અંબિકાપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 230 07’ ઉ. અ. અને 830 12’ પૂ. રે. તે સરગુજા અને વિશ્રામપુર એ બે નામોથી પણ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશના સરગુજા જિલ્લાનું આ મુખ્ય મથક હોવાથી તેનો સ્વાભાવિક વિકાસ થયો છે. રસ્તાથી તે ધર્મજયગૃહ અને પટણા સાથે જોડાયેલું છે. અનાજનું ઘણું જ મોટું બજાર આ શહેરમાં છે. ઉપરાંત કોલસાના સંગ્રહ અને વિતરણનું પણ આ મથક છે.
સરગુજા જિલ્લાનો વિસ્તાર 22,337 ચોકિમી. અને વસ્તી 1,21,071 (2011) છે. આ જિલ્લો, સરગુજા, ચાંદભાકર અને કોરિયા રજવાડાના પ્રદેશો એકત્ર કરીને બનાવેલો છે.
અંબિકાપુરની નજીકમાં રામગઢની ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓની ગુફાઓ કુદરતી બોગદા જેવી હોઈ તેમાંની થોડી ગુફાઓમાંથી મંદિરના અવશેષો મળી આવ્યા છે. ઈ. પૂ. 2જી સદીનું આ સ્થાપત્ય છે એવો બ્રાહ્મી લેખમાં ઉલ્લેખ છે.
હેમન્તકુમાર શાહ