અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

January, 2001

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut) ગુફા મંદિરોનો સમાવેશ છે.

Aihole Hindu Temples

અઈયોળનું મંદિર

સૌ. "Aihole Hindu temples" by Ms Sarah Welch | CC BY-SA 4.0

સમુદ્રસપાટીથી 810 મીટરની ઊંચાઈએ બંધાયેલા આ મંદિરસમૂહની રચના ચાલુક્ય રાજવંશે કરાવી હતી. અઈયોળનાં કુલ 120થી વધુ મંદિરોમાંથી 100થી વધુ મંદિરો હિંદુ છે, થોડાંક મંદિરો જૈન છે અને એક મંદિર બૌદ્ધ છે. હિંદુ મંદિરો શિવ, વિષ્ણુ, દુર્ગા, સૂર્ય વગેરેને સમર્પિત છે. જૈન મંદિરો તીર્થંકર મહાવીર, પાર્શ્વનાથ, નેમિનાથ વગેરેને સમર્પિત છે. બૌદ્ધ મંદિરમાં મઠ પણ છે. કેટલાંક મંદિરોની નજીક વાવ પણ છે.

રામાયણમાંનાં પાત્રો ઋષિ ગૌતમ અને અહલ્યા અહીં રહેતાં હતાં, તે પરથી આ સ્થળનું નામ અઈયોળ પડ્યું, તેવી લોકમાન્યતા છે.

ઈસુની છઠ્ઠી સદીથી આઠમી સદી દરમિયાન ચાલુક્ય રાજાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓ હેઠળ અઈયોળ ઉપરાંત તેની નજીકમાં આવેલાં સ્થળો પટ્ટાડકલ અને બદામી ખાતે ખડકને કોતરીને રચેલાં તેમજ ચણતરી એમ બંને પ્રકારનાં ધાર્મિક સ્થાપત્યો(મંદિરો અને મઠો)ની રચનાનો આરંભ થયો; જે ભારતીય સ્થાપત્યકળાના વિકાસમાં એક અગત્યનું સોપાન ગણાય છે. અઈયોળમાં ખોદકામ દરમિયાન લાકડાં અને ઈંટો વડે બાંધેલાં મંદિરોના અવશેષો મળ્યા છે, જે ઈસુની ચોથી સદીનાં હોવાનું અનુમાન છે. આ બાંધકામની ઉત્ક્રાંતિ ઈસુની છઠ્ઠી, સાતમી અને આઠમી સદીમાં અઈયોળ, પટ્ટાડકલ અને બદામી ખાતે પથ્થરના બાંધકામથી ચણેલાં અને ખડકમાંથી કોતરેલાં મંદિરો અને મઠમાં પરિણમી.

અહીં સ્થાપત્યકળા ઈસુની અગિયારમી સદી સુધી ચાલુ રહી. બારમી સદીમાં અઈયોળની ફરતે કિલ્લો બાંધીને તેને સુરક્ષિત કરાયું હતું. બારમી-તેરમી સદીમાં ઉત્તર ભારતમાંથી મુસ્લિમ સલ્તનતોના હુમલાને ખાળવામાં કિલ્લો ઉપયોગી નીવડ્યો. છતાં, બીજાપુર સલ્તનતનો સેનાપતિ લાડખાન અઈયોળના શિવમંદિરમાં ટૂંકા સમય માટે રોકાયો હોવાથી આ શિવમંદિર આજે પણ ‘લાડખાન’ નામે ઓળખાય છે.

1565માં વિજયનગરના સામ્રાજ્યના પતન પછી અઈયોળ બીજાપુર સલ્તનતના સુલતાન આદિલ શાહના તાબા હેઠળ આવ્યું. તેના સેનાપતિઓએ અઈયોળનાં મંદિરોનો ઉપયોગ પોતાના નિવાસસ્થાન તરીકે અને શસ્ત્રસરંજામના ભંડારના સંગ્રહ માટે કર્યો હતો. એ પછી સત્તરમી સદીમાં આદિલ શાહને હરાવીને મુઘલ બાદશાહ ઔરંગઝેબે અઈયોળ, બાદામી અને પટ્ટાડકલનો કબજો લીધો; એ પછી મરાઠા શાસકોએ એમનો કબજો લીધો; એ પછી અઢારમી સદીમાં હૈદર અલી અને ટીપુ સુલતાને એમનો કબજો લીધો. એ પછી આ સ્થળો બ્રિટિશ સામ્રાજ્યમાં સમાવેશ પામ્યાં.

