અખબાર
સાંપ્રત સમાચાર પ્રસારિત કરતું છાપેલું સાધન. ‘અખબાર’ અરબી શબ્દ ‘ખબર’નું બહુવચન છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં ‘છાપું’ કહેવાય છે. સમાચાર અથવા ખબરને ‘વર્તમાન’ કહેવાય છે તેથી છાપેલા સમાચારને ‘વર્તમાન-પત્ર’ કહેવામાં આવે છે.
સમાચાર અને કાગળ પર તે છાપેલા હોય, એ બે શરત અખબારમાં અંતર્હિત છે. અખબારનો પાયાનો ઉદ્દેશ સમાજને દુનિયાની નવાજૂનીની માહિતી, માર્ગદર્શન તથા મનોરંજન આપવાનો છે.
મુદ્રણની શોધ લગભગ સાડાપાંચસો વર્ષ પહેલાં થઈ એ પછી અખબારનો જન્મ થયો; પરંતુ છાપ્યા વગર ખબર પ્રસરાવવાની વ્યવસ્થાઓ મધ્યયુગની પહેલાં પણ હતી. રોમન શહેનશાહો તેમની આજ્ઞાઓ અને ઢંઢેરા લખી-લખાવીને બજારોમાં મૂકતા હતા. મધ્યયુગમાં વેપારીઓ તથા રાજાઓ કાસદ દ્વારા સમાચારની આપલે કરતા હતા.
સત્તરમી સદીના બીજા દાયકામાં સમાચાર છાપીને વેચવાનો ઉદ્યોગ શરૂ થયો. મોટે ભાગે કર્ણોપકર્ણ આવેલી વિવિધ માહિતી, બાતમી વગેરેની તળપદી વહી આજના અખબારની પૂર્વજ હતી. યુરોપમાં તેને ‘કોરાન્ટો’ (સમાચારોનો પ્રવાહ) નામ મળ્યું. તે વ્યવસ્થિત અખબાર નહિ, પણ પંચરાઉ સમાચારના છાપેલા કાગળ હતા.
સમાચાર મેળવીને, છાપીને વેચવાનું વ્યવસ્થિત બનવા સાથે ‘કોરાન્ટો’એ અખબારનું સ્વરૂપ પકડ્યું. બ્રિટનમાં પહેલું અખબાર ‘વીકલી ન્યૂસ’ નામનું અઠવાડિક ઈ. સ. 1622માં નેથાનીઅલ બટર નામના પત્રકારે સ્થાપ્યું. બ્રિટનનું પ્રથમ દૈનિક ‘ધી ડેઇલી કોરાન્ટો’ ઈ. સ. 1702માં પ્રગટ થયું.
ઘેર બેસી રહેતા લોકોને દુનિયાની નવાજૂની જાણવાની તલબ હોય છે એ જાણીને તેમને છાપેલા સમાચાર નિયમિત પૂરા પાડવાનો ઉદ્યોગ અમેરિકામાં કેની બેન્જામિન હેરીસ નામના ખબરપત્રીને સૂઝતાં તેમણે અમેરિકાનું પ્રથમ અખબાર ”પબ્લિક અકરન્સીઝ બોથ ફોરીન ઍન્ડ ડુમેસ્ટિક” ઈ. સ. 1690માં બોસ્ટન શહેરમાંથી પ્રગટ કર્યું હતું.
હિંદુસ્તાનમાં બ્રિટિશ સરકારની સ્થાપના પહેલાં ટપાલની વ્યવસ્થા અત્યારના જેવી ન હતી. વેપાર-રોજગાર, સામાજિક, સરકારી તેમજ અંગત સમાચારનો વિનિમય કાસદ કે ખેપિયા વડે કરવામાં આવતો. સમાચાર કે સંદેશાના હસ્તલિખિત કાગળોની હેરફેર ખેપિયા કરતા. લડાઈઓ અને કુદરતી આપત્તિઓના ખબર, વેપાર અંગે માહિતી તથા સગાંસંબંધીના અંગત સંદેશા જેમને મળે તેઓ તે સમાજને આપતા. અંગ્રેજ હકૂમતમાં પણ અગત્યની સરકારી જાહેરાતો દાંડિયા કે જાહેર સ્થળોએ કરવામાં આવતી. ચીજવસ્તુઓ લાવવા – લઈ જવા માટે આંગડિયા હતા, હજીય છે.
અખબાર, છાપખાનું અને બીબાં (ટાઇપ) પશ્ચિમમાંથી હિંદુસ્તાનમાં ઈ. સ. 1556 પછી આવ્યાં છે. પોર્ટુગીઝ પોતાની સાથે રોમન લિપિમાં ટાઇપ તથા છાપવાનાં યંત્ર અહીં લાવ્યા. સોળમા સૈકામાં પોર્ટુગીઝ રાજધાની ગોવામાં કેટલાંક પુસ્તકો લાકડાના ટાઇપમાં છપાયેલાં મળ્યાં છે, પણ જે કોઈ પ્રકારનું તે છાપકામ હશે તે સ્થાનિક અને માત્ર ધર્મવિષયક રહ્યું. પોર્ટુગીઝ સત્તાના અસ્ત સાથે નવજાત મુદ્રણકલા પણ ચાલી ગઈ.
હિંદુસ્તાનમાં બીબાં, છાપકામ તથા અખબારની શરૂઆત વચ્ચે સીધો સંબંધ છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાયા પછી રોમન લિપિમાં ‘ટાઇપ’ તથા છાપવાનાં યંત્રો બ્રિટનમાંથી હિંદુસ્તાનમાં આયાત થયેલાં, પરંતુ તેનો ઉપયોગ વર્તમાનપત્ર છાપવા માટે થતો ન હતો; માત્ર સરકારી સાહિત્ય અને કોઈક પુસ્તક માટે થતો હતો.
બ્રિટનથી આયાત કરેલા છાપખાનામાં વર્તમાનપત્ર છાપવાની શરૂઆત અઢારમી સદીના અંતભાગમાં થઈ. જેમ્સ ઑગસ્ટસ હીકી નામના અંગ્રેજે કોલકાતામાં પોતાના છાપખાનામાંથી ‘બેંગાલ ગેઝેટ ઑર કલકત્તા જનરલ ઍડ્વર્ટાઇઝર’ નામનું અંગ્રેજીભાષી વર્તમાનપત્ર ઈ. સ. 1780માં પ્રગટ કર્યું. હિંદુસ્તાનનું એ પ્રથમ અખબાર હતું. આવાં અંગ્રેજી અખબાર ત્યારપછી મદ્રાસ (ચેન્નાઇ) તથા મુંબઈમાંથી પણ પ્રગટ થયાં.
