અંધેરી નગરી : અંધેર શાસનના ઉદાહરણાર્થે રજૂ થતું સ્થળવિશેષને અનુલક્ષતું એક લોકપ્રસિદ્ધ કથાકલ્પન. જ્યાં અવિવેક, અરાજકતા અને અનવસ્થાની કરુણ અને હાસ્યાસ્પદ સ્થિતિ હોય ત્યાં તેને ઓળખાવવા વ્યંગ્યમાં આ અંધેરી નગરીનો અને તેના અભણ મૂર્ખ શાસકનું રાજાનું દૃષ્ટાંત પ્રયોજાય છે. અંધેરીનગરીની કથા આવી છે : એક વણિકને ઘેર ખાતર પાડવા ગયેલા ચાર ચોર ભીંત પડી જતાં તેની તળે દબાઈને મરણ પામે છે. ચોરની માતા સવારે આ અંગે રાજાને ફરિયાદ કરે છે. તેથી રાજા આ ઘરના માલિક વણિક શેઠને શૂળીની સજા ફરમાવે છે; પણ શેઠ પોતાની નિર્દોષતા આગળ કરી ભીંત ચણનાર કડિયાનો વાંક કાઢે છે. તેથી શેઠને બદલે કડિયાને એ સજા ફરમાવાય છે. તે પછી ક્રમશ: કડિયાને બદલે ગારો બનાવનાર ને પછી ગારો બનાવનારને બદલે ગારામાં વધુ પાણી નાખનાર પખાલીને, ત્યારબાદ એ પાણી રેડનાર એ પખાલીનું ધ્યાન ચુકાવનાર મુલ્લાંને શૂળીની સજા ફરમાવાય છે. મુલ્લાં જ્યારે શૂળી પર ચડવા જાય છે ત્યારે શૂળીનો ગાળો તેમની ડોકના પ્રમાણમાં ઘણો મોટો હોઈ એક જાડા સાધુને આ ઘટના સાથે કશી લેવાદેવા નહિ છતાં શૂળીને માટે પકડવામાં આવે છે ! આ એ જ સાધુ હોય છે જે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં આ નગરમાં વેચાતાં હોવાથી રાજીનો રેડ થઈ, મનમાની રીતે ખાજાં ખાવા ગુરુની સૂચનાનો ધરાર અનાદર કરી અહીં રોકાઈ પડ્યો હોય છે. ગુરુ સુજ્ઞ હોઈ જ્યાં ભાજીના મૂલ્યે ખાજાં વેચાતાં હોય એવા બેવકૂફ રાજાની નગરીમાં રાત રોકાવાનોય ઇનકાર કરીને ચાલી ગયા હોય છે; પણ ખાવાના લોભે રોકાઈ પડેલો એમનો શિષ્ય છેવટે આ અંધેરી નગરીના ગંડુ રાજાની આંધળી ન્યાયરીતિનો ભોગ બને એવા જાનના જોખમમાં આવી પડે છે. તે તબક્કે ફરીથી એ શિષ્ય ગુરુને તેડાવી એમની ચાતુર્યભરી યુક્તિથી બચે છે અને સ્વર્ગમાં જવાના લોભે ન્યાય તોલનારો અંધેરીનગરીનો ગંડુ રાજા પોતે જ ચાહીને શૂળીનો ગાળિયો પોતાના ગળામાં નખાવીને મરણશરણ થાય છે. આમ આ કથાનો ‘રાજવિદ્યાભ્યાસ’ (1854) નામના કાવ્યમાં સરસ રીતે ઉપયોગ કરી કવિ દલપતરામે (1820-1898) ત્યાં મહેતાજીના પાત્ર દ્વારા આ કથા પદ્યમાં કહેવડાવીને રાજાઓને ભણવાનો અને વિવેકી બનવાનો સદબોધ આપ્યો છે. આ જ કથાનો વિનિયોગ કરી ‘અંધેરીનગરીનો ગર્ધવસેન’ (1881) નામે એક ઉટંગ વાર્તા હરગોવિંદદાસ કાંટાવાળા(1844-1930)એ લખેલી. હિન્દીમાં પણ કવિ ભારતેન્દુ(1850-1885)એ ‘અંધેરી નગરી’ ઉપર એક નાટક લખ્યું છે, જે ખૂબ લોકપ્રિય છે. ગુજરાતીમાં લોકપ્રચલિત જે ઉત્તમ કથાઓ છે તેમાં અંધેરી નગરીના રાજાની કથાનો પણ સમાવેશ થાય છે. આજેય રાજકીય અવ્યવસ્થાના નૂતન સંદર્ભમાં અંધેરી નગરીના કથાઘટકનો વ્યંગ સાથે અસરકારક ઉપયોગ થતો હોય છે.
ચન્દ્રકાન્ત શેઠ