ગૌદાર ગુદી મંદિર : ગૌદાર ગુદી મંદિર અગાઉના કોઈ કાષ્ઠ-સ્થાપત્યના મંદિરની પથ્થરના ચણતર દ્વારા નકલ હોવાનું જણાય છે. ચોરસ આકારના ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ ધરાવતા આ મંદિરને માથે શિખર કે ગુંબજ નથી, પરંતુ સપાટ પથ્થરનું બનેલું ઢળતું છાપરું છે, જેમાં કોતરકામ દ્વારા લાકડાની પટ્ટીઓ પણ કોતરી છે. આમ આ મંદિર કાષ્ઠ છાપરાની નકલ હોવાનું દેખીતી દૃષ્ટિએ જણાય છે. મંડપના સ્તંભ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીના છે, પરંતુ તેના ગોખ ઉત્તર ભારતની નાગરી શૈલીના છે.

ગૌદાર ગુદી મંદિરમાં કોતરેલાં લખાણ પરથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર દેવી ગૌરી(પાર્વતી)ને સમર્પિત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, મંડપ અને મંદિરની બહારની દીવાલ પરના ગોખલા ખાલી છે, ત્યાં જે શિલ્પો હતાં તે નષ્ટ થયાં છે. દેવી ગજલક્ષ્મીને નિરૂપતું એક શિલ્પ મોજૂદ છે. ગૌદાર ગુદી મંદિરની બાજુમાં વાવ (stepwell) છે, જે ઈસુની દસમી કે અગિયારમી સદીમાં બંધાઈ હોવાનું અનુમાન છે. ચિક્કી મંદિર પણ લાકડાના બાંધકામની પથ્થરમાં બનાવેલી નકલ જણાય છે. આ બંને મંદિરો ચોથી સદીમાં બનાવેલા લાકડાનાં મંદિરોની પાંચમી સદીમાં પથ્થરમાં બનાવેલી નકલો હોવાનું મનાય છે.

ચક્રગુદી મંદિર : ગૌદાર ગુદી મંદિર અને તેની બાજુની વાવની બાજુમાં ચક્રગુદી મંદિર છે. ચક્રગુદી મંદિરનું શિખર ઈસુની સાતમી કે આઠમી સદીમાં ઉત્તર ભારતની નાગર શૈલીમાં રચાયેલું છે.

દુર્ગા મંદિર : અઈયોળનાં તમામ મંદિરોમાંથી દુર્ગા મંદિર સૌથી વધુ જાણીતું છે. આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત નથી, પરંતુ તેની ફરતે ચારે બાજુ એક દુર્ગ(કિલ્લા)ના ખંડેરો હોવાથી તે દુર્ગા મંદિર નામે જાણીતું થયું. હિંદુ દેવો વિષ્ણુ અને સૂર્યને સમર્પિત આ મંદિર ઈસુની છઠ્ઠી સદીથી આઠમી સદી દરમિયાન બંધાયું હોવાનું મનાય છે. આ મંદિરનો પાછળનો ભાગ હસ્તિપૃષ્ઠ (apsidal) જેવા આકારનો હોવાથી આ મંદિર ગજપૃષ્ઠાકાર પ્રકારનું બાંધકામ ગણાય છે. આ ગજપૃષ્ઠાકાર ઈસુ પૂર્વે બીજી અને પહેલી સદીઓમાં બનાવેલી અજંતાની બૌદ્ધ ચૈત્યગૃહ ગુફાઓના પાછલા ભાગમાં પણ જોવા મળે છે.  દુર્ગા મંદિરનું શિખર ખંડિત છે અને શિખરનો મુકુટ પ્રદક્ષિણાપથ સ્તંભોથી અલંકૃત છે તથા મુખમંડપ (મુખ્ય ખંડ) અને સભામંડપ કોતરણીકામથી ભરપૂર છે. શિવ, વિષ્ણુ, હરિહર (અર્ધ શિવ-અર્ધ વિષ્ણુ), મહિષાસુરનું મર્દન કરી રહેલ દુર્ગાનું મહિષાસુરમર્દિની, ગંગા, યમુના, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુના અવતારો વરાહ અને નરસિંહના પૂરા માનવકદનાં પૂર્ણમૂર્ત શિલ્પો આ દુર્ગા મંદિરની શોભા વધારે છે. રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગોનું અને દૈનિક જીવનનું આલેખન કરતાં અર્ધમૂર્ત શિલ્પો (friezes) પણ દુર્ગા મંદિરમાં છે. ઉપરાંત કામલીલામાં લીન સ્ત્રીપુરુષનાં મૈથુન શિલ્પો પણ પૂર્ણમૂર્ત રૂપે અહીં છે. અઈયોળ મંદિરોને ફરતે સુરક્ષા માટેનો કિલ્લો ઈસુની અગિયારમી-બારમી સદીમાં બાંધ્યો હતો, જે આજે ખંડેર રૂપે મોજૂદ છે. અઈયોળ મંદિરોની આસપાસમાં ખોદકામ કરતી વેળા પ્રાચીન અને મધ્યયુગના અનેક અવશેષો મળ્યા છે. તેમાંથી ‘લજ્જાગૌરી’ નામનું પથ્થરમાંથી બનાવેલું શિલ્પ નોંધપાત્ર છે. આ શિલ્પમાં શિશુને જન્મ આપી રહેલી નગ્ન દેવી લજ્જાગૌરી અદિતિનું નિરૂપણ છે, તેનું મસ્તિષ્ક નારીનું નથી, મસ્તિષ્કને સ્થાને કમળ કંડારેલું છે. દુર્ગા મંદિરની બાજુમાં જ ભારત સરકારે ઊભા કરેલ ‘આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા મ્યુઝિયમ’માં તે સચવાયું છે.

