અકોલા : મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 200 44′ ઉ. અ. અને 770 00′ પૂ. રે. આજુબાજુનો 10,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરે અમરાવતી જિલ્લો, પૂર્વમાં અમરાવતી અને યવતમાળ જિલ્લા, દક્ષિણે યવતમાળ અને પરભણી જિલ્લા તથા પશ્ચિમે બુળઢાણા જિલ્લો આવેલો છે. મુખ્ય મથક અકોલા પરથી જિલ્લાનું નામ અપાયેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ બુળઢાણા જિલ્લાને લગભગ મળતું આવે છે. જિલ્લાના ઉત્તર ભાગનું ભૂપૃષ્ઠ તાપી અને તેની સહાયક નદી પૂર્ણાના ફળદ્રૂપ થાળાથી રચાયેલું છે. આ ભાગ ‘પાતન ઘાટ’ અને દક્ષિણ ભાગ ‘બાળાઘાટ’ નામથી ઓળખાય છે. તે ગોદાવરીની સહાયક નદી ગંગાના થાળાથી બનેલું છે. જિલ્લામાં કોઈ ખાસ મહત્ત્વના પર્વતો નથી, પરંતુ આ જિલ્લાની ઉત્તરે ગાવલીઘાટની ટેકરીઓ તથા દક્ષિણે અજન્તા હારમાળા આવેલી છે. બે થાળાં વચ્ચે બાળાઘાટનો જળવિભાજક વિસ્તરેલો છે. તાપી, પૂર્ણા, પેન્ધ્રી, કતિપૂર્ણા અને માન (મુન) નદીઓ જિલ્લાનો જળપરિવાહ રચે છે. અગ્નિ કોણમાં વહેતી પેણગંગા બારેમાસ ભરેલી રહે છે.
ખેતી-પશુપાલન : અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં જુવાર, ઘઉં, ડાંગર, કપાસ, મગફળી અને કઠોળનો સમાવેશ થાય છે, આ ઉપરાંત અહીં શેરડી અને નાગરવેલનાં પાનની ખેતી પણ થાય છે. ગાય અને ભેંસ અહીંનાં મુખ્ય પશુઓ છે. અહીંના ઢીમર, ભોઈ અને કહાર કોમના લોકો નદીઓ તેમજ તળાવોમાંથી માછલીઓ પકડવાનું કામ કરે છે.
ઉદ્યોગ-વેપાર : જિલ્લાનો મોટોભાગ ડેક્કન ટ્રેપ ખડકોથી બનેલો હોવાથી તેનું ખનનકાર્ય કરી તેનો ઇમારતી બાંધકામમાં ઉપયોગ થાય છે. અહીં કોઈ ખનિજો મળતાં નથી. વસ્તીનો 80% જેટલો ભાગ ખેતીના વ્યવસાયમાં રોકાયેલો છે. જિનિંગ-પ્રેસિંગ તથા તેલની મિલો જેવા કૃષિપેદાશ-આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર અહીં હવે ગૃહઉદ્યોગો તેમજ નાના પાયા પરના એકમો વિકસી રહ્યા છે, સુતરાઉ કાપડના અને વનસ્પતિ ઘીના એકમો પણ અહીં આવેલા છે. દાળની મિલો, તેલમિલો, મીઠાઈ, બીડીઓ, લાટીઓ, સાબુ તથા ધાતુઓ પર ઢોળ ચઢાવવાના નાના પાયાના એકમો કાર્યરત છે.
જિલ્લામાં ઉત્પન્ન થતી રૂ, કપાસિયાં, તેલીબિયાં, ખોળ, જુવાર, નાગરવેલનાં પાન જેવી પેદાશોની દિલ્હી, બુરહાનપુર, અંબાલા, અમદાવાદ, સૂરત, જળગાંવ, ધૂળે વગેરે જગાએ નિકાસ થાય છે. જિલ્લામાં ખાદ્યાન્ન તથા ઢોરના વેપાર માટેનાં બજાર વિકસ્યાં છે. જિલ્લામાં ચોખા, ઘઉં, ગોળ, મીઠું, નાળિયેર, ફળો, તમાકુ, ઔષધો તથા સ્ટેશનરી જેવી વસ્તુઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન-પ્રવાસન : અકોલા સહિત જિલ્લાનાં મોટાભાગનાં મહત્ત્વનાં નગરો મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે જોડાયેલાં છે. જિલ્લાનાં આશરે 60% ગામડાં રેલમાર્ગ અને સડકમાર્ગથી જોડાયેલાં છે. અકોલા, બાળાપુર અને કારંજા નગરો ત્યાં આવેલા ઐતિહાસિક દુર્ગ માટે જાણીતાં છે. વાશીમ તાલુકાના શિરપુર ગામે જૈન તીર્થંકર પદ્મપ્રભનું મંદિર આવેલું છે, ત્યાં યાત્રાળુઓની અવરજવર રહે છે. મુખ્ય નગરોમાં હોટેલો છે, આ નગરોમાં હસ્તઉદ્યોગોની પેદાશોનાં તથા ફેન્સી ચીજવસ્તુઓનાં બજાર ભરાય છે. વારતહેવારે જુદાં જુદાં સ્થળોએ મેળા પણ ભરાય છે.
વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 18,13,906 જેટલી છે, જિલ્લામાં મરાઠી, હિન્દી, ગુજરાતી, સિન્ધી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લાનાં નગરો અને ગામડાંઓમાં શિક્ષણના જુદા જુદા તબક્કાની શાળાઓ તથા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. અહીં નગરો ઉપરાંત 393 જેટલાં ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકાઓ અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.
ઇતિહાસ : પ્રાચીન કાળમાં આ પ્રદેશ દંડકારણ્યનો એક ભાગ હતો અને ત્યારે ઋષિ-આશ્રમોમાં શિક્ષણકાર્ય ચાલતું. વરાડનો જે પ્રદેશ નિઝામના શાસન હેઠળ હતો તે દેવું ભરપાઈ કરવાના બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1853માં લખી આપેલો. ત્યારે વરાડ બે વિભાગમાં વહેંચાયેલું હતું : મુખ્ય મથક બુળઢાણા સહિતનો ઉત્તર વરાડ વિભાગ અને હિંગોલી મુખ્ય મથક સહિતનો દક્ષિણ વરાડ વિભાગ. 1857 પછી હિંગોલી અને આજુબાજુનો પ્રદેશ નિઝામને પાછો અપાયો. બાકીના વરાડના બે ભાગલા પડ્યા : અમરાવતી મથક સાથેનો પૂર્વ વરાડ અને અકોલા મથક સાથેનો પશ્ચિમ વરાડ. 1903માં સંધિની રૂએ નિઝામે બ્રિટિશ સરકારને વરાડ પ્રદેશ સોંપ્યો. વરાડનો વહીવટ હૈદરાબાદને બદલે ભારતના તત્કાલીન મધ્ય પ્રાંત(central provinces)ને હસ્તાંતર કરાયો. આ સાથે કેટલોક ભાગ 1875માં રચાયેલા વાશીમ જિલ્લામાં મુકાયો. એ જ વર્ષે એ જિલ્લામાં નવો મંગરુળ વીર તાલુકો રચાયો. 1905માં અકોલા જિલ્લો બન્યો. 1956માં રાજ્યપુનર્રચના વખતે અકોલા જિલ્લાને મધ્યપ્રદેશમાંથી ખેસવીને દ્વિભાષી મુંબઈમાં મુકાયો. 1960થી તે મહારાષ્ટ્ર રાજ્ય અંતર્ગત મુકાયેલો છે.
ગિરીશભાઈ પંડ્યા