ગુજરાતી લિપિમાં કોઈક ‘ટાઇપ’ પાડે તો છાપી શકાય; પરંતુ બ્રિટનમાં કોઈ એ માટે તૈયાર ન હતું. મુંબઈમાં અંગ્રેજીભાષી છાપાં પોતાનાં મુદ્રણ તથા છાપકામ કરતાં. છાપવાની શાહીમાં ચરબી હોય છે એવી વાત ફેલાયા પછી ગુજરાતી હિંદુ એ કામથી દૂર રહેતા. તેમને ગુજરાતી લિપિનાં બીબાં બનાવવામાં પણ રસ ન હતો.
જીજીભાઈ બહેરામજી છાપગર નામના એક પારસી ગૃહસ્થ એક અંગ્રેજના ‘બૉમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારમાં મુદ્રણ છાપકામના કારીગર હતા. તેમણે ઈ. સ. 1797માં સીસાના ગુજરાતી ટાઇપ ઘડ્યા. હાથના લખાણ કરતાં તેના મરોડ જુદા પ્રકારના હોવાથી તેને ‘મહાજન લિપિ’ નામ મળ્યું. એ ટાઇપમાં મુદ્રિત કરેલી પ્રથમ ગુજરાતી જાહેરખબર ‘બૉમ્બે કુરિયર’માં ઈ. સ. 1797માં પ્રગટ થઈ, જે એક સરકારી જાહેરનામું હતું. સમય જવા સાથે વેપાર-વિષયક તથા ખાનગી જાહેરખબર પણ ‘બૉમ્બે કુરિયર’માં પ્રગટ થવા લાગી. તે પછી ગુજરાતી ભાષામાં નાનાં ચોપાનિયાં છપાયાં. હવે જરૂર હતી ગુજરાતી બીબાં સાથે છાપવાના યંત્રથી સજ્જ અને ગુજરાતી માલિકીના સંપૂર્ણ પ્રિન્ટિંગ પ્રેસની.
ફરદૂનજી મર્ઝબાને ગુજરાતી ટાઇપ સાથેનું અને ગુજરાતી માલિકીનું પ્રથમ છાપખાનું ઈ. સ. 1812માં મુંબઈમાં સ્થાપ્યું હતું. તેનું નામ ‘શ્રી સમાચાર પ્રેસ’ રાખ્યું. તેમાં પરચૂરણ જૉબકામ ઉપરાંત ઈ. સ. 1814માં પ્રથમ પંચાંગ ગુજરાતીમાં છાપીને પ્રગટ કર્યું.
ગુજરાતી ભાષામાં તેમજ ગુજરાતનું પ્રથમ વર્તમાનપત્ર ‘શ્રી મુંમબાઈના સમાચાર’ ફરદુનજી મર્ઝબાને મુંબઈ સરકારની પરવાનગી લઈને 1લી જુલાઈ 1822ના દિવસે પ્રગટ કર્યું. તે અઠવાડિક પત્ર હતું. તેનાં પાનાં 8” × 12”ના કદનાં હતાં. બે કૉલમનું એક પાનું એવાં ચાર પાનાં હતાં. મર્ઝબાન અંગ્રેજી અખબારો પરથી સંપાદનની પદ્ધતિ શીખેલા. ગુજરાતી ભાષામાં આ પ્રથમ અખબારી સાહસને પ્રોત્સાહન ખાતર પચાસ નકલોના વાર્ષિક લવાજમના રૂ. 1200 અપાયેલા.
આ અઠવાડિકને સારો આવકાર મળ્યો; તેનો ફેલાવો મુંબઈથી મધ્યગુજરાત સુધી થયો. મર્ઝબાને એમના અઠવાડિકને તા. 3 જાન્યુઆરી 1832ના રોજ ‘મુંબઈ સમાચાર’ નામના દૈનિકમાં ફેરવી નાખ્યું. ગુજરાતી માલિકીનું અને સીસાના ટાઇપ સાથે પોતાના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈને પ્રગટ થયેલું એ પહેલું ગુજરાતી દૈનિક અખબાર હતું.
ગુજરાતી ટાઇપ સાથેના પ્રિન્ટિંગ પ્રેસની રાહ જોયા વગર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હવે ગુજરાત વિદ્યાસભા)એ અમદાવાદમાંથી ‘વરતમાન’ નામનું અઠવાડિક ઈ. સ. 1849માં પ્રગટ કર્યું. લીસા પથ્થરની પાટ પર શાહીથી હાથે લખીને તેની છાપ કાગળ પર લેવામાં આવતી. તેથી તેવા છાપખાનાને ‘શિલા પ્રેસ’ નામ મળ્યું. તે પછી તે જ સંસ્થાનું ‘બુદ્ધિપ્રકાશ’ ઈ. સ. 1850માં પ્રગટ થયું. તેનું છાપકામ સીસાના ટાઇપવાળા મુદ્રણવાળા છાપખાનામાં ઈ. સ. 1864થી થયું.
ઓગણીસમી સદીના આઠમા દાયકા સુધીમાં મુંબઈ ઇલાકામાં ગુજરાતી છાપખાનાંની સંખ્યા 78 હતી, અને ગુજરાતી વર્તમાનપત્રોની સંખ્યા 94 હતી.
યુરોપ તથા અમેરિકામાં અખબાર કાઢવાનો ઉદ્દેશ વેપાર-રોજગાર, સામાજિક-ધાર્મિક બનાવ, લડાઈઓ તથા રાજકીય હલચલ, ગામગપાટા, કુદરતી આપત્તિના સમાચાર અને પરચૂરણ માહિતી પ્રગટ કરવાનો હતો.
હિંદુસ્તાનમાં અખબારના બે મુખ્ય ઉદ્દેશ શરૂઆતમાં હતા : (1) દેશની અંદરના વેપાર-રોજગારના સમાચાર તથા વિદેશ સાથેના વેપારની અને વહાણોની આવજાની વિગતો પ્રગટ કરવી. (2) અઢારમી અને ઓગણીસમી સદીમાં ધાર્મિક-સામાજિક સુધારાવાદીઓ અને રૂઢિચુસ્તો વચ્ચેના વિવાદને ફેલાવવો. અખબારો માત્ર તેના સમાચાર પ્રગટ કરીને સંતોષ માનવાને બદલે પક્ષકાર બનીને તેમાં સીધો ભાગ પણ લેતાં.
ગુજરાતમાં સ્વદેશી તેમજ વિદેશો સાથેનો વેપાર તથા સુધારાવાદી ચળવળો પછી તરત રાષ્ટ્રીય જાગૃતિનું મોજું આવતાં અખબારો આઝાદી માટેનાં આંદોલનોના સમાચારનું મુખ્ય વાહન બન્યાં. એમાં પણ સમાચાર, અભિપ્રાય, ઉપદેશ તથા પ્રચારનું મિશ્રણ રહેતું.
