અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં અકબરના શાસનનાં છેંતાળીસ વર્ષનો સિલસિલાબંધ હેવાલ છે. અકબરના મૃત્યુ (1605) સુધીનો હેવાલ ઇનાયતુલ્લા મુહિબ્બે અથવા મુહમ્મદ સાબિહ કન્બૂએ લખ્યો છે. આ ભાગની શૈલી આલંકારિક ને જુસ્સાવાળી છે. ત્રીજો ભાગ ‘આઇને અકબરી’ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં ભારતની ભૂગોળ અને તત્કાલીન ધાર્મિક, સામાજિક તથા રાજકીય જીવનની હકીકત આપેલી છે. ‘આઇને અકબરી’ આ પ્રકારનો પ્રથમ ભારતીય ગ્રંથ છે. તેમાં અકબરની મુલ્કી, લશ્કરી અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઉપરાંત સમાજજીવન, હુન્નરઉદ્યોગ, સાહિત્ય, હિંદુ તત્ત્વજ્ઞાન, કાયદાશાસ્ત્ર તેમજ અકબરના પોતાના વિચારોની ચર્ચા છે. તેમાં સરકારી માહિતીપત્રકની જેમ આંકડાવાર માહિતી મૂકેલી છે. ભાષામાં ગાંભીર્ય અને પક્વતા છે. એ રીતે ‘અકબરનામા’ અને ‘આઇને અકબરી’ ઇતિહાસકાર અબુલફઝલની સાહિત્યિક પ્રતિભાનાં દ્યોતક છે. શાસકોનાં ઐતિહાસિક વૃત્તાંતો લખવાની પ્રથા ‘અકબરનામા’થી શરૂ થયેલી ગણાય છે.
‘અકબરનામા’ની અનેક પ્રતો મળે છે, જેમાં અકબરના દરબારમાં તૈયાર થયેલી સચિત્ર પ્રતનો આંશિક ભાગ લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ સંગ્રહાલયમાં છે. મૂળ ફારસી ‘અકબરનામા’ લિથો અને ટાઇપમાં પ્રગટ થઈ ચૂક્યું છે. તેનાં સંપૂર્ણ તેમજ આંશિક અંગ્રેજી, ઉર્દૂ ભાષાંતરો પણ પ્રકાશિત થયાં છે. લિથો આવૃત્તિમાં પતિયાળાના મહારાજાના ખર્ચે લખનૌમાં ઈ. સ. 1867માં બહાર પડેલી આવૃત્તિ નોંધપાત્ર છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ
ઝિયાઉદ્દીન અ. દેસાઈ