અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને નહિ જમાડી શકો. હું તો નરમાંસભક્ષી છું.’’ ત્યારે દંપતીએ કહ્યું, ‘‘અમારા બેમાંથી તમે જેનું માંસ ખાવા ઇચ્છો, તેની એક જણ હત્યા કરીને, તમને માંસ રાંધીને ખવડાવશે.’’ સાધુએ કહ્યું, ‘‘મારે તમારા બેમાંથી એકેનું નહિ પણ તમારા એકના એક જુવાન પુત્રનું માંસ ખાવું છે; પણ તેમ કરતાં તમારી આંખમાંથી એક પણ આંસુ ન પડવું જોઈએ. આંસુ પડ્યું તો એ માંસ મને નહિ ખપે.’’ બંને રાજી થયાં. પોતાને હાથે પુત્રવધ કરી તેનું માંસ રાંધ્યું અને સાધુને હસતાં હસતાં પીરસ્યું. ભગવાન પ્રસન્ન થયા અને એમના પુત્રને સજીવન કર્યો. સૌથી પહેલાં પ્રકાશરામે ઓગણીસમી સદીમાં ‘અકનન્દુન’નું કથાવસ્તુ લઈને કાવ્ય રચ્યું. તે પછી આધુનિક યુગમાં રમજાન ભટ, અહદ જરબર, સમદ મીર તથા અલિયાણીએ આ પ્રસંગનું એમનાં કાવ્યોમાં વિવિધ રીતે ચિત્રણ કર્યું છે. ઉપર્યુક્ત બધાં કાવ્યોમાં કરુણ રસનું હૃદયદ્રાવક નિરૂપણ થયું છે. ગુજરાતીમાં ચેલૈયાની કથા મહદંશે આને મળતી છે.

ચન્દ્રકાન્ત મહેતા