વીસમી સદીમાં સંદેશાવ્યવહારનાં સાધનો, મુદ્રણ અને છાપકામ તથા હેરફેર માટે વાહન-વ્યવહારમાં ક્રાંતિકારી શોધખોળો થવાથી અખબારોનાં રૂપરંગ, સામગ્રી, ફેલાવો અને તેમના મહત્ત્વમાં અકલ્પ્ય ફેરફાર થયા છે. અખબાર હવે દુનિયાને ચલાવતું અગ્રેસર બળ છે. અખબાર એટલે સમાચાર આપતો છાપેલો કાગળ એ વ્યાખ્યા વીસમી સદીમાં ટૂંકી પડે છે.
દરેક દેશની ટૅક્નૉલૉજી પ્રમાણે અખબાર તૈયાર થાય છે. પછાત તથા ગરીબ દેશોમાં હાથ વડે બેસાડેલા ટાઇપનું મુદ્રણ ટ્રેડલ કે સિલિન્ડર મશીન પર છાપીને અખબાર તૈયાર કરવામાં આવે છે. વધારે સુધરેલા દેશોમાં આવાં અખબાર ઉપરાંત યાંત્રિક મુદ્રણથી – મૉનોટાઇપ તથા લાઇનોટાઇપમાં રોટરી મશીનો પર છપાઈને અખબારો તૈયાર થાય છે.
બહુ આગળ વધેલા દેશોમાં કમ્પ્યૂટર તથા ઑફસેટ યંત્રો વગેરે દ્વારા અનેક રંગોમાં છપાઈને અખબારો બહાર પડે છે. અખબારોનું એક વર્ગીકરણ પ્રકાશનના સમયગાળા પ્રમાણે થાય છે. તેથી અખબારને ‘સામયિક’ કહે છે. તે પ્રમાણે ચોવીસ કલાકમાં એક વખત પ્રગટ થતા અખબારને દૈનિક, અઠવાડિયામાં બે વખત પ્રગટ થનારને અર્ધસાપ્તાહિક કહેવામાં આવે છે. અને એ રીતે પછી સમયને અનુલક્ષીને સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક તથા વાર્ષિક એમ અખબારો ઓળખાય છે.
ઈ. સ. 1914માં પ્રથમ મહાયુદ્ધમાં બનાવો ઝડપથી બનવા લાગ્યા તેથી દૈનિકોએ ચોવીસ કલાકમાં પણ અનેક આવૃત્તિ બહાર પાડવા માંડી, જે પ્રગતિશીલ દેશોમાં કાયમી પ્રથા બની છે. આ ઉપરાંત મોટાં દૈનિકો સ્થાનિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય આવૃત્તિઓ પણ પ્રગટ કરે છે.
અખબારની પ્રગતિ અને તેનાં રૂપરંગ, પ્રકાશન વગેરેમાં પરિવર્તનનો આધાર નીચેની બાબતો પર રહે છે :
(ક) (1) મુદ્રણ તથા છાપકામનાં સાધન; (2) ખેપિયો, ટપાલ, તાર, ટેલિફોન, વાયરલેસ તથા ઉપગ્રહ વગેરે સંદેશાવ્યવહારનાં સાધન; (3) અખબારની વહેંચણી માટે વાહનવ્યવસ્થા ટ્રેન, મોટર, વિમાન વગેરે.
(ખ) વાચકવર્ગમાં શિક્ષણનો ફેલાવો તથા તેની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક પ્રગતિ અને રુચિ. વાચકવર્ગની આવક તથા તેની ફુરસદનો સમય.
(ગ) દેશની રાજ્યવ્યવસ્થા : લોકશાહીમાં અખબારો ખીલે છે અને વાચકોને એકએકથી ચઢિયાતી સામગ્રી આપે છે. વસ્તુત: લોકશાહીનો એક મજબૂત પાયો અખબાર ગણાય છે. એટલે અખબારી સ્વાતંત્ર્ય લોકશાહી પદ્ધતિનો પ્રાણવાયુ છે. લોકોના પ્રશ્ર્નો પ્રત્યે સત્તાધારીઓનું ધ્યાન દોરવાનું, તેમની ટીકા કરવાનું અને પ્રજાને જાગ્રત રાખી લોકમત કેળવવાનું સ્વાતંત્ર્ય લોકશાહી રાજ્યતંત્રમાં અખબારને મળે છે. (વધુ વિગતો માટે જુઓ લોકશાહી.) સરમુખત્યારશાહીમાં અખબારોની સંખ્યા ઓછી રહે છે, તેમનો અવાજ ગૂંગળાય છે અને અખબારી પ્રવૃત્તિ અંકુશિત હોવાથી તેનો વિકાસ મંદ રહે છે.
છાપકામ તથા સંદેશાવ્યવહારમાં ઉપરાઉપરી ક્રાંતિ થવાથી સમાચાર-પ્રસારણના સાધન તરીકે કાગળ પર છાપેલા અખબારનો ઇજારો નાશ પામ્યો છે અને દૈનિક તરીકેનું સામયિકપણું પણ રહ્યું નથી.
રેડિયોની શોધ ઈ. સ. 1895માં થઈ અને વીસમી સદીના બીજા દાયકામાં રેડિયો દ્વારા સમાચારનું પ્રસારણ શરૂ થઈ ગયું ત્યારથી છાપાં વગર પણ સમાચાર મળવા લાગ્યા.
ત્રીસના દાયકામાં યુરોપ–અમેરિકામાં ટેલિવિઝન આવતાં તેનો ઉપયોગ પણ સમાચારના પ્રસારણ માટે શરૂ થયો. અખબારને પ્રિન્ટિંગ પ્રેસ તથા કાગળ સાથે અતૂટ સંબંધ હતો અને પ્રજામાં શિક્ષિતોની ટકાવારી સાથે પણ સીધો સંબંધ હતો. રેડિયો–ટી.વી.એ અખબારના તે ત્રણેય પાયા તોડી નાખ્યા છે અને દૈનિકની સમયવ્યવસ્થા પણ રહી નથી. અખબારની વહેંચણી માટેની વાહન-વ્યવસ્થાનું મહત્ત્વ ઘટી ગયું છે. અભણ વ્યક્તિને પણ ઘેર બેઠા, દિવસમાં અનેક વખત દુનિયાભરના સમાચાર મળી શકે છે.
આમ છતાં સમાચાર-પ્રસારણના સાધન તરીકે અખબારનું પ્રભુત્વ તેના બે હરીફ સામે ટકી રહ્યું છે. દેશેદેશમાં હજારો અખબાર – મુખ્યત્વે દૈનિક — પ્રગટ થાય છે. દુનિયામાં સમૃદ્ધ દૈનિકોની સંખ્યા 10 હજારથી વધુ છે; તેમનો ફેલાવો 45 કરોડ નકલનો છે.
ટ્રાન્ઝિસ્ટર તથા સંકલિત પરિપથ(integrated circuits)ની શોધ પછી રેડિયો અને ટી.વી.ની સંખ્યા અખબારોનાં કરતાં અનેકગણી વધી ગઈ છે. અખબારને દેશોની ભૌગોલિક સીમાઓ નડે છે, જ્યારે રેડિયો-ટી.વી.એ તે સીમાઓ તોડી છે. રેડિયો તથા ટી.વી. સામે અખબાર ધીમું અને મોંઘું છતાં વાચકને અનેક રીતે સંતોષ આપવાની તેની કાબેલિયતથી ટકી રહ્યું છે.