સૂર્યનારાયણ મંદિર : દુર્ગા મંદિરની બાજુમાં આવેલા સૂર્યનારાયણ મંદિરના ગર્ભગૃહમાં રથ પર સવાર થયેલા સૂર્યદેવની પ્રતિમા છે, જેના બંને હાથમાં એક એક કમળ ધારણ કર્યાં છે. રથની નીચે સાત નાના કદના અશ્વ કોતરેલા છે. આ મંદિરનું શિખર પિરામિડ ઘાટનું છે.

લાડખાન મંદિર : ઈસુની પાંચમીથી આઠમી સદી વચ્ચેના કોઈ સમયમાં બંધાયેલા લાડખાન મંદિરનું નામ સુલતાન આદિલ શાહીના સેનાપતિ લાડખાન પરથી પ્રચલિત થયું છે, કારણ કે તેણે સોળમી સદીમાં મંદિરમાં રહીને લશ્કરી પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. મંદિરના પથ્થરમાંથી બનેલાં છાપરાં પર કોતરકામ એવી રીતે કર્યું છે કે જેથી લાકડાની પટ્ટીઓ બાજુબાજુમાં ગોઠવીને છાપરું તૈયાર કર્યું હોય તેવો ભ્રમ નજર સમક્ષ ઊભો થાય. લાડખાન મંદિરમાં કોતરેલાં શિલ્પોમાં દેવીઓ ગંગા, યમુના; દેવો વિષ્ણુ, સૂર્ય, અર્ધનારીશ્વર શિવ અને પાર્વતીનું સંયુક્તસ્વરૂપ, રતિમગ્ન મિથુન-શિલ્પો તથા રોજિંદી ક્રિયાઓમાં મગ્ન સામાન્ય જનોનું નિરૂપણ કરતાં શિલ્પોનો સમાવેશ છે. આ મંદિરમાં બે મંડપ છે.

રાવણફાડી ગુફા મંદિર : દુર્ગા મંદિરથી એક કિલોમીટરના અંતરે ઊંચાણ પર રાવણફાડી મંદિર આવેલું છે. ખડક કોતરીને ઈસુની છઠ્ઠી સદીમાં તેની રચના કરી તેના પ્રવેશના આંગણમાં ગર્ભગૃહ તરફ મુખ કરીને બેઠેલા નંદીની પ્રતિમા છે. આ ગુફા મંદિરની અંદર મંડપ છે, જેમાં સૌથી અંદરના મંડપમાં શિવલિંગ છે. ગુફા મંદિરને દ્વારે એક રક્ષક(દ્વારપાલ)ની અને એક અર્ધનારીશ્વરની પ્રતિમાઓ છે. પ્રથમ મંડપમાં નૃત્ય કરી રહેલા શિવ(નટરાજ)ની પાર્વતી સાથેની યુગ્મ પ્રતિમા, સપ્તમાતૃકાઓ શક્તિ સંપ્રદાયની સાત માતૃદેવીઓની પ્રતિમાઓ, ગણપતિની પ્રતિમા તથા કાર્તિકેયની પ્રતિમા છે. દ્વિતીય મંડપમાં હરિહર (અર્ધશિવ અર્ધવિષ્ણુ)ની પ્રતિમા છે. તેની સામી દીવાલે શિવની ઉપવાસથી ક્ષીણ થઈ ગયેલાં પાર્વતી સાથેની પ્રતિમા છે, બાજુમાં ગંગા, યમુના અને સરસ્વતી દેવીઓની પ્રતિમાઓ છે. ત્રીજા (મુખ્ય) મંડપમાં પૃથ્વીદેવીને બચાવી રહેલા વિષ્ણુના વરાહ અવતારની પ્રતિમા, ભાલો મારી રહેલાં મહિષાસુરમર્દિની દુર્ગાની પ્રતિમા છે. છતના મથાળે ગરુડ પર આરૂઢ થઈને ઊડી રહેલાં વિષ્ણુ અને લક્ષ્મીની અર્ધપ્રતિમા છે તથા સાથે ઐરાવત પર આરૂઢ ઇન્દ્ર અને ઇન્દ્રાણીની અર્ધપ્રતિમા છે.

