અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા

January, 2001

અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા : અકોટા(જિ. વડોદરા)માંથી મળી આવેલ અને વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી પ્રાપ્ત જીવંતસ્વામીની બે પ્રતિમાઓ પૈકીની એક ઈ. સ.ની છઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. ‘જીવંતસ્વામી’ એ દીક્ષા લીધા પહેલાં તપ કરતા સંસારી મહાવીર સ્વામીનું નામ છે. આથી આમાં રાજપુત્રને અનુરૂપ વેશભૂષા જોવા મળે છે. મસ્તક પર ઊંચો ટોપીઘાટનો કલામય મુકુટ, ગળામાં હાંસડી અને હાર, હાથ પર બાજુબંધ ધારણ કરેલ છે. શરીર પર અધોવસ્ત્ર જોવા મળે છે. આ કાયોત્સર્ગ પ્રતિમાના બંને હાથ ખંડિત થયા છે. સમગ્ર ઉત્તર ભારતમાંનાં અદ્યાવધિ ઉપલબ્ધ ધાતુશિલ્પોમાં આગલી હરોળમાં બેસે એવી ઉત્કૃષ્ટ કલામય આ પ્રતિમા પશ્ચિમ ભારતીય શિલ્પશૈલીનો સુંદર નમૂનો છે.

પ્રવીણચંદ્ર પરીખ