વાચકના સમય અને ખિસ્સાના કદ પ્રમાણે આજનાં અખબાર નાનાં-મોટાં એવાં અનેક કદમાં અને એક પાનાથી માંડીને સાઠ કે તેથી વધુ પાનાંના અંકમાં નીકળે છે; વાચકોની રુચિ પ્રમાણે સમાચારસામગ્રી, ચિત્રો, લેખો, મથાળાં વગેરે આપે છે; નયનરમ્ય રંગોમાં તે બધી સામગ્રી ગોઠવે છે.
અખબાર સમાચારની સાથે વિવિધ વય અને વિવિધ રુચિના વાચકોને ઉપયોગી વાચન આકર્ષક શૈલીમાં નિયમિત આપે છે. સ્ત્રીઓ, બાળકો, વિદ્યાર્થી, ખેલાડી, કલાકાર વગેરે માટે તાજું તથા માહિતીપ્રદ વાચન અખબારમાં સમાચારના જેટલી જગ્યા રોકે છે.
વાચકને લેવા–વેચવા માટે બજારમાં ન જવું પડે તે રીતે જાહેરખબરો પણ અખબારો પ્રગટ કરે છે. આવકની દૃષ્ટિએ જાહેરખબર અખબારનું અડધું અંગ છે. દૈનિકના દરેક અંકમાં તે વીસથી પચાસ ટકા જગ્યા રોકે છે અને આવકમાં અખબારના વેચાણની આવક કરતાં જાહેર-ખબરની આવક વધી જાય છે.
અખબાર પ્રગટ કરવા માટે તેનું નામ, પ્રકાશનનું સ્થળ તથા મુદ્રક, પ્રકાશક અને માલિકનાં નામ અને સરનામાં સરકારમાં નોંધાવવાં પડે છે. લોકશાહી દેશોમાં અખબારી સ્વાતંત્ર્ય હોય છે. જોકે તેના પર થોડાંક વાજબી નિયંત્રણ, સમાજ અને નાગરિકોના હકની રક્ષા માટે સરકાર મૂકે છે. આવા દેશોમાં ગમે તે માહિતી મેળવવાના અખબારના હક્કો સરકારે માન્ય રાખ્યો છે. સરમુખત્યારશાહી દેશોમાં તમામ અખબારી સામગ્રીના પ્રકાશન પર સરકારી અંકુશ હોય છે. આવા કેટલાક દેશોમાં પત્રકારોની હિલચાલ, માહિતી મેળવવાનાં સાધનો તેમજ સમાચાર, લેખો, વાચકોના વિચાર તેમજ ક્યારેક જાહેરખબરના પ્રકાશન પર પણ નિયંત્રણ હોય છે.
અખબારોનું વર્ગીકરણ ભાષા, પાનાંનું કદ, જાહેર પ્રશ્નોમાં તેમની નીતિ અને અખબારની માલિકીના પ્રકાર પ્રમાણે થાય છે. આ ઉપરાંત ભારત સરકારે અખબારના ફેલાવા પ્રમાણે નાનાં, મધ્યમ, મોટાં – એમ તેમના વર્ગો પાડ્યા છે. સરકારે બીજું વર્ગીકરણ પ્રકાશનનાં કેન્દ્રોની વસ્તી પ્રમાણે કર્યું છે; જાહેરખબર તથા વેચાણની કુલ આવક પ્રમાણે પણ અખબારોના વર્ગ પાડ્યા છે.
અખબારોની માલિકીમાં ઇજારાશાહી રોકવા માટે ભારત સરકારે ત્રણ વર્ગ બનાવ્યા છે : (1) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનું એક અખબાર પ્રગટ થાય તેને એક વર્ગમાં મૂકેલ છે. (2) એક જ કેન્દ્રમાંથી એક જ માલિકીનાં એક કરતાં વધુ અખબાર પ્રગટ થાય તેને ‘ગ્રૂપ’ યાને ‘જૂથ’ નામ આપ્યું છે. (3) એક કરતાં વધુ કેન્દ્રોમાંથી એક જ માલિકીનાં અખબારો પ્રગટ થાય તેને ‘ચેઇન’ અથવા ‘શૃંખલા’ નામ અપાયું છે.
અખબારો છાપવા માટે ખાસ પ્રકારના કાગળ વપરાય છે, જેને ‘અખબારી કાગળ’ (ન્યૂઝપ્રિન્ટ) કહેવામાં આવે છે.
ઉપ-અખબારોનો વિશાળ અને વૈવિધ્યભર્યો સમૂહ વીસમી સદીમાં ઊભો થયો છે. ચોક્કસ વિષયો પર સમાચાર, ટીકા-ટિપ્પણ, માહિતી અને માર્ગદર્શન આપતાં ચોપાનિયાં મર્યાદિત ફેલાવા માટે પ્રગટ થાય છે. તેને સમાચાર-પત્રિકા(news letter)નું નામ મળ્યું છે. મોટી સંસ્થાઓ પોતાના ગ્રાહકો તથા કર્મચારીઓ માટે સંસ્થા-પત્રિકાઓ પ્રગટ કરે છે તેને ‘ગૃહ-પત્ર’ (house journal) નામ મળ્યું છે.
અખબારી પ્રકાશનસંસ્થાના વિભાગો : અખબારી ઉદ્યોગની કેટલીક વિશેષતાઓ છે. એની કચેરીને લગભગ 24 કલાક કામગીરી બજાવવી પડે છે. રોજ સવારે સમયસર અખબાર પ્રસિદ્ધ કરવું પડે છે. ટૅક્નૉલૉજીની દૃષ્ટિએ એટલી ઝડપથી પ્રગતિ થાય છે કે આજે એ મોટો ઉદ્યોગ બન્યો છે. તેથી આ ઉદ્યોગનાં વિવિધ ખાતાં વચ્ચે સંકલન અને સહકાર સતત જળવાઈ રહે એ આવશ્યક છે.
