અકાલ તખ્ત : છઠ્ઠા ગુરુ હરગોવિંદે અમૃતસરમાં હરિમંદિર-(સુવર્ણમંદિર)ની સામે ઈ. સ. 1609માં બંધાવેલું તખ્ત. અકાલ તખ્ત એટલે કાળરહિત પરમાત્માનું સિંહાસન. મૂળ નામ અકાલ બુંગા. બુંગા એટલે રહેઠાણ. તખ્તમાંના આસનની ઊંચાઈ મુઘલ બાદશાહ કોઈ પણ શાસકને જેટલું ઊંચું આસન રાખવાની પરવાનગી આપતા તેના કરતાં ત્રણ ગણી વધારે, અને દિલ્હીના લાલ કિલ્લામાંના મુઘલ તખ્તના ઝરૂખા કરતાં પણ ઊંચી–3.7 મીટર ઊંચી–રાખી. ચૌદ વર્ષની ઉંમરના કિશોર, નિર્ભય ગુરુએ આ સંજ્ઞા દ્વારા ખુલ્લંખુલ્લા જણાવી દીધું કે, ‘‘અમે મુઘલ સાર્વભૌમત્વને સ્વીકારતા નથી.’’ અકાલ તખ્ત ઉપર ગુરુ હરગોવિંદ સમ્રાટની જેમ બેસતા, અકાલ તખ્તમાં ઉપાસનાની સાથોસાથ શીખોની ઐહિક ભલાઈની વિચારણા થતી અને માર્ગદર્શન અપાતું. અહીં ગુરુ, મસંદો એટલે ધર્મપ્રચારકો અને શીખો પાસેથી ભેટો સ્વીકારતા. અહીંથી તેઓ શસ્ત્રાસ્ત્રો તેમજ ભેટપૂજા મોકલવા અંગેનાં ફરમાન કાઢતા. શૌર્ય, સાહસ, શિસ્ત અને બલિદાનની કથાઓ કહેતા. તેમણે ભાટોને નોકરીમાં લીધેલા તેમાં અબ્દુલ્લા અને નાથા ભાટોનાં નામ જાણીતાં છે. આ ભાટો શૌર્યગીતો, ખાસ કરીને રાજપૂતોની અપ્રતિમ શૂરવીરતાનાં ગીતો ગાતા. ચિત્તોડગઢનાં જયમલ-ફત્તાની બહાદુરીનાં પરમ ઉત્સાહથી શૌર્યગાન ગવાતાં. આ પ્રેરણાથી ભરપૂર ગાન સૌને કંઠે રમતાં. અહીંથી ગુરુ દ્વંદ્વયુદ્ધ અને કુસ્તી નીરખતા. હરિમંદિરમાં ગુરુ, ગુરુ સંત તરીકે અને અકાલ તખ્ત ઉપર પાદશાહ તરીકે સન્માન પામતા. ગુરુ એ ‘સચ્ચા પાદશાહ’ હતા; શીખોને મન, એમની સામે મુઘલ પાદશાહ એ ‘જૂઠો પાદશાહ’ હતો.
અહીં શીખોની ઐહિક અને આધ્યાત્મિક ઉન્નતિની, શક્તિ અને ભક્તિની ઉપાસના એકસાથે ચાલતી. ઐહિક તેમજ આધ્યાત્મિક સ્વાતંત્ર્યનું અકાલ તખ્ત પ્રતીક હતું. ગુરુમાં એ બંને સંમિલિત હતાં. આ ભૂમિ ઉપર રાજયોગીઓ અને તત્ત્વજ્ઞ ‘સાચા પાદશાહો’ મારફત હરિનું રાજ્ય એટલે ધર્મરાજ્ય સ્થાપવાનું હતું. અહીં થતા નિર્ણયોને શીખસમુદાય માન આપતો, પ્રમાણભૂત માનતો.
મહારાજા રણજિતસિંહના સમયમાં અકાલ તખ્ત રાજકીય અને લશ્કરી નિર્ણયોનું સ્થાન ન રહ્યું, પરંતુ ધાર્મિક નિર્ણયોનું કેન્દ્ર બની રહ્યું.
શીખોનાં પવિત્ર તખ્તોમાં અમૃતસરનું શ્રી અકાલ તખ્ત સૌથી મહત્ત્વનું છે. અન્ય તખ્ત આ પ્રમાણે છે : તખ્ત શ્રી કેશગઢ સાહેબ, આનંદપુર; તખ્ત શ્રી હરિમંદિર સાહેબ, પટણા અને શ્રી તખ્ત હજૂરસાહેબ, નાંદેડ. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ હવે શ્રી તખ્ત દમદમા સાહેબને પાંચમા તખ્ત તરીકે ઉમેર્યું છે.
ઈ. સ. 1984માં ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ દરમિયાન અકાલ તખ્તને ભારે નુકસાન થયું, તેથી તેને ફરી બાંધવામાં આવ્યું હતું. તે બાંધકામ શીખોની ધાર્મિક પરંપરા અનુસાર નથી થયું એમ માનીને તેને તોડીને શીખો દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉ. જ. સાંડેસરા