હુચાપાયા માથા મંદિર (Huchappayya Matha) : દુર્ગા મંદિરથી એક કિલોમીટર દક્ષિણે હુચાપાયા મંદિર છે. તે એક શૈવ મંદિર છે. તેમાં મિથુનયુગ્મોનાં શિલ્પો છે, જેમાંથી એક મિથુનયુગ્મના શિલ્પમાં સ્ત્રીનું માથું માનવીનું નહીં પરંતુ ઘોડાનું છે. આ શૈવ મંદિરના મંડપની છતના મથાળે પોતાનાં વાહનો સાથે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં શિલ્પો છે. આ મંદિરને શિખર કે ગુંબજ નથી, છત સપાટ છે. મંડપની દીવાલો પર કામક્રીડામાં વ્યસ્ત મિથુનશિલ્પો કંડારેલાં છે. આ મંદિર ઈસુની સાતમી સદીમાં બંધાયું હોય તેવું અનુમાન છે.

હુચાપાયા ગુડી મંદિર : હુચાપાયા ગુડી મંદિરમાં શિખર નાગર શૈલીનું છે તથા ખંડિત હાલતમાં છે. તેનો મુકુટ (આમલક) અને કળશ ગાયબ છે. તેમાંથી બ્રહ્માની અર્ધમૂર્ત પ્રતિમા હાલ મુંબઈના મહારાજા શિવાજી મ્યુઝિયમમાં છે. પરંતુ બે શૈવ દ્વારપાળો, નરસિંહ, નૃત્યમગ્ન નટરાજ શિવ, બે સર્પને પકડી રહેલા મનુષ્યસ્વરૂપમાં ગરુડ, નર્તકો, સંગીતકારો, સપ્તમાતૃકાઓનાં શિલ્પો મંદિરમાં છે.

આમ્બીગેરગુડી મંદિરો  : દુર્ગા મંદિરની પશ્ચિમે આવેલાં ત્રણ મંદિરો આમ્બીગેરગુડી મંદિરો તરીકે ઓળખાય છે. આ ત્રણેય મંદિર ખંડિત છે અને તેમાંથી બીજા નંબરના એટલે કે વચ્ચેના મંદિરમાં સૂર્યદેવની ખંડિત પ્રતિમા છે.

જ્યોતિર્લિંગ મંદિરો : દુર્ગા મંદિરની પૂર્વ દિશાઓ અને રાવણફાડી ગુફા મંદિરની દક્ષિણ દિશાએ આવેલું પંદર હિંદુ મંદિરો અને એક વાવનું જૂથ જ્યોતિર્લિંગ મંદિરો નામે ઓળખાય છે. આ મંદિરો શિવને સમર્પિત છે અને તે ખંડેર હાલતમાં છે. તેના ભગ્ન મંડપોમાં નંદીની પ્રતિમાઓ છે, સ્તંભોની સપાટી પર ગણપતિ, કાર્તિકેય, પાર્વતી અને અર્ધનારીશ્વરની કોતરેલી પ્રતિમાઓ હજી મોજૂદ છે.

મલ્લિકાર્જુન મંદિર : ઈસુની સાતમી સદીની આસપાસ રચાયેલા મલ્લિકાર્જુન મંદિરના જૂથમાં કુલ પાંચ હિંદુ મંદિરોનો સમાવેશ છે. મુખ્ય મંદિર મલ્લિકાર્જુનના શિખરનો પ્લાન ચોરસ છે, ઉપર ટોચ પર આમલક અને કળશ મોજૂદ છે. આ મુખ્ય મંદિર અને ચાર નાનાં મંદિરોની બહારની દીવાલો કોઈ શણગાર કે કોતરણી વિનાની છે. મુખ્ય મંદિર મલ્લિકાર્જુન શિવને સમર્પિત છે. તેના મંડપમાં નંદીની પ્રતિમા છે. દીવાલોની અંદરની સપાટીઓ પર અને સ્તંભોની સપાટીઓ પર બેઠેલી મુદ્રામાં વિષ્ણુનું નરસિંહરૂપ, ગણપતિ, પદ્મનિધિ, મહિલા સંગીતકારો, નૃત્યાંગનાઓ તથા કામક્રીડામગ્ન યુગ્મ સ્ત્રીપુરુષોનાં શિલ્પો છે.