મૂડી : અદ્યતન દૈનિક અખબાર શરૂ કરવા માટે મોટી મૂડી આવશ્યક છે. એની અદ્યતન યંત્રસામગ્રી માટે લાખો રૂપિયા જોઈએ. અખબારી વ્યવસાયમાં મૂડીનું રોકાણ આ રીતે થાય છે : (1) વ્યક્તિગત મૂડી : નાનું અખબાર વ્યક્તિગત મૂડીથી શરૂ કરી શકાય. પોતાની માલિકીની યંત્રસામગ્રી ખરીદ્યા સિવાય બહારના પ્રિન્ટિંગ પ્રેસમાં અખબાર છપાવીને પ્રસિદ્ધ કરી શકાય; પરંતુ અખબારને સમૃદ્ધ કરવું હોય તો પોતાની યંત્રસામગ્રી વસાવવી પડે. (2) પ્રાઇવેટ લિમિટેડ : પ્રાઇવેટ લિમિટેડ કંપની ઊભી કરીને જરૂરી મૂડી ઊભી કરી શકાય. (3) મોટા અને માતબર અખબાર માટે વધારે મૂડીની આવશ્યકતા રહે. એ માટે જાહેર લિમિટેડ કંપની દ્વારા શેરો બહાર પાડીને મૂડી ઊભી કરી શકાય. (4) જાહેર ટ્રસ્ટ પાસે પૂરતી મૂડી હોય તો એ પણ અખબાર કાઢી શકે. (5) રાજકીય પક્ષ અગર તો રાજકીય પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિઓની મૂડીથી અખબાર ચાલી શકે. ટેક્નૉલૉજીના ઝડપી વિકાસ સાથે નવી નવી યંત્રસામગ્રી તેમજ ઉત્પાદનખર્ચના વધારા સાથે મોટી મૂડીની આવશ્યકતા રહે છે. નવા અખબારને પૂરતા પ્રમાણમાં જાહેરખબરની આવક થતી ન હોવાથી એને નફાકારક બનાવવા માટે ઠીક ઠીક સમય સુધી રાહ જોવી પડે છે.
ફૅક્ટરી : અખબારી ઉદ્યોગને ફૅક્ટરીનો કાયદો તેમજ વ્યવસાયી પત્રકારનો ધારો લાગુ પડે છે. ફૅક્ટરીમાં વ્યવસ્થાપન (management), હિસાબી વગેરે ખાતાં હોય તેમ આ વ્યવસાયમાં પણ એ ખાતાં હોય છે. વ્યવસ્થાપન અખબાર માટે જરૂરી કાચો માલ, અખબારી કાગળો, કંપોઝ અને મશીન ખાતાં માટે જરૂરી યંત્રસામગ્રી મેળવવા માટેનું આયોજન, વિવિધ ખાતાં વચ્ચે સંકલન, કાયદા-કાનૂન અનુસાર ઑફિસનું સંચાલન, વિતરણ-વ્યવસ્થા, હિસાબ-ખાતું વગેરેનું સંચાલન કરે છે.
તંત્રીવિભાગ : અખબારી કચેરીનો આ મુખ્ય અને મહત્ત્વનો વિભાગ છે. અખબારની પ્રતિષ્ઠા અને ફેલાવાનો આધાર આ વિભાગ પર હોય છે. અખબાર રોજ સવારે પ્રસિદ્ધ થતું હોવાથી એની પરીક્ષા–કસોટી રોજ હજારો વાચકો કરતા હોય છે. પરિણામે એમાં કામ કરતા વ્યવસાયી પત્રકારો અને કટાર-લેખકોનાં અભ્યાસ અને સજ્જતા જેટલાં વિશેષ એટલી એની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા વધારે. આ વિભાગનું સંચાલન તંત્રી કરે છે. અખબારનાં નીતિ અને અભિગમ એના તંત્રી પર આધાર રાખે છે. ગુજરાતી અખબારોમાં બે પ્રકારના તંત્રીઓ છે : (1) અખબારના માલિક પોતે તંત્રી તરીકે કામ કરતા હોય. (2) વ્યવસાયી પત્રકાર તંત્રી તરીકે કામ કરતા હોય. આ બંને પ્રકારના તંત્રીપદમાં ગુણદોષ હોય છે. અખબારની સફળતા માટે વ્યવસાયના સંચાલનની કુશળતા જેટલી જરૂરી છે, તેટલી જ આવશ્યકતા પત્રકારની દૃષ્ટિ, સૂઝ, સજ્જતા અને નિષ્ઠાની છે. બંનેનો સુભગ સમન્વય હોય તો સોનામાં સુગંધ ભળ્યા જેવી સ્થિતિ થાય. તંત્રી ઉપરાંત સમાચાર-સંપાદકો, અનુવાદકો, વૃત્તાંતનિવેદકો, વેપાર-સમાચારના તંત્રી, કટારલેખકો, બહારગામના ખબરપત્રીઓ, પૂર્તિ-સંપાદકો, તસવીરકારો, વ્યંગચિત્રકારો (cartoonists), પ્રૂફ વાંચનારા વગેરે મળીને આખા અખબારને તૈયાર કરે છે. સમાચારો, લેખો, તસવીરો અને કાર્ટૂનની પસંદગી, ગોઠવણી (lay-out) અને મથાળાં તેમજ સફાઈદાર છપામણી પર અખબારના ઉઠાવનો ઘણો મદાર હોય છે. અલબત્ત, તેમાં મુદ્રણની ટૅક્નૉલૉજી સહાયભૂત થાય છે.
જાહેરખબર વિભાગ : અખબારની સમૃદ્ધિનો આધાર જાહેરખબરોની વિપુલતા પર છે. અલબત્ત, સરકારી જાહેરખબરો તો નાનાં-મોટાં બધાં અખબારોને વત્તાઓછા પ્રમાણમાં મળતી હોય છે; પરંતુ જાહેરખબરની પ્રાપ્તિ અને ભાવ અખબારના ફેલાવા સાથે સંકળાયેલ હોય છે. નવા અને નાના અખબાર તેમજ અલ્પ ફેલાવો ધરાવતા અખબારને જાહેરખબર મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે, જ્યારે વિપુલ ફેલાવો ધરાવતું અખબાર પ્રસંગોપાત્ત, જાહેરખબરના ભાવ વધારતું જાય તોપણ એને જાહેરખબરો મળતી રહે છે. સમાચાર અને જાહેરખબર વચ્ચે ચોક્કસ પ્રમાણ જળવાય એ જરૂરી છે. સમાચારના ભોગે જાહેરખબરને પ્રાધાન્ય આપવામાં આવે તો વિપુલ ફેલાવો ધરાવતા અખબારને પણ લાંબા ગાળે ફટકો પડે છે. અખબારને આર્થિક રીતે નિભાવવા માટે જાહેરખબરની આવશ્યકતા છે તેમ જાહેરખબર મેળવવા માટે અખબારનો ફેલાવો વધારવો જરૂરી છે. ફેલાવાનો આધાર તેના સમાચાર અને લેખન-સામગ્રી પર છે.
