અંતિમ હિમ–અશ્માવલિ (terminal moraine) : હિમનદીના અંતિમ ભાગમાં તેની વહનક્રિયા દ્વારા એકત્રિત થયેલો વિભાજિત ખડક-ટુકડાઓનો ઢગ. હિમનદીના માર્ગની આડે, તેના પૂરા થતા છેક છેડાના પટ પર, જ્યાંથી બરફ પીગળીને પાણી સ્વરૂપે આગળ વહી જાય, એવી હિમનદીની પીગળતી જતી સ્થિર કિનારી પર, ખેંચાઈ આવેલો ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થઈને ઢગ સ્વરૂપે પથરાય તેને અંતિમ હિમ-અશ્માવલિ તરીકે ઓળખવામાં આવે છે. તેના બંધારણમાં સૂક્ષ્મચૂર્ણથી માંડીને મહાગોળાશ્મ (boulders) સુધીના નાના-મોટા, ભિન્ન ભિન્ન આકાર-પ્રકાર-પરિમાણવાળા ખડક-ટુકડાઓનો સમાવેશ થતો હોય છે. પર્વત-પ્રદેશોનાં ઊંચાઈવાળાં સ્થાનોમાં, જ્યાં હિમરેખા – હિમનદીની નિમ્ન મર્યાદારેખા (snow-line) – પૂરી થતી હોય ત્યાં, આવી શક્યતાઓ પેદા થાય છે અને અવ્યવસ્થિત ગોઠવાયેલા કે ક્યારેક કમાનાકાર ઢગલાઓની રચના થતી હોય છે.
ભૂતકાળમાં મોટા ભાગની હિમનદીઓના ઇતિહાસમાં દૃષ્ટિપાત કરીએ તો કેટલાક દાખલાઓમાં હિમરેખા ક્રમશ: પીછેહઠ કરતી જતી જણાયેલી છે. આબોહવાત્મક ફેરફારોની સાથે સાથે હિમરેખા ઉપર તરફ સ્થાપિત થતી જાય ત્યારે, પ્રત્યેક પીછેહઠમાં પ્રત્યેક કક્ષાએ શ્રેણીબદ્ધ અંતિમ હિમ-અશ્માવલિઓ છોડતી જાય છે. આ પ્રકારની રચનાને પ્રતિક્રમિત હિમ-અશ્માવલિ (recessional moraines) કહે છે.
પીછેહઠ કરતી જતી હિમનદી કદાચ સંજોગવશાત્, થોડાક વખત માટે ફરીથી નીચે તરફ પ્રગતિ કરે તો તેના પટમાં પથરાયેલી અશ્માવલિ પર દાબનું બળ લાગતાં, મરડાઈને બેડોળ બને છે, ક્યારેક વધુ વિક્ષેપ થતાં ગેડીકરણ પણ પામે છે. પરિણામે આવા ઢગલાઓમાં વિરૂપતા સર્જાય છે. આ પ્રકારની સંચલનજન્ય વિરૂપતા(tectonic deformation)ને કારણે આકારિત થયેલી હિમ-અશ્માવલિ આઘાત-હિમ-અશ્માવલિ (push-moraine) કહેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