રામલિંગ મંદિર જૂથ : દુર્ગા મંદિરથી અઢી કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલું શિવ સમર્પિત મંદિરોનું જૂથ રામલિંગ અથવા રામલિંગેશ્વર તરીકે ઓળખાય છે. આ મંદિરોમાં આજે પણ પૂજા થાય છે. તેમાં મુખ્ય મંદિરના પ્રવેશદ્વારે આધુનિક યુગમાં બનાવેલો લાકડાનો રથ મૂકેલો છે. પ્રવેશદ્વારની સામે નટરાજસ્વરૂપે શિવ અને બે સિંહની પ્રતિમાઓ કોતરેલી છે. મંદિરનું શિખર ચતુષ્કોણ તલમાન ધરાવતું પિરામિડ ઘાટનું છે. મંડપનું છાપરું ઢળતું છે. પથ્થરોની પાટોથી બનાવેલું છે.

વેનીયાર મંદિર જૂથ : રામલિંગ મંદિર જૂથ નજીક આવેલ વેનીયાર મંદિર જૂથમાં દસ હિંદુ મંદિરોનો સમાવેશ છે. આ જૂથ વેનીયારગુડી, વેનીયાવાર અને વેનીયાવુર નામે પણ જાણીતું છે. આ મંદિર જૂથ ખંડેર ભગ્ન હાલતમાં છે. તેમાંથી સૌથી વધુ મોટું મંદિર ઈસુની અગિયારમી સદીમાં બંધાયું હોવાનું અનુમાન છે. સ્તંભનો પ્લાન ભોંય આગળ ચોરસ (ચતુષ્કોણ) છે, પછીથી તે ઉપર જતાં અષ્ટકોણ ઘાટ ધારણ કરે છે અને છેક ઉપર છત પાસે સ્તંભમાં ઊંધો નિમ્નાભિમુખ કળશનો ઘાટ છે. પ્રવેશદ્વાર સમક્ષ ગજલક્ષ્મીની પ્રતિમા છે.

ગાલાગાનાતા મંદિર જૂથ : દુર્ગા મંદિરથી અઢી કિલોમીટર દક્ષિણ દિશાએ માલાપ્રભા નદીને કાંઠે આવેલ ગાલાગાનાતા મંદિર જૂથમાં ત્રીસથી વધુ સંખ્યામાં હિંદુ મંદિરો અને બાંધકામોનો સમાવેશ છે, જે તમામ ભગ્ન હાલતમાં છે. આ મંદિર જૂથ ‘ગગલનાથ’ નામે પણ જાણીતું છે, જે ઈસુની સાતમી સદીથી માંડીને બારમી સદી સુધીમાં બંધાયું હોવાનું અનુમાન છે. આ મંદિર જૂથનું મુખ્ય મંદિર શિવને સમર્પિત હોવા છતાં તેના મંડપમાં બ્રહ્મા, વિષ્ણુ અને દુર્ગાની મૂર્તિઓ છે. તેના મંડપની છતમાં રહેલી શિવની પ્રતિમા અને બીજી ઘણી મૂર્તિઓ મુંબઈના મહારાજા શિવાજી છત્રપતિ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ જૂથના મુખ્ય મંદિરનું શિખર ઉત્તર ભારતની નાગર શૈલીના ઘાટનું છે, મંદિરના દ્વારે ગંગા અને યમુના દેવીઓનાં શિલ્પો છે. એક બીજા મંદિરનું શિખર દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીમાં બાંધેલું છે, બાકીનાં મંદિરોનાં જૂથો મોજૂદ નથી.

આ ગાલાગાનાતા મંદિર જૂથનાં મંદિરોની દીવાલો અને સ્તંભો પર દુર્ગા, હરિહર, મહેશ્વરી, સપ્તમાતૃકા દેવીઓ તથા પુષ્પો, લતાઓ, ફળો, વૃક્ષો, મગર અને બીજાં પશુપંખીઓની આકૃતિઓની કોતરણી છે. પૂરા કદનું દેવી લજ્જાગૌરીનું શિલ્પ ગાલાગાનાતા મંદિર જૂથમાંથી જ મળી આવ્યું હતું, જે હાલ અઈયોળના આર્કિયૉલૉજિક મ્યુઝિયમમાં સુરક્ષિત છે. કમળનું મુખ ધરાવતી અને પીઠ પર સૂતેલી આ દેવી બે પગ પહોળા કરીને બાળકને જન્મ આપી રહી હોય તેવી મુદ્રા ધરાવે છે.