વિતરણ-વ્યવસ્થા : અખબાર પ્રસિદ્ધ થયા બાદ ઠેર ઠેર પથરાયેલા એના એજન્ટો દ્વારા ગ્રાહકો-વાચકોને સમયસર પહોંચાડવાની વ્યવસ્થા આ વિભાગે કરવાની હોય છે. નાના ગામમાં પાંચ નકલ જતી હોય કે મોટા નગરમાં પાંચ હજાર નકલો જતી હોય, એ પહોંચાડવાની આ વિભાગે રોજ વ્યવસ્થા કરવાની હોય છે. જે શહેરમાં અખબાર પ્રસિદ્ધ થતું હોય ત્યાં તો વહેલી સવારે ફેરિયાઓ દ્વારા વાચકોને અખબાર મળે છે. બહારગામ કે દૂરનાં સ્થળોએ વાહન, રેલવે કે વિમાન દ્વારા અખબારને પાર્સલથી મોકલવામાં આવે છે. મહદ્અંશે વહેલી સવારે વાચકના હાથમાં અખબાર પહોંચે અને બ્રશ કરતાં કરતાં કે ચા પીતાં પીતાં એ વાંચી શકે એ રીતે પાર્સલો રવાના કરવાની વ્યવસ્થા કરવાની હોય છે. એજન્ટોને સમયસર અને એમના ઑર્ડર પ્રમાણેની નકલો મળે અને તેમના હિસાબ-કિતાબ વ્યવસ્થિત રહે તે આ વિભાગે જોવાનું હોય છે.
મશીન વિભાગ : છેલ્લાં થોડાંક વર્ષોમાં કંપોઝ અને પ્રિન્ટિંગની ટૅક્નૉલૉજીમાં ત્વરિત પ્રગતિ થઈ છે. દૈનિક અખબારમાં વર્ષો પહેલાં ધાતુનાં બીબાં હાથથી ગોઠવીને લખાણ કંપોઝ કરવામાં આવતું હતું. એ વખતે કંપોઝ થયેલી ગૅલીઓ પાનામાં ગોઠવી અખબારનાં પાનાં તૈયાર કરી ફ્લૅટબૅક રોટરી મશીનમાં છાપીને એ પ્રસિદ્ધ કરવામાં આવતાં હતાં. ત્યારબાદ ’50ના દાયકામાં મૉનોટાઇપ, લાઇનોટાઇપ અને રોટરી મશીન આવ્યાં. છેલ્લે ’80ના દાયકામાં ફોટોકંપોઝ અને ઑફસેટ મશીન આવતાં ધાતુના બ્લૉક બનાવવાની જરૂર રહેતી નથી અને રંગ-બે-રંગી તસવીરો હૂબહૂ રીતે પ્રસિદ્ધ કરી શકાય છે. અત્યારે સમૃદ્ધ અખબારો આ પ્રકારની અદ્યતન યંત્રસામગ્રી વસાવે છે. સફાઈદાર છપામણીમાં આ યંત્રસામગ્રીનો મહત્ત્વનો ફાળો છે.
કમ્પ્યૂટર અર્થાત્ ફોટોકંપોઝ અને ઑફસેટ મશીનના સુમેળથી અખબાર-ઉદ્યોગ આજે આધુનિકતાના એક નવા જ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યો છે. નાનાં-મોટાં અખબાર-સામયિકોએ મુદ્રણકળાનાં નવાં નવાં સોપાન સર કર્યાં છે. તો બીજી બાજુ મોટાં અખબારી જૂથો મોડેમ તરીકે ઓળખાતી કમ્પ્યૂટરની અત્યાધુનિક ટૅક્નિકની મદદથી એકસાથે અનેક શહેરોમાંથી અખબાર પ્રકાશિત કરે છે. દેશની અંદર જ એકસાથે અનેક શહેરોમાંથી અખબાર પ્રકાશિત કરતાં જૂથ તો ઘણાં વર્ષથી અસ્તિત્વમાં છે, પરંતુ આ નવી પ્રક્રિયાનો લાભ લઈ 1994ના આરંભમાં ‘ધી એશિયન એજ’ નામનું અખબાર દિલ્હી, મુંબઈ, કૉલકાતા, બૅંગાલુરુ ઉપરાંત બ્રિટનની રાજધાની લંડનમાંથી પણ પ્રકાશિત થવાનું શરૂ થયું. આ અખબારને ભારતના સૌપ્રથમ આંતરખંડીય અખબાર તરીકે ઓળખાવી શકાય.
એકસાથે અનેક જગ્યાએથી અખબાર પ્રકાશિત કરવા માટે અગાઉ કહ્યું તેમ મોડેમ પદ્ધતિ સહાયકારક છે, જેમાં જે તે અખબારી કચેરીના કમ્પ્યૂટર અને તેની સાથેના પ્રિન્ટરને એ જ અખબારની બીજા શહેરમાં આવેલ કચેરીસ્થિત કમ્પ્યૂટર-પ્રિન્ટર સાથે ટેલિફોન-તાર મારફત જોડવામાં આવે છે.
1997ના વર્ષની મધ્યમાં આ ઉદ્યોગે આધુનિકતાની એક નવી સીમા પાર કરી છે તે છે ઇન્ટરનેટ. કમ્પ્યૂટર ઉપર ઉપલબ્ધ આ સુવિધાથી દુનિયાના કોઈ પણ છેડે બેઠાં બેઠાં વિવિધ દેશનાં અખબારો અનુકૂળ સમયે વાંચી શકાય છે, તેમજ તેની છાપ ઉતારી શકાય છે.
ગુજરાતી અખબારની વર્તમાન પરિસ્થિતિ : ગુજરાતી અખબારના વિકાસમાં એક સીમાસ્તંભ વીસમી સદીની શરૂઆતમાં આવ્યો. ગુજરાતી અખબારો ઓગણીસમી સદીમાં વધતા જતા વેપારની માહિતીના પ્રસારણ માટે સ્થપાયેલાં. તેનો બીજો હેતુ સામાજિક સુધારાને વેગ આપવાનો હતો. એકમાં માહિતી તથા બીજામાં ઉપદેશ તથા વિવાદ હતાં. આજના અર્થમાં સમાચાર અને અખબારી લેખનનાં વિવિધ સ્વરૂપની તેમાં લગભગ ગેરહાજરી હતી.
વીસમી સદીના આરંભથી બીજો તબક્કો શરૂ થયો; જેમાં સ્વરાજ્ય, સ્વધર્મ અને સ્વદેશીના પ્રચારનું વાહન અખબારો બન્યાં. સ્વરાજ્ય માટેની લડત વધવા સાથે સમાચારનું પ્રમાણ વધ્યું અને બીજી વાચનસામગ્રીના વિષયો બદલાયા. દેશ-વિદેશમાં પ્રગતિની આછી ઝલક, દેશના આર્થિક-સામાજિક ઉપરાંત આર્થિક અને રાજકીય પ્રશ્નો તથા નવા સાહિત્યના ઉષ:કાળનાં પ્રતિબિંબ પાડવા માટે ગુજરાતી અખબારોએ પ્રયત્ન વધાર્યા. હરિજનો અને પછાત વર્ગોની સ્થિતિ, ગામડાંની બેહાલી, દારૂ-બાળલગ્ન-પ્રેતભોજન વગેરે કુરિવાજો સામે જેહાદ, દેશી રજવાડાંના પ્રશ્નો એમ અનેક નવા વિષયો અખબારમાં પ્રવેશ્યા અને વિકસ્યા. યુનિવર્સિટી-શિક્ષણના ફેલાવાથી અખબારી ભાષામાં ફરક પડ્યો. તેમાં નવી ચમક આવી. અભિવ્યક્તિમાંથી બરછટતા ઓછી થઈ અને પત્રકારો તથા અખબારી લેખકોમાં જવાબદારીની ભાવના વધી.
