અકોષકેન્દ્રી (Akaryota) : સજીવ અને નિર્જીવ પદાર્થોને જોડતાં અતિસૂક્ષ્મ સ્વરૂપો. આ સ્વરૂપોને વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. તે ત્રણ મહત્ત્વનાં લક્ષણો ધરાવે છે : (1) તેનો કેન્દ્રભાગ (core) ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)નો બનેલો હોય છે. આ ન્યૂક્લિઇક ઍસિડની ફરતે પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક કવચ (capsid) આવેલું હોય છે. કેટલીક વાર આ કવચની ફરતે લિપોપ્રોટીનનું બનેલું આવરણ મળે છે. (2) તેનું પ્રજનન નિશ્ચિત યજમાન કોષમાં જ થાય છે. તે યજમાન કોષના સંશ્લેષણાત્મક અને કાર્યશક્તિ ઉત્પન્ન કરતા સાધન ઉપર સંપૂર્ણ રીતે આધારિત હોવાથી તે અંત:કોષીય (intracellular) પરોપજીવી છે. (3) ગુણનના પ્રારંભમાં વાઇરસનો ન્યૂક્લીઇક ઍસિડ તેના કવચથી છૂટો પડી યજમાન કોષમાં પ્રવેશી વારંવાર બેવડાય છે. ઉપરાંત, તે પ્રોટીન માટેના સંકેતો દ્વારા વાઇરસ પ્રોટીનનું નિર્માણ કરે છે. વાઇરસના નવા બનેલા ન્યૂક્લીઇક ઍસિડો અને કવચના પ્રોટીનોનું સંયોજન થતાં યજમાનકોષમાં અસંખ્ય વાઇરસ ઉત્પન્ન થાય છે.

આકૃતિ

‘વાઇરસ શબ્દ લૅટિન ભાષા(=poison)માંથી ઊતરી આવેલો છે. તેને ગુજરાતીમાં ‘વિષાણુ’ કહે છે. વિષાણુ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખાને ‘વિષાણુવિજ્ઞાન’ (virology) કહે છે. ‘વાઇરસ શબ્દ સૌપ્રથમ લૂઈ પાશ્ચરે(1884માં) રોગ માટે જવાબદાર ઝેરી દ્રવ્ય માટે પ્રચલિત કર્યો હતો. ઇવાનોવ્સકીએ (1892) વાઇરસનું અસ્તિત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિએ સાબિત કર્યું હતું. સ્ટૅન્લી(1935)એ સૌપ્રથમ વાર વાઇરસનું સ્ફટિકીકરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સ્ફટિકો રોગ ઉત્પન્ન કરી શકે છે. સ્ટૅન્લીને વિષાણુવિજ્ઞાનના પિતા કહે છે.

આ વાઇરસ દ્વારા મનુષ્યમાં ગાલપચોળું, શીતળા, પોલિયો, કમળો, ઇન્લૂએંઝા, ડૅંગ્યૂ તાવ, પીળો તાવ, એન્સીફેલાઇટિસ, ઓરી, અછબડા, હડકવા અને એઇડ્સ (AIDS) જેવા રોગો થાય છે. ઢોરોમાં મોં અને પગ(foot and mouth)નો રોગ. હોગ કૉલેરા વગેરે રોગો; વનસ્પતિઓમાં તમાકુના પાનનો મોઝેક રોગ, ચોખામાં થતો વામનતાનો રોગ અને ટમેટામાં થતો ગોળ ટપકાંનો રોગ વાઇરસ દ્વારા થાય છે.

બળદેવભાઈ પટેલ