અક્ખાણમણિકોસ (‘આખ્યાનમણિકોશ’) (ઈ. સ. અગિયારમી–બારમી સદી) : આર્યા છંદમાં રચાયેલો બાવન ગાથાનો પ્રાકૃત ભાષાનો ગ્રંથ. કર્તા નેમિચંદ્રસૂરિ. આમ્રદેવસૂરિએ (ઈ. સ. 1134) તેના પર પ્રાકૃત પદ્યમાં ટીકા લખી છે, જેમાં યત્ર તત્ર સંસ્કૃત પદ્ય અને પ્રાકૃત ગદ્ય પણ જોવા મળે છે. ગ્રંથમાં 41 અધિકાર અને 146 આખ્યાન છે. બુદ્ધિકૌશલ સમજાવવા માટેના ચતુર્વિધ બુદ્ધિવર્ણન અધિકારમાં ભરત, નૈમિત્તિક અને અભયનાં આખ્યાનોનું વર્ણન છે. દાનસ્વરૂપવર્ણન અધિકારમાં ધન, કૃતપુણ્ય આદિની કથાઓ છે. શીલમાહાત્મ્યવર્ણનમાં સીતા, રોહિણી આદિ સતીઓનાં કથાનક છે. તપોમાહાત્મ્યવર્ણનમાં વીરચરિત, વિશલ્યા, શૌર્ય અને રુક્મિણી મધુનાં આખ્યાન છે. ભાવનાસ્વરૂપવર્ણન અધિકારમાં દ્રમક, ભરત અને ઇલાપુત્રનું આખ્યાન આપ્યું છે.
આ આખ્યાનકોમાં ઐતિહાસિક તથ્યોનું સંકલન પણ છે. ઘણુંખરું બધી કથાઓ વર્ણનપ્રધાન છે. એમાં સ્ત્રીસ્વભાવનું મર્મસ્પર્શી ચિત્રણ છે. અનેક સ્થળે લોકોક્તિઓનો પ્રયોગ પણ જોવા મળે છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ આ કોશ પ્રાકૃત કથાઓમાં સૌથી અધિક મહત્ત્વ ધરાવે છે. તેમાં જીવન અને જગત સંબંધી સર્વ પ્રકારનાં તથ્યો પર પ્રકાશ પાડેલો છે. કાવ્યકલાની દૃષ્ટિએ પણ તે ઉત્તમ છે. નેમિચંદ્રસૂરિએ ‘આત્મબોધકુલક’, ‘ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ’ (રચના ઈ. સ. 1073), ‘મહાવીરચરિત્ર’ (રચના ઈ. સ. 1085) તથા ‘રત્નચૂડકથા’ની પણ રચના કરેલી છે. મુનિ પુણ્યવિજયજીએ સંપાદિત કરેલ આ ગ્રંથ 1962માં પ્રાકૃત ગ્રંથ પરિષદ–વારાણસી દ્વારા પ્રકાશિત થયો છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા