અકોટા : મૂળ નામ અંકોટ્ટક. ‘અંકોટ્ટક ચતુરશીતી’નું મુખ્ય કેન્દ્ર, જે હાલના વડોદરાના અકોટા ગામનો ધનટેકરીને નામે જાણીતો સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીથી આચ્છાદિત વિસ્તાર છે. તેના પરા તરીકે વટપદ્રક અર્થાત્ વડોદરા વિકસીને અગિયારમી સદીમાં મુખ્ય સ્થળ થયું અને અકોટાનાં વળતાં પાણી થયાં. અકોટાના ધનટેકરી વિસ્તારમાંથી અન્ત્યાશ્મયુગનાં ઓજારો મળ્યાં છે. ત્યાંથી આશરે ઈ. સ. પૂર્વેથી શરૂ કરીને દસમી-બારમી સદીના નગરના અવશેષો 500 મીટર × 200 મીટરના વિસ્તારમાં મળી આવ્યા છે. આ નગરમાંથી મળી આવેલાં પથ્થરનાં શિલ્પો, રોમન બનાવટના કાંસાના કામદેવની આકૃતિવાળો હાથો, અષ્ટધાતુની ચામરધારિણી, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તથા મુદ્રાઓ, ક્ષત્રપયુગથી શરૂ કરીને વિવિધ યુગનાં માટીનાં વાસણો, મુદ્રાંકનો અને પથ્થરની ઘરવપરાશની વસ્તુઓ જેવી પારિભોગિક સામગ્રીથી મધ્ય ગુજરાતના પુરાવસ્તુ પર મહત્ત્વનો પ્રકાશ પડ્યો છે.
વડોદરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલી ચાર જોડાયેલી પ્રતિમાઓ. એમાં પ્રસન્નવંત જે જૈન તીર્થંકરની પ્રતિમા છે એમના માથા પર ધર્મેન્દ્ર સર્પનું છત્ર છે, જે એમની રક્ષા કરે છે. પ્રસન્નવંત પગ પ્રસારીને બેઠા છે. બીજી પ્રતિમા જિનની છે, જેમની છાતી પર શ્રીવત્સનું ચિહ્ન છે. ત્રીજીમાં ચાર ચમર ઢોળનારા છે અને ચોથી પ્રતિમા જીવન્તસ્વામીની છે. એમના શિર પર મુગટ છે. મુગટધારી એ પ્રતિમાનું બૌદ્ધ શિલ્પમાં બુદ્ધની મુગટધારી પ્રતિમા જેટલું મહત્ત્વ છે. શિલ્પનિષ્ણાતો અકોટાની આ પ્રતિમાને ઉત્કૃષ્ટ શિલ્પના નમૂના તરીકે લેખે છે.
ચન્દ્રકાન્ત મહેતા
ર. ના. મહેતા