અંધાપો, રાત્રીનો (night blindness) : રાત્રીના સમયે ઓછું જોઈ શકવું અથવા રતાંધળાપણું. તેનાં મુખ્ય કારણો બે છે વિટામિન ‘એ’ની ખામી અને આનુવંશિકતા. દૃષ્ટિપટલ વર્ણકતા (retinitis pigmentosa) એ એક જન્મજાત ખામી છે. તે ધીરે ધીરે વધતી રહે છે અને વૃદ્ધાવસ્થામાં અંધાપો લાવે છે.
અપૂરતો ખોરાક, વારંવાર ઝાડા-ઊલટી થવાં કે લાંબી બીમારીથી વિટામિન ‘એ’ની ઊણપ થાય છે. યકૃતકાઠિન્ય(liver cirrhosis)માં પણ આવી તકલીફ થઈ શકે છે. દૃષ્ટિપટલ(retina)માં સળીકોશો (rods) આવેલા છે. પ્રકાશની હાજરીમાં તેમાંના વર્ણકકણો(pigments)નું રાસાયણિક પરિવર્તન થાય છે. તેથી તેમાંનો જાંબુડી રંગકણ (દૃષ્ટિવર્ણક) વિઘટિત્ થઈની પીળો રંગકણ બને છે. ફરીથી તે જાંબુડી રંગકણ બને છે. આવું પરિવર્તન દૃષ્ટિચેતા દ્વારા મગજને સંદેશો પહોંચાડે છે. તે ક્રિયાને અંતે નવાં આવતાં પ્રકાશનાં કિરણો પારખવા માટે મૂળ વર્ણકકણો ફરીથી બનાવવા પડે છે. આ ક્રિયા માટે વિટામિન ‘એ’ની જરૂર પડે છે. વિટામિન ‘એ’ની ખામીમાં મૂળ વર્ણકકણો બનતા નથી અને તેથી વ્યક્તિ ઝાંખા પ્રકાશમાં પૂરું જોઈ શકતી નથી. તેની આંખ સૂકી થઈ જાય છે, તેને નેત્રશુષ્કતા (xerophthalmia) કહે છે. વિટામિન ‘એ’ મેદદ્રાવી (fat soluble) હોવાથી કૉડલિવર અને શાર્કલિવરના તેલમાંથી તથા દૂધ-ઈંડામાંથી મળી રહે છે. ગાજરના મૂળમાંના વચલા પીળા ભાગમાંથી, લીલાં શાકભાજીમાંથી, ટામેટાં તથા કેરીમાંથી અને સરગવાની શિંગોમાંથી પણ વિટામિન ‘એ’ મળી રહે છે. ચિકિત્સારૂપે વિટામિન ‘એ’ આપવાથી આ રોગ મટે છે.
નીતિન ત્રિવેદી
શિલીન નં. શુક્લ