અંધાપો, રંગલક્ષી (colour blindness) : રંગ પારખવાની ક્ષમતા. તે જન્મજાત (congenital) અથવા સંપ્રાપ્ત (acquired) હોય છે.
જન્મજાત રંગલક્ષી અંધાપો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ બધા જ રંગો જોવા માટે અશક્ત હોય છે (પૂર્ણ રંગલક્ષી અંધાપો). આ સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે, મગજની ક્ષતિને કારણે થાય છે. વ્યક્તિને બધા રંગો કાળા અને ધોળાની વચ્ચેના ક્રમશ: ભૂખરા બનતા જતા હોય તેમ દેખાય છે. બીજા પ્રકારમાં વ્યક્તિ અમુક ચોક્કસ રંગ જોવાને અસમર્થ હોય છે. મુખ્યત્વે પુરુષોમાં જોવા મળતો આ રોગ સામાન્ય રીતે ધ્યાનમાં આવતો નથી. પણ અમુક ચોક્કસ પરીક્ષણ કરવામાં આવે તો જ તે જાણી શકાય છે. આ રોગ આંખના પડદામાં આવેલા શંકુ (cones) આકારના કોશોમાંના વર્ણક-કણો(pigments)ના અભાવે થાય છે. સામાન્ય રીતે લાલ અથવા લીલો રંગ જોવામાં તકલીફ થાય છે. આ બંને રંગો રોજિંદા વ્યવહારમાં ખાસ કરીને માર્ગપરિવહનમાં ખૂબ વપરાતા હોવાથી કોઈ પણ જાતનો રંગલક્ષી અંધાપો વાહનચાલકો માટે ખતરનાક નીવડે છે. કોઈક વાર આ ખામી પણ અપૂર્ણ રૂપમાં જોવા મળે છે. ભાગ્યે જ જુદો રંગ જોવાની તકલીફ વ્યક્તિને હોય છે. સંપ્રાપ્ત રંગલક્ષી અંધાપો દૃષ્ટિ-ચેતા(optic nerve)ના રોગોને કારણે અથવા મોતિયો આવવાને કારણે પણ થઈ શકે છે. રંગદૃષ્ટિ જીવનમાં ખૂબ અગત્યની હોઈ રંગલક્ષી અંધાપો એક મોટી ખામી ગણાય. આ ખામી પારખવા માટે ઘણાં બધાં પરીક્ષણોની શોધ થઈ છે, જેમાંની સૌથી સરળ અને ચોક્કસ રીત ઇશીહારાનો આલેખ (Ishihara chart) છે.
નીતિન ત્રિવેદી
શિલીન નં. શુક્લ