અકાલેર સંધાને : 1981માં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ભારત સરકાર તરફથી પુરસ્કૃત બંગાળી ચલચિત્ર. કથા તથા દિગ્દર્શન : મૃણાલ સેન. મુખ્ય અભિનય : પહાડી સન્યાલ, સ્મિતા પાટિલ, શંભુ મિત્ર, તૃપ્તિ મિત્ર. 1943માં બંગાળમાં માનવસર્જિત ભીષણ દુષ્કાળના ઓળા પથરાયા હતા, જેમાં લાખો માનવો તથા પશુઓ કારમી રીતે મરણ પામેલાં. એ દુકાળની ફિલ્મ ઉતારવા કેટલાક ઉત્સાહી યુવકો તૈયાર થયા છે, પણ પહેલી મુશ્કેલી એ અનુભવે છે, કે 1981માં જ્યારે મેઘરાજાની પૂરી કૃપા હતી અને ધરતી લીલીછમ હતી, માનવ અને પશુઓ અન્નના અભાવથી મરતાં નહોતાં, ત્યારે એ કારમાં દૃશ્યો સર્જવાં શી રીતે ? એ માટે ફિલ્મના નિર્માતાઓ જ્યાં દુકાળનાં દૃશ્યો ઝડપી શકાય એવી ભૂમિની શોધ માટે આમથી તેમ ભટકે છે. બંગાળીમાં અકાલ એટલે દુકાળ અને સંધાને એટલે શોધમાં. આમ ‘દુકાળની શોધમાં’ એ ચિત્રપટ માટેનો કથાવિષય છે અને એમાં ફિલ્મનિર્માતાઓ ઠેરઠેર જઈ નાસીપાસ થાય છે. જે દૃશ્યો ઝડપાયાં છે એમાં દુકાળનાં દૃશ્યો આવતાં નથી. માત્ર એનાં દૃશ્યો ઝડપવાના નિષ્ફળ પ્રયાસોની આ કથા ચિત્રપટમાં આલેખાઈ છે. એમાં કથાલેખક તથા દિગ્દર્શકે વાસ્તવિકતાઓ સહાયક બનવાને બદલે શી રીતે અંતરાયરૂપ બને છે (ખાસ કરીને ફિલ્મની દુનિયામાં), તેની પર વ્યંગ કર્યો છે. આ ફિલ્મને 1981ના બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ‘સિલ્વર બેર’ (રજત રુક્ષ) ચંદ્રક આપવામાં આવેલો.
કેતન મહેતા