ત્રીજો તબક્કો સ્વરાજ્ય પછી શરૂ થયો તે અત્યારે ચાલે છે.
ગુજરાતી અખબારોએ આવક તથા નફાને પહેલી વખત અગ્રસ્થાને મૂક્યાં. સાધનસામગ્રી, મકાનો તથા બીજા મહાયુદ્ધને લીધે વધેલા ફેલાવાના પડકારને ઝીલવા વધુ ને વધુ મૂડીરોકાણની જરૂર ઊભી થતાં અખબારોની વ્યક્તિગત માલિકી ઓછી થઈ. ખાનગી તથા જાહેર લિમિટેડ કંપનીઓ અને ટ્રસ્ટો અખબારોનાં માલિક બન્યાં. અખબારનું પ્રકાશન હજારો રૂપિયાની મૂડીનો ઉદ્યોગ મટીને લાખોની મૂડીનો ઉદ્યોગ બન્યો.
આઝાદી માટેના સંગ્રામવાળા તબક્કામાં ગુજરાતનાં અખબાર સ્વરાજ્ય તથા લોકચેતના પ્રત્યે ફરજ બજાવતાં હોવાથી તેમની ઊણપો વાચકો ચલાવી લેતા; સ્વરાજ્ય પછી આ પરિપાટી બદલાઈ અને બજારુ બળો અખબારોના સંચાલન પર સવાર થયાં. પરિણામે વેચાઉ ચીજના બધા વેપારી નિયમો અને બજારની લાક્ષણિકતાઓ અખબારને લાગુ પડી. આવક, બચત, અસ્કામતોમાં સતત વધારો તથા નવા મૂડીરોકાણ વગર અખબાર ચાલી ન શકે એ ગુજરાતી અખબાર માટે બ્રહ્મમંત્ર છે. એ માટે વેચાણ વધારવું પડે, જાહેરખબરો વધારવી પડે અને મૂડી-ખર્ચ-શ્રમની સામે આર્થિક વળતરનો હિસાબ દરેક કામમાં રાખવામાં આવે છે. એથી અખબારી પ્રકાશન સેવા-પ્રધાન મટીને વ્યાપાર-પ્રધાન બન્યું છે.
ગુજરાતનાં અખબારોનાં આજનાં વિશાળ મકાન મોટે ભાગે ’40 તથા ’50ના દાયકામાં બંધાયેલાં છે.
બીજા મહાયુદ્ધના અંત સાથે અહીં સ્વરાજ્ય આવ્યું. જગતમાં વિજ્ઞાન તથા ટેક્નૉલૉજીમાં ક્રાંતિ આવી. સ્વરાજ્યથી ગુજરાતી અખબારો માટે નવાં વિશાળ ક્ષેત્ર કમાણી તેમજ સેવા સારુ ઊઘડ્યાં. દરેક ક્ષેત્રમાં ચૂંટણી દાખલ થવાથી વિચારો અને વિવાદોના પ્રસારણ માટે અખબાર અજોડ માધ્યમ બન્યું. વેચાણમાં ’50ના દાયકામાં મોટો ઉછાળો આવ્યો; એ નરમ પડવા છતાં ફેલાવાનો એકધારો વધારો આજના ગુજરાતી અખબારની લાક્ષણિકતા છે.
ટૅક્નૉલૉજીમાં પ્રગતિ થઈ તેથી હાથે બીબાં ગોઠવીને સિલિન્ડર કે ટ્રેડલ વડે છાપવાનું બંધ થયું છે. ’40ના દાયકાથી ફલૅટબૅક રોટરી પ્રિન્ટિંગ મશીન આવ્યાં, ’50ના દાયકામાં સિલિન્ડ્રિકલ રોટરી અને મૉનોટાઇપ તથા લાઇનોટાઇપનું યાંત્રિક મુદ્રણ શરૂ થયું, અને ’80ના દાયકામાં કમ્પ્યૂટર વડે ફોટોકંપોઝ તથા ઑફસેટ પ્રિન્ટિંગ બધાં આગળ પડતાં ગુજરાતી દૈનિકોમાં દાખલ થયું છે.
અખબારનું વેચાણ સ્વરાજ્ય પહેલાં એના પ્રકાશનકેન્દ્રના વધુમાં વધુ સો કિલોમીટરના વિસ્તારમાં થતું. ટપાલની સેવા પર પણ આધાર રહેતો. સ્વરાજ્ય પછી ટૅક્સી, બસ-સર્વિસ અને રેલવેનો સમન્વય કરીને 500થી વધુ કિલોમીટરની ત્રિજ્યામાં ગુજરાતી અખબારો વહેંચણી કરે છે.
જેટલી પ્રગતિ મકાન, યંત્રો અને વહેંચણીમાં થઈ છે તેટલી પ્રગતિ સામાજિક જવાબદારી અદા કરવામાં ગુજરાતી અખબારોએ કરી નથી. બધાં ગુજરાતી દૈનિકો સમાચાર મેળવવા માટે બે તળપદાં સાધનોથી આગળ વધ્યાં નથી. દેશ-વિદેશના સમાચાર પી.ટી.આઈ. તથા યુ.એન.આઈ.માંથી મેળવે છે, જ્યારે ગુજરાતના ગામેગામના સમાચાર માટે મફત તથા લગભગ મફત સેવા આપતા સો જેટલા ખબરપત્રીઓનો ઉપયોગ કરે છે. સ્થાનિક સમાચાર માટે કામના પ્રમાણમાં તે ઓછા વૃત્તાંતનિવેદકો રાખે છે.
ખબરપત્રીઓને યોગ્ય પુરસ્કાર તથા તાલીમના અભાવે તેમના સમાચારમાં અભ્યાસ, તટસ્થતા, ગ્રામજીવનના પાસાનું વૈવિધ્ય, ચોકસાઈ વગેરેની ઊણપ હોય છે. ગુનાખોરી તથા રાજકારણ પર લગભગ બધો ભાર હોય છે. આ કારણે ગુજરાતી અખબારોના વાચકોને ગામડાંના પ્રશ્નો, વિવિધ ક્ષેત્રોમાંની પરિસ્થિતિ, કલા અને સંસ્કારપ્રવૃત્તિ, ખેલકૂદ, શિક્ષણ, વિકાસકાર્યો વગેરેની તાજી, રસપ્રદ અને આધારભૂત માહિતી બહુ ઓછી મળે છે. એકના એક ખબરપત્રી અનેક દૈનિક માટે કામ કરતા હોવાથી લગભગ એકસરખા સમાચાર બધાં છાપાંમાં હોય છે.