માડીન મંદિર જૂથ : ચાર હિંદુ મંદિર ધરાવતું માડીન મંદિર જૂથના મુખ્ય મંદિરમાંના સ્તંભોની રચનામાં અલગ અલગ પ્રકારની ભાત જોવા મળે છે, જે તેના સ્થપતિઓ અને કલાકારોનો પ્રયોગશીલ અભિગમ સૂચવે છે. તેમાં મુખ્ય પ્રતિમાઓ નટરાજ શિવની અને ગજલક્ષ્મીની છે. શિવની સામે નંદીની પ્રતિમા છે.

ત્ર્યંબકેશ્વર મંદિર જૂથ : ત્ર્યંબકેશ્વર મંદિર જૂથમાં પાંચ હિંદુ મંદિરો છે. તેના મુખ્ય મંદિરના દ્વારની ઉપર ગજલક્ષ્મીની પ્રતિમા છે. તેના ગર્ભગૃહમાં શિવલિંગની પ્રતિમા છે. ગર્ભગૃહની સામે નંદીની પ્રતિમા છે.

કુંતીગુડી મંદિર જૂથ : કુંતીગુડી મંદિર જૂથમાં ચાર હિંદુ મંદિરો છે. તેમાં દીવાલો પર કોતરેલાં શિલ્પોમાં કામક્રીડામાં વ્યસ્ત સ્ત્રીપુરુષોનાં યુગલો ઉપરાંત વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયનાં શિલ્પો છે. શેષનાગ પર સૂતેલા વિષ્ણુનું શિલ્પ એવા દૃષ્ટિકોણથી કંડાર્યું છે કે જાણે દર્શક ઉપર આકાશમાંથી નીચે આ દૃશ્ય (top view) જોઈ રહ્યો હોય.

યોગાસનમાં બેઠેલાં શિવ અને પાર્વતી, કમળ ઉપર આરૂઢ ત્રણ માથાં ધરાવતા બ્રહ્મા, મહિષાસુરની હત્યા કરી રહેલાં દુર્ગા(મહિષાસુરમર્દિની)નાં શિલ્પો અહીં છે. ઉપરાંત ઊભેલી મુદ્રામાં નરસિંહ વિષ્ણુ, અર્ધનારીશ્વર (અર્ધશિવ – અર્ધ- પાર્વતી), નટરાજ શિવ, ગજલક્ષ્મી, ગણપતિ, મોતીની જનોઈ (યજ્ઞોપવીત) સાથેના શિવ, અગ્નિ, ઇન્દ્ર, કુબેર, ઈશાન, વાયુનાં શિલ્પ પણ છે.

આઠ હાથ ધરાવતી એક ખંડિત પ્રતિમાના હાથમાં ત્રિશૂળ, ચક્ર અને ધનુષ છે, જે હરિહર હોવાનું મનાય છે, કારણ કે આ આયુધોમાંથી ત્રિશૂળ શિવનું આયુધ છે, જ્યારે ચક્ર એ વિષ્ણુનું આયુધ અને ધનુષ રામનું આયુધ છે.

ચિકીગુડી મંદિર જૂથ : ચિકીગુડી મંદિર જૂથમાંના મુખ્ય મંદિરમાં ત્રિવિક્રમ વિષ્ણુ, નટરાજ શિવ અને ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંયુક્ત એક મૂર્તિ) તથા બીજાં કેટલાંક શિલ્પોની કોતરણી બારીક છે.

બીજાં મંદિરો

અઈયોળમાં ઉપર જણાવેલાં મંદિર જૂથો ઉપરાંત પણ કેટલાંક મંદિરો છે : ઈસુની છઠ્ઠી-સાતમી સદીમાં બનેલાં તારાબાસાપ્પા મંદિરનાં ગર્ભગૃહ અને સભામંડપ હયાત છે. ઈસુની છઠ્ઠી-સાતમી સદીમાં બનેલા હુચિમાલી મંદિરમાં કાર્તિકેયની મૂર્તિની કોતરણી બારીક છે. ઈસુની નવમી સદીમાં બનેલા અરાલિબાસાપ્પા મંદિર ગંગા દેવી અને યમુના દેવીનાં શિલ્પો છે. ઈસુની બારમી સદીમાં બનેલા ગૌરી મંદિરમાં દેવી દુર્ગા ઉપરાંત કેટલાંક શૈવશિલ્પો અને વૈષ્ણવ શિલ્પો છે. ઈસુની છઠ્ઠી સદીથી આઠમી સદી સુધીમાં બનેલાં સંગમેશ્વર મંદિરમાં સપ્તમાતૃકા દેવીઓનાં શિલ્પો અને શાક્ત સંપ્રદાયના શિલ્પો છે.

