત આવી રહ્યા છે ત્યારે તે દરિયામાં પડી જતાં મૃત્યુ પામે છે. નિરાશ્રિતોની છાવણીઓમાં સ્ત્રીઓને બળાત્કારનો ભોગ બનવું પડે છે. કંચનબા વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સતત ફંગોળાયા કરે છે. વીતી ગયેલા જસાપરામાં બદલાઈ ગયેલા વાતાવરણથી તે રૂંધામણ અનુભવે છે. પેલી બાળપણની સખીઓ નથી, સંબંધીઓ અને હરિપ્રિયા નથી, તો મોટા દીકરા ચંદ્રકાન્તને ઘેર સુખચેનથી રહેવાને બદલે કંચનબાને પિયર આવવું વધુ ગમ્યું તે નિર્ણય, કાર્તિકના પિતા વિશેની સાશંકતા વગેરે અનેક પ્રસંગો–અંશો આ રચનાને બહુ-પરિમાણી બતાવે છે. કાયમ માટે સાથે રહેતું ‘છાલિયું’ વસ્તુત: તો કંચનબાના સ્વાભિમાનનું અને સ્વ-પુરુષાર્થનું જ પ્રતીક બની રહે છે. સત્યકામ જાબાલની પુરાણ ખ્યાત કથાનો અમૃતના વંશજ સંદર્ભે થયેલો વિશિષ્ટ પ્રયોગ અને એવી અન્ય રચના-રીતિઓનો વિનિયોગ ભાગલા વખતનો સંનદ્ધ પરિવેશ, સહજ રૂપે આકારાતાં, ઝબકી જતાં, જગવી જતાં ચરિત્રો, કલ્પન–પુરાકલ્પનનો કળાકીય ઉપયોગ આ કૃતિને કળાકૃતિનું ગૌરવ આપી રહે છે. નારીકેન્દ્રી આ નવલકથાનું મુખ્ય પાત્ર કંચનબા છેવટે જીવનની સાચી દિશા અને શ્રદ્ધામૂલક નવ્ય શક્તિ પામીને વિનાશક ખંડેરોને પાછળ છોડી આશાના સમ ઉપર અટકે છે.
કૃતિને 2003નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદનો – એમ બે પુરસ્કારો મળ્યા છે.
પ્રવીણ દરજી