પી.ટી.આઈ.,યુ.એન.આઈ. સમાચાર-સંસ્થાઓ પાસે રાષ્ટ્રીય ફલક અને રાષ્ટ્રીય દૃષ્ટિ હોવાથી ગુજરાતના વાચકોની વિશિષ્ટ જરૂરિયાત સંતોષાતી નથી. આર્થિક રીતે સધ્ધર ગુજરાતી અખબારો કેવળ પોતાના પૂરતા સમયના ખબરપત્રીઓ અને પ્રવાસી પ્રતિનિધિઓ રાખે તથા સમાચારનાં યથાશક્ય સાધનોનો બરાબર ઉપયોગ કરે તો વાચકોમાં સાચી જાગૃતિ વધે એમ તેમના કાર્યનું અવલોકન બોલે છે.
એક તરફ જાહેરખબર અને બીજી તરફ લોકભોગ્ય વાચનસામગ્રીના દબાણને લીધે સમાચાર માટે અખબારની પચીસથી ત્રીસ ટકા જગ્યા રહે છે.
ગુજરાતમાં બધાં દૈનિક પરચૂરણ સમાચાર માટે છે; ફિલ્મ, સ્ત્રીઓ, બાળકો વગેરે માટેનું કોઈ અલાયદું દૈનિક નથી.
જગતનાં દૈનિકોની જેમ ગુજરાતી દૈનિક પણ સમાચારની સાથે વાચકના રસ તથા ઉપયોગના વિષયોની પણ ઘણી સામગ્રી આપે છે. તેને અભિપ્રાય-સર્જક કે વિચાર-પ્રચારની સામગ્રી કહેવાય. ગુજરાતી દૈનિકો અને અઠવાડિકોમાં બધા મળીને ત્રીસ જેટલા વિષયો પર સામગ્રી હોય છે. વિવિધ ક્ષેત્રોના જાણકારોને પુરસ્કાર આપીને એ વિભાગો વર્તમાનપત્રોના સંચાલકો લખાવે છે. એકંદરે તેમનાં અભિપ્રાય, દૃષ્ટિબિંદુ, વિચારો પર તંત્રીનો અંકુશ હોતો નથી અથવા થોડોક જ અંકુશ હોય છે. ગુજરાતી દૈનિક-અઠવાડિકોમાં કુલ સો જેટલા વિભાગીય લેખકો છે; જેમાં ડૉક્ટર-વૈદ્ય, જ્યોતિષી, સમાજશાસ્ત્રી, સંન્યાસી, શિક્ષણકાર, રાજકારણના વિવેચક, સાહિત્યકારો વાર્તા-નવલકથાલેખકો, કલાવિવેચક, આરોગ્યનિષ્ણાત, ખેલકૂદના વિવેચક તથા ફિલ્મ-રેડિયો-ટી.વી.ના વિવેચકનો સમાવેશ થાય છે.
ગુજરાતી સામયિકોના પ્રકાશનનાં કેન્દ્રોમાં મુંબઈ, સૂરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ તથા ભૂજ છે. તેમાં કેટલાંક એક માલિકીનાં જ પ્રકાશન છે. કેટલાંક જૂથ (group) અને કેટલાંક શૃંખલા (chain) સ્વરૂપનાં છે.
જિલ્લાઓમાં ગુજરાતી દૈનિકનું પ્રકાશન ગુજરાતી અખબારી દુનિયાનું નવું સાહસ છે.
ગુજરાતમાં અંગ્રેજી દૈનિકોમાં ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ તથા ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ગુજરાતની આવૃત્તિઓ અમદાવાદથી પ્રગટ થાય છે. વળી ‘વેસ્ટર્ન ટાઇમ્સ’ અને ‘ગુજરાત ટુ-ડે’ ગુજરાતીમાં પ્રગટ થાય છે.
ગુજરાતી અખબારોમાં સાપ્તાહિકોની સંખ્યા વધુ છે. લગભગ ત્રણસો અઠવાડિકો ગુજરાતી ભાષામાં મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં થઈને પ્રગટ થાય છે. એમાં ખૂબ મોટો ભાગ સમાચાર-પત્રોનો છે; બાકીનાંમાં મનોરંજન તેમજ હળવા અને ગંભીર વિષયોની છણાવટ હોય છે. અઠવાડિકોના વાચકોનો મોટો ભાગ દૈનિકની અઠવાડિક પૂર્તિઓ પડાવી જાય છે.
ગ્રામવિસ્તારનાં અઠવાડિકો સ્થાનિક સમાચાર, અઠવાડિક ભવિષ્ય અને વાર્તા આપે છે. તેમનું વેચાણ પાંચસોથી દસ હજાર નકલ સુધીનું હોય છે. તેમની આવકનું મુખ્ય સાધન સરકારી, અર્ધસરકારી તથા પંચાયતોની જાહેરખબર હોય છે. શહેરી દૈનિકો ફોટોકંપોઝ અને ઑફસેટ સુધી પહોંચ્યાં છે; ત્યારે ગામડાંનાં અઠવાડિક હાથે મુદ્રણ અને છાપવા માટે સિલિન્ડર મશીનનો ઉપયોગ હજી કરે છે. મોટે ભાગે માલિક અને તેમનાં પુત્ર-પુત્રી આ અઠવાડિકો કૌટુંબિક ઉદ્યોગની જેમ ચલાવે છે.
ધાર્મિક તથા મનોરંજનલક્ષી અઠવાડિકોની બોલબાલા છે. ગુજરાતમાં દૈનિકોના ઝડપી વિસ્તરણનો ભોગ માસિકો બન્યાં છે. દૈનિકોએ માસિકોની વાચનસામગ્રી આપીને તેમના અસ્તિત્વના પાયાનો લગભગ નાશ કર્યો છે. સમય જવા સાથે ગુજરાતી માસિકો ઓછાં થઈને હવે દસેક રહ્યાં છે. તેમને પણ ટકવામાં મુશ્કેલી પડે છે.
સ્વરાજ્ય પહેલાંના બે તબક્કા અને અત્યારના તબક્કા વચ્ચે ટૅક્નિકલ તથા આર્થિક તફાવતના જેટલો ગુણાત્મક તફાવત ગુજરાતી અખબારોમાં પડ્યો છે.
પહેલા બે તબક્કામાં ગુજરાતી અખબાર પાસે સમાજનું નેતૃત્વ હતું. અખબાર પર સમાજની અસર કરતાં સમાજ પર અખબારની અસર વધારે પડતી. અખબાર સમાજની કેવળ આરસી ન બનતાં સમાજને ઘડવાનું કામ કરતાં. તેઓ વાચકોથી દોરાવાને બદલે વાચકોને દોરતાં.
માહિતી, વિચારધન, સંસ્કાર તથા જ્ઞાનના પ્રસારણના એકમાત્ર સાધન તરીકે ગુજરાતી અખબારો સામે વિશાળ તક પડેલી છે.
વાસુદેવ ના. મહેતા
બળવંતરાય શાહ