બૌદ્ધ મંદિર : અઈયોળમાં એક બૌદ્ધ મંદિર છે. અઈયોળની મેગુરી ટેકરી પર ખડક કોતરીને બનાવેલા આ મંદિરમાં બે માળ છે : પહેલો માળ અને બીજો માળ. બંને માળ દીવાલ વિનાના ખુલ્લા છે અને તેમની બે બાજુઓની ધારે ચોરસ ઘાટના થાંભલાઓ છે, જેના પર બારીક કોતરણી છે. જે ખડકમાંથી આ મંદિર કોતર્યું છે, તે અંદરની બાજુએ બંને માળમાં એક એક ખંડ છે. તે મઠ તરીકે કે સાધુઓના રહેઠાણ તરીકે વપરાતા હોવાનું અનુમાન છે. મંદિરની બહાર મંદિરની સામે જ બુદ્ધનું ખંડિત શિલ્પ પડેલું છે, જેનું માથું ગાયબ છે. અનુમાન છે કે આ શિલ્પ આ મંદિરની મુખ્ય પ્રતિમા હશે અને અંદરથી જ ભૂતકાળમાં ક્યારેક બહાર કઢાઈ હશે. નીચેના માળે ખંડના પ્રવેશદ્વાર પર બારીક કોતરણી છે. ઉપરના માળે ખડકની દીવાલ પર છત્રી નીચે બેઠેલા બુદ્ધની અર્ધમૂર્ત (Relief) પ્રતિમા કોતરેલી છે. આ બૌદ્ધ મંદિર ઈસુની છઠ્ઠી સદીમાં બનેલું હોવાનું અનુમાન છે.

જૈન સ્મારકો અને મંદિરો : અઈયોળમાં જૈન સ્મારકો અને મંદિરોની સંખ્યા દસ છે, જેમનું નિર્માણ ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી સુધીના સમયમાં થયું હતું. જૈન તીર્થંકર મહાવીરને સમર્પિત મેગુટીનું જૈન મંદિર મેગુટી નામની ટેકરી પર છે. આ મંદિરનાં પગથિયાં ચઢતાં થાંભલાવાળો મંડપ (Portico) છે જ્યાંથી આગળ વધતાં મુખ્ય મંડપમાં પ્રવેશી શકાય અને એથી આગળ વધતાં પગથિયાં ચઢીને ગર્ભગૃહમાં પ્રવેશી શકાય.

ચોરસ પ્લાન ધરાવતા આ ગર્ભગૃહના બે ભાગ છે : પગથિયાં ચઢીને પહોંચતા મોટા ગર્ભગૃહની અંદર ચોરસ પ્લાન ધરાવતું નાનું ગર્ભગૃહ છે. નાના ગર્ભગૃહની ફરતે મોટા ગર્ભગૃહમાં ચોરસ આકારનો પ્રદક્ષિણા-પથ છે. જોકે પછી આ નાના ગર્ભગૃહની પાછળનો પ્રદક્ષિણા-પથનો ભાગ પછીના કોઈ સમયમાં દીવાલ ચણીને વખારમાં ફેરવી નંખાયો છે. અંદરના ગર્ભગૃહમાં એક તીર્થંકરની અણઘડ (crude) કહી શકાય તેવી મૂર્તિ છે. પરંતુ તેની બાજુમાં રહેલી દેવી અંબિકા અને તેની દાસીઓની મૂર્તિઓની કોતરણીઓ સુકુમાર છે. આ મંદિરમાં પહેલે માળથી બીજે માળ ચઢવા-ઊતરવાનો દાદરો ખંડિત અવસ્થામાં છે. આ મંદિરનું નિર્માણ અપૂર્ણ અવસ્થામાં છોડી દેવાયું છે. તેની કેટલીક દીવાલો અને ગોખલામાં કોતરણીઓ કરવાની બાકી રહી છે, અથવા અધૂરી છોડી દેવાઈ છે. આ મંદિર મૂળમાં શિખર ધરાવતું હતું, પરંતુ તે શિખર નષ્ટ થયું છે, અને તેને સ્થાને પથ્થરોના ઢળતા ઢોળાવ વડે એક ખાલી ઓરડો બનાવેલો છે. ધ્યાનમગ્ન તીર્થંકરો અને બીજા તપસ્વીઓની કોતરણીઓ આ મંદિરમાં છે.

