અક્કેડીઅન સંસ્કૃતિ : પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં અક્કડના નામથી ઓળખાતા બેબિલોનિયાના ઉત્તર ભાગમાં ઈ. સ. પૂ. 3000ના ગાળામાં વસેલી અક્કેડીઅન પ્રજાની સંસ્કૃતિ. ઈ. સ. પૂ. 2750ની આસપાસ સારગોન પહેલાએ આ પ્રદેશનાં નગરોને એકત્રિત કર્યાં. પછી આ પ્રદેશ વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ પામ્યો. સારગોને સુમેરિયનો ઉપર વિજય મેળવી પોતાની સત્તા ઈરાની અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી ફેલાવી. તેનું સામ્રાજ્ય સુમેરિયન અક્કેડીઅન સામ્રાજ્ય તરીકે ઇતિહાસમાં ઓળખાયું છે.
અક્કેડીઅન પ્રજાએ સુમેરિયનો પાસેથી વિવિધ સાંસ્કૃતિક તત્ત્વો અપનાવ્યાં હતાં. કૅલેન્ડર, વજનમાપ, ખૂણિયાં, યુનિકોર્ન લિપિ વગેરે સુમેરિયનો પાસેથી તેમણે મેળવ્યાં હતાં. તેમની ભાષા હિબ્રૂ અને અરબીને મળતી આવે છે. આ સામ્રાજ્યની રાજધાનીનું નામ અક્કડ હતું. આ સામ્રાજ્ય નબળું પડતાં પૂર્વમાંથી એલેમાઇટ અને પશ્ચિમમાંથી એમોરાઇટ પ્રજાએ આક્રમણ કર્યું. પરિણામે ઈ. સ. પૂ. 2100ની આસપાસ આ સામ્રાજ્યનો અંત આવ્યો હતો.
જ. જ. જોશી