અંધાપો (blindness) : પ્રકાશ પારખવાની અક્ષમતા. પરંતુ વાસ્તવમાં આ સ્થિતિ ઘણા ઓછા લોકોની હોય છે. છતાં ઘણા બધા લોકો આંખની દૃષ્ટિ ઓછી થવાને કારણે હરીફરી શકતા નથી અથવા પોતાની રોજીરોટી કમાઈ શકતા નથી. આને આધારે અંધાપાના બે ભાગ પાડવામાં આવે છે : (1) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે ત્રણ મીટરથી વધુ દૂરથી આંગળીઓ ગણી ન શકે તેને સંપૂર્ણ અંધ ગણવામાં આવે છે. (2) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે સ્નેલનના ચાર્ટ(Snellen chart)માં 6/60 એટલે કે સૌથી ઉપરના મોટા અક્ષર પણ ન વાંચી શકે અથવા જેની દૃષ્ટિનું ક્ષેત્ર (field of vision) મધ્ય 200 કરતાં ઓછું હોય તેને આર્થિક (economic) રીતે અંધ ગણવામાં આવે છે. આવી વ્યક્તિઓ હરીફરી, શકે છે, પરંતુ પોતાનું ગુજરાન ચલાવી શકતી નથી.
વિશ્વભરમાં આજે લગભગ બે કરોડ લોકો સંપૂર્ણ રીતે અંધ છે. ભારતમાં છેલ્લા આંકડાઓ મુજબ 90 લાખ લોકો સંપૂર્ણ અંધ છે અને બીજા 4.50 કરોડ લોકો આંશિક રીતે અંધ છે.
ભારતમાં અંધત્વનાં મુખ્ય કારણો
(1) | મોતિયો (cataract) | 55 % |
(2) | નેત્રખીલ (trachoma) અને બીજા ચેપી રોગો | 20 % |
(3) | શીતળા(small pox)ના જૂના કેસો | 3 % |
(4) | અપૂરતો ખોરાક વિટામિન ‘એ’ની ખામી | 2 % |
(5) | ઈજાજન્ય (traumatic) | 1.20 % |
(6) | ઝામર (glaucoma) | 0.50 % |
(7) | બીજાં કારણો અને જન્મજાત રોગો જેવા કે નેત્રપટલ | |
ખસી જવો, મધુપ્રમેહ, આનુવંશિક રોગો, ર્દષ્ટિચેતાનો | ||
સોજો અને સુકાઈ જવું, આંખની લોહીની નસના રોગો | 18.30 % |
આંખના રોગોમાં મોતિયાનું પ્રમાણ વિશેષ છે. સદભાગ્યે આ એક સારવાર કરી શકાય તેવી બીમારી છે. મોટેભાગે ઉંમર સાથે થતો આ રોગ શસ્ત્રક્રિયાથી મટાડી શકાય છે, અને ત્યારબાદ વ્યક્તિ જોઈ શકે છે. પણ ભારતમાં 50 લાખ લોકોના મોતિયાની શસ્ત્રક્રિયા કરી શકે તેટલા નેત્રનિષ્ણાતો નથી અને દર વર્ષે આ સંખ્યામાં વધારો થતો રહે છે.
નેત્રખીલ અને શીતળાના કારણે સ્વચ્છા સફેદ અને અપારદર્શક થઈ જાય છે. આવા દરદીઓને નવી કીકી બેસાડવાની શસ્ત્રક્રિયા (સ્વચ્છા-નિરોપ, keratoplasty) કરીને દૃષ્ટિ આપી શકાય છે, પણ આ માટે નિષ્ણાત સર્જ્યન, સારાં સાધનો અને સૌથી વધુ તો નેત્રદાનની ખૂબ જરૂર રહે છે.
ખોરાકના અભાવના કારણે થતો અંધાપો પણ વખતસર પગલાં લેવાથી નિવારી શકાય છે. બાકીનાં કારણોસર થતો અંધાપો મોટેભાગે મટાડી શકાતો નથી.
આમ અંધાપો એ એક જટિલ પ્રશ્ન છે. તેને મહાત કરવા માટે સંશોધનો ચાલુ છે.
નીતિન ત્રિવેદી
શિલીન નં. શુક્લ