આ મેગુટી મંદિર બહારની દીવાલ પરના એક પથ્થર પર લખાણ કોતરેલું છે, જે જૂની કન્નડ લિપિમાં સંસ્કૃત ભાષામાં લખેલું છે. ઈસુના 634 વર્ષ(શક સંવત 556)માં તે અહીં કોતરેલું હોવાનું મનાય છે.

રાજા પુલકેશી બીજાના સલાહકાર અને જૈન કવિ રવિકીર્તિ દ્વારા રચિત આ લખાણ(શ્લોક)માં કવિ કાલિદાસ અને કવિ ભારવિનો ઉલ્લેખ છે. મેગુટી જૈન મંદિરના નિર્માતા તરીકે ચાલુક્ય રાજપરિવાર હોવાનો ઉલ્લેખ પણ તેમાં છે. પુલકેશીએ રાજા હર્ષવર્ધનને હરાવ્યો, પલ્લવોને હરાવ્યા અને પરમભાગવત મંગલેશે કાલાચુરીને હરાવ્યા તેનો ઉલ્લેખ પણ છે.

મેગુટી ટેકરી નજીક એક જૈન ગુફામંદિર છે, જે ઈસુની છઠ્ઠી કે સાતમી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું અનુમાન છે. બહારથી સાવ સાદી દીવાલો ધરાવતી ગુફાની અંદર ભરપૂર કોતરણીઓ છે, જેમાં માનવીઓને આરોગી જતા મગરો અને કમળપુષ્પો-પત્રોની અનેક આકૃતિઓ છે. ઉપરાંત પાર્શ્વનાથ અને બાહુબલિની મૂર્તિઓ છે, બંનેના માથા પર નાગની બંનેના પગથી કેડ સુધી લતા વીંટળાઈ ગયેલી છે. બંનેની બાજુમાં દાસીઓ ઊભેલી છે. ગર્ભગૃહને દ્વારે દ્વારપાલોની મૂર્તિઓ છે, તેમના હાથમાં કમળપુષ્પો છે.

ગૌરી મંદિર નજીક આવેલું ચાર જૈન મંદિરોનું જૂથ ‘યોગીનારાયણ મંદિર જૂથ’ નામે ઓળખાય છે. તેમના થાંભલાઓ બારીક કોતરણીથી ભરપૂર છે અને તેમનાં શિખરો ચોરસ પ્લાન ધરાવે છે. પિરામિડ ઘાટનાં આ શિખરો દક્ષિણ ભારતની દ્રવિડ સ્થાપત્ય શૈલીનાં સૂચક છે. આ જૂથના મુખ્ય મંદિરમાં પાર્શ્વનાથ તીર્થંકરની બેઠેલી મુદ્રામાં મૂર્તિ છે, મૂર્તિની નીચે કોતરેલા ગોખલામાં સિંહની મૂર્તિઓ છે. પાર્શ્વનાથના માથા પર પંચફણા નાગના છત્રની રચના કરી છે.

અઈયોળમાં આ ઉપરાંત ત્રણ જૈન મંદિરોનું એક જૂથ છે, જે ‘ચારાન્તી માતા મંદિર જૂથ’ (Charanthi Matha Temples Group) નામે ઓળખાય છે. તેમનું નિર્માણ ઈસુની બારમી સદીમાં થયું હોવાનું અનુમાન છે. આ જૂથના મુખ્ય મંદિરમાં મહાવીરની મૂર્તિ છે, જેની બંને બાજુએ એક એક દાસીની મૂર્તિઓ છે. આ મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન ઉપર પદ્માસનમાં બેઠેલી મુદ્રામાં મહાવીરની મૂર્તિ છે. આ ત્રણેય મંદિરોની શિખરરચના પિરામિડ ઘાટની છે.

ભારતીય મંદિર સ્થાપત્ય પરંપરામાં અઈયોળનું મહત્ત્વ

વિદ્વાનો માને છે કે પ્રાચીન ભારતમાં લાકડામાંથી મંદિરોનું નિર્માણ થતું હતું અને તે પ્રાચીન ‘મૉડલો’(નમૂનાઓ)નું ખડક અને પથ્થરના માધ્યમમાં અનુકરણ (imitation) અઈયોળનાં મંદિરે થયું છે. ખડક અને પથ્થરના માધ્યમથી મંદિર-નિર્માણની શરૂઆત અઈયોળમાં જોવા મળે છે. ઉત્તર ભારતની નાગર સ્થાપત્યશૈલી અને દક્ષિણ ભારતની દ્રવિડ સ્થાપત્યશૈલીના શરૂઆતના નમૂના અઇયોળમાં મળ્યા છે.

અમિતાભ મડિયા

ર